Abtak Media Google News

રાજકોટમાં ઇન્ટર્ન ડોક્ટરોએ ડીનને આવેદન પત્ર પાઠવ્યો: એમબીબીએસના વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

રાજ્યમાં તાજેતરમાં મેડીકલ પોસ્ટ ગ્રેજયુએટના એડમિશનના નિયમોમાં ફેરફાર કરવાથી ગુજરાતના ડોક્ટરોમાં સરકાર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર જ સરકારે ગૂજરાત રાજ્યમાંથી જ એમબીબીએસ પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે જે પીજીમાં 50 ટકા બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવા પાત્ર થતાં, તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી એમબીબીએસ કરીને આવેલા વિદ્યાર્થીઓ માટે એડમિશન લઈ શકાશે એવી જાહેરાત કરતા ગુજરાત માંથી એમબીબીએસ કરતા વિદ્યાર્થીઓને અન્યાયની લાગણી અનુભવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્ટેટ ક્વોટામાં પહેલા તક મળે તે માટે જ વિદ્યાર્થીઓ 12માં ધોરણ પછી એમબીબીએસમાં એડમિશન લેતી વખતે જ ગુજરાત રાજ્યની મેડીકલ કોલેજોને પ્રાથમિકતા આપતા હોય છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી એમબીબીએસ કરેલા વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બેવ રાજ્યોમાં 100 ટકા બેઠકો પર એડમિશન લઈ શકશે.

નારાજગીનો બીજો એક મુદ્દો એ પણ છે કે સરકારી ક્ષેત્રે તબીબી સેવા આપેલ ડોક્ટરો માટે આગળ પીજીમાં એડમિશન લેવા માટે 10 ટકા બેઠકો પર “ઇન સર્વિસ” ક્વોટા અનામતી રૂપે વર્ષે ઉમેરવામાં આવેલા પણ બીજી બાજુ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડીકલ ઓફિસરોની કાયમી નિમણુંક બંધ થઈ ગઈ છે. જેથી અત્યારે બહાર પડનારી તેમજ આવનારી ડોક્ટરોની પેઢી આ લાભથી વંચિત રહી જશે.

તેમજ આ વર્ષે નવા નિયમો મુજબ પીજીના કાઉન્સિલિંગ દરમિયાન જે તે બેઠક પર પ્રવેશ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી પોતાની ઈચ્છા મુજબ તે સીટ મફતમાં એટલે કે પેનલટી ભર્યા વગર જ છોડી શકે છે અને જેમાં પાછળથી આવનારા રાઉન્ડમાં તે બેઠક પર પણ રાજ્યની બહારથી ડોકટરી ભણેલા કોઈ પણ વિદ્યાર્થી પ્રવેશ લઈ શકે એમ છે જેનાથી ગૂજરાતના વિદ્યાર્થીઓને નુકસાન થશે.

માટે ગુજરાત ઇન્ટરન ડોકટર અસોસેશિયન તેમજ ગૂજરાત એમબીબીએસ સ્ટુડન્ટ્સ અસોસેશીયનએ આ નિયમ સામે વિરૂદ્ધ હાઈકોર્ટમાં રિટ દાખલ કરીને સરકાર સમક્ષ એજ માગણીઓ મૂકી છે કે જે પણ નવા નિયમો હોય તે હવેથી આ વર્ષે 2022-23માં એમબીબીએસમાં દાખલ થતાં વિદ્યાર્થીઓને એટલે કે 2028-29માં લાગુ પડે કારણ કે ગૂજરાતમાં એમબીબીએસમાં એડમિશન લેતી વખતે વિદ્યાર્થીઓને આ અંગે જાણ ન હતી જેથી આજરોજ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસના વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરીને મેડિકલ કોલેજના ટીમ ડો. સામાણીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.