Abtak Media Google News

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 13 તાલુકાઓમાં મેઘમહેર: સૌથી વધુ ઉમરગામ અને પારડીમાં ચાર ઈંચ વરસાદ

આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં આજે મેઘરાજા ખાબકશે. મહત્વનું છે કે, હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે-ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે.

એવામાં હવામાન વિભાગે ગઇકાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 તાલુકોમાં મેઘમહેર થઇ છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 4 ઈંચ જેટલો પડ્યો છે.

આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી.  આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.

ગુજરાત પર અંદાજે ચાર મહિના સુધી હેત વરસાવ્યા બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી હતી.

હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  ગુજરાતમાં આ વખતે 39.43 ઈંચ સાથે મોસમનો 118 ટકા વરસાદ નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.