Abtak Media Google News

નોટબંધી દરમિયાન રોકડની સર્જાયેલી અછતનો લાભ ઉઠાવવા કેતન દવેએ ફલેટ ભાડે રાખી કલર સ્કેનરની મદદથી રૂ.૨ હજારના દરની જાલીનોટ છાપી: રૂ.૩.૯૨ કરોડની જાલીનોટ અને રૂ.૮૦ હજારની સાચી નોટ કબ્જે

દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ખૌફનાક કૌભાંડ જાલીનોટનું રાજકોટ એપી સેન્ટર બની ગયું છે. પોલીસે વધુ રૂ.૩.૯૨ કરોડની જાલીનોટ કબ્જે કરી કરેલી પૂછપરછ દરમિયાન તમામ જાલીનોટ પંચનાથ પ્લોટમાં છેલ્લા બે માસ દરમિયાન છાપી હોવાનું બહાર આવ્યું છે. નોટબંધી બાદ રોકડની સર્જાયેલી અછતનો લાભ ઉઠાવવા કેતન દવેએ ત્રણ કલર સ્કેનરની મદદથી રૂ.૫ કરોડની જાલીનોટ છાપી હોવાનું બહાર આવ્યું છે.

કોઠારિયા રોડ પર રામપાર્કમાં રહેતા અને મીરા ઉદ્યોગમાં બાલાજી એન્ટરપ્રાઇઝના નામથી ભંગારનો વ્યવસાય કરતા નિતિનભાઇ બાવાભાઇ પટેલને રૂ.૫૦ લાખ રોકડાની જ‚ર હોવાથી ગોંડલ રોડ પર આવેલા નક્ષત્ર કોમ્પ્લેક્ષમાં દેવર્શી એકાઉન્ટ નામની ઓફિસ ધરાવતા કેતન સુર્યકાંત દવેનો સંપર્ક કરી નિતિનભાઇ પટેલે પોતાના બેન્ક એકાઉન્ટમાંથી અમદાવાદની પેઢીમાં આરટીજીએસથી રૂ.૫૦ લાખ ટ્રાન્સફર કર્યા બાદ કેતન દવે અમદાવાદથી રોકડ રકમ મગાવી દેશે તેવા બહાના હેઠળ રૂ.૫૦ લાખની જાલીનોટ ધાબડી દેવાની ઘટનાની તપાસ દરમિયાન પોલીસે શૈલેષ બાંભણીયા, કિશોર કાનજી રામપરીયા, અનવર ઇબ્રાહીમ તાયાણી, પાર્થ જગદીશ તેરૈયા અને ઉમંગ બીપીન ગજ્જર નામના શખ્સની ધરપકડ કરી હતી.

જાલીનોટ કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન એકાદ કરોડની જાલીનોટ જામનગર રોડ પર રેલવેના વિસ્તારમાં સળગાવી દીધાની અને બાકીની જાલીનોટ સાથે પુનિતનગર પાસેના સુખસાગર સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં જી.જે.૧કેએ. ૮૫૫૧ નંબરની કારમાં હોવાની કબૂલાત આપી હતી. પોલીસે છાપો મારી રૂ.૩,૯૨,૪૨,૦૦૦ની જાલીનોટ અને રૂ.૮૦ હજારની સાચી નોટ કબ્જે કરી છે.

આ પહેલાં પણ રૈયા રોડ પર હનુમાન મઢી પાસેથી અમદાવાદના શખ્સો રૂ.૨૬ લાખની જાલીનોટ સાથે ઝડપાયા હતા. તેની પૂછપરછ દરમિયાન અમદાવાદ અને બોટાદના શખ્સોની સંડોવણી બહાર આવી હતી. નિતિન પટેલને આપવા માટે જાલીનોટ પણ અમદાવાદના મયુર પાસેથી મગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અમદાવાદમાં છપાતી જાલીનોટનો નિકાલ રાજકોટમાં જ કેમ થઇ રહ્યો છે તે અંગે ઉંડી તપાસ હાથ ધરવામાં આવતા રૂ.૨ હજારના દરની બે માસ દરમિયાન પંચનાથ પ્લોટમાં ફલેટ ભાડે રાખીને રૂ.૫ કરોડની જાલીનોટ કેતન દવેએ છાપી હોવાનું બહાર આવ્યું છે. જાલીનોટ કૌભાંડમાં ઝડાપાયેલા શખ્સોની પૂછપરછમાં અને સુખસાગર વિસ્તારમાંથી રેઢી મળી આવેલી કાર પણ કેતન દવેના સંબંધીની હોવાનું બહાર આવતા પોલીસે કાર માલિકની શોધખોળ હાથધરી છે. જાલીનોટ છાપવામાં અન્ય ત્રણ થી ચાર શખ્સોની સંડોવણી હોવાથી તેની શોધખોળ કરવામાં આવી રહી છે. કેતન દવેએ અલગ અલગ પાંચ સિરિઝની રૂ.૫ કરોડની જાલીનોટ છાપી છે અને તેની પાસેથી અત્યાર સુધીમાં રૂ.૪.૫૯ કરોડની જાલીનોટ કબ્જે થઇ હોવાથી રૂ.૪૧ લાખની જાલીનોટ કેતન દવે કોને આપી છે તે અંગે તપાસ હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.