Abtak Media Google News

પ્રથમ ચરણમાં 300 ટોપ લિસ્ટ દવાઓને ક્યુઆર કોડમાં આવરી લેવાશે

હવે મેડિકલ સ્ટોર અથવા ઓનલાઈન ખરીદવામાં આવેલી દવાની તમામ માહિતી એક જ સ્કેન દ્વારા બહાર આવશે. સરકારે દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકોના કોડ મૂકવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે આ નિર્ણય હેઠળ ડ્રગ પ્રાઇસિંગ ઓથોરિટી એ 300 દવાઓ પર કયુઆર કોડ લગાવવાની તૈયારી કરી છે. આ પગલાથી દવાઓની કિંમતોમાં પારદર્શિતા આવશે અને તેનું બ્લેક માર્કેટિંગ પર અંકુશમાં આવશે. કયુઆર કોડ માટે જે દવાઓ પસંદ કરવામાં આવી છે તેમાં પેઇન કિલર, વિટામિન સપ્લીમેન્ટ્સ, બ્લડ પ્રેશર, સુગર અને ગર્ભનિરોધક દવાઓનો સમાવેશ થાય છે. એપીઆઇમાં ક્યુઆર કોડ દાખલ થવાથી, તે શોધવાનું સરળ બનશે કે તેની રચનામાં ખોટા ફોમ્ર્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. એટલે કે એ જાણી શકાશે કે આ દવા અસલી છે કે નકલી.  આ સિવાય દવાના ઉત્પાદનમાં વપરાતો કાચો માલ ક્યાંથી આવ્યો અને દવા ક્યાં જઈ રહી છે તે પણ કયુઆર કોડથી જાણી શકાશે. તેની મંજૂરી ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા 2019માં આપવામાં આવી હતી.

ફાર્મા ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે નાના કે મધ્યમ કદના વેપારીઓ માટે આ ફેરફારને અનુસરવું મુશ્કેલ બનશે. તેમનું કહેવું છે કે પેકેજિંગમાં આ ફેરફાર કરવો થોડો મુશ્કેલ હશે. તેમાં ઘણી મહેનત અને પૈસાની જરૂર પડશે. જોકે, ફાર્મા કંપનીઓનું કહેવું છે કે સિંગલ ક્યુઆર સિસ્ટમ રાખવી વધુ અનુકૂળ રહેશે. હાલમાં વિવિધ વિભાગોમાંથી દવાઓનું ટ્રેસીંગ કરવામાં આવે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ડોલો, સેરિડોન, ફેબિફ્લુ, ઇકોસ્પ્રિન, લિમ્સી, સુમો, કેલ્પોલ, થાઇરોનોર્મ, અનવોન્ટેડ 72 અને કોરેક્સ સિરપ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ કર્યો છે. આ દવાઓનો ઉપયોગ તાવ, માથાનો દુખાવો, ગર્ભાવસ્થા ટાળવા, ઉધરસ, વિટામિનની ઉણપ વગેરેમાં થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.