Abtak Media Google News

જનવિશ્ર્વાસની આરાધના કરતાં-કરતાં નાના માણસની મોટી બેંકનું સૂત્ર ચરિતાર્થ કરીએ છીએ: શૈલેષભાઇ ઠાકર

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 69મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય, લક્ષ્મણરાવ ઇનામદાર પ્રશિક્ષણ કેન્દ્ર, રાજકોટ ખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.

બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકરે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું, ‘નાના માણસની મોટી બેંક સાર્થક કરતાં 69 વર્ષનાં વહાણામાં અનેક તપસ્વીઓના તપથી સ્વ. અરવિંદભાઇ મણીઆરથી લઇ એ પછીના આવનારા દરેક તપસ્વીએ આ બેંકને એક એવી ઊંચાઇ પર પહોંચાડી છે કે જેના ફળસ્વરૂપ આપણે સહુ કાર્યકર્તાઓએ આજે બેંકને વટવૃક્ષ બનાવી છે.

નાના માણસની મોટી બેંક સૂત્ર છે, જેના આંકડાકીય આધાર સીઇઓએ રજુ ર્ક્યા કે આર.બી.આઇ.ના માપદંડ મુજબ કુલ ધિરાણના 50 ટકા ધિરાણ કે જે રૂા. 25 લાખથી નીચે હોવું જોઇએ જેની સામે આપણા 78 ટકા ધિરાણ નાના  લોકોને છે. આ દર્શાવે છે કે નાના માણસની મોટી બેંકનું આપણું સૂત્ર ચરિતાર્થ કરીએ છીએ. આજે આટલા વર્ષોથી બેંક જનવિશ્ર્વાસની આરાધના કરી રહી છે ત્યારે આર.બી.આઇ.ના નિયમાનુસાર બોર્ડ ઓફ ડિરેકટર્સ કાર્ય કરી રહ્યા છે.

બેંકમાં મહિનામાં બે વખત બોર્ડ મિટિંગ, અઠવાડિયામાં ત્રણ વખત એક્ઝીક્યુટીવ કમિટિ મળતી હોય છે. દરેક બાબતનો સામૂહિક વિચાર-વિમર્શ બાદ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે છે. ગત વર્ષના પરિણામોમાં નફામાં સર્વશ્રેષ્ઠ પરિણામ છે. ચાલુ વર્ષના બે ક્વાર્ટરમાં થાપણ-ધિરાણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે અને આગામી બે ક્વાર્ટરમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી નિયત લક્ષ્યાંકો મેળવી શકીશું એવી મને ખાત્રી છે.

સાથોસાથ લો-કોસ્ટ, જે બેંકિંગનું આર્થિક પાવરહાઉસ હોય છે તેના માટે 33 ટકાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે આ વર્ષે તેમાં પણ, દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઇ રહ્યો છે ત્યારે આપણે પણ 75 હજાર નવાં ખાતાં ખોલવાના અભિયાન સાથે આગળ વધી રહ્યા છીએ. દરેક ક્ષેત્રના લોકોને આપણી બેંક સાથે જોડવા છે. તેનાથી લો-કોસ્ટ ડિપોઝીટ પણ સારી એવી વધશે.’

વાર્ષિક સાધારણ સભામાં કુલ 9 ઠરાવ મૂકાયેલા અને પ્રત્યેક ઠરાવ ચર્ચા-વિચારણા સાથે સર્વાનૂમતે મંજૂર થયા હતા.ચૂંટણી અધિકારી ઘનશ્યામસિંહ જાડેજાએ ડિરેકટરોની 8 સીટ માટે શૈલેષભાઇ ઠાકર, જ્યોતીન્દ્રભાઇ મહેતા, દીપકભાઇ મહેતા, ચંદ્રેશભાઇ ધોળકીયા, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણાને બિનહરીફ ચુંટાયેલા જાહેર ર્ક્યા હતા. ચુંટણી અધિકારી તરીકે રાજકોટના જીલ્લા રજીસ્ટ્રાર ઘનશ્યામસિંહ જાડેજાએ સેવા આપી હતી.

બેંકનાં સીઇઓ-જનરલ મેનેજર વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ 2021-2022ની હાઇલાઇટ્સ રજુ કરતાં માહિતી આપી હતી કે, ‘બેંકની થાપણ રૂા. 5,295.92 કરોડ, ધિરાણ રૂા. 3,009.89 કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂા. 1,664.53 કરોડ, ઓપરેટીંગ નફો રૂા. 130.75 કરોડ અને નેટ નફો રૂા. 81.25 નફો, કુલ સ્વભંડોળ રૂા. 771.21 કરોડ, નેટ એનપીએ ઝીરો અને સભાસદ 3,11,535 છે. સીડી રેશિયો 56.83 ટકા છે. આર.બી.આઇ.ના માપદંડ મુજબ નાના ધિરાણો 50 ટકા હોવા જોઇએ તેની સામે આપણા 78 ટકા નાના ધિરાણો છે.

ધિરાણમાં માઇકો એન્ટરપ્રાઇઝમાં 7.5 ટકા ને બદલે 19.56 ટકા, વીકર સેકશનમાં 11 ટકાને બદલે 11.14 ટકા અને કુલ પ્રાયોરીટી સેકટરમાં 50 ટકાને બદલે 50.69 ટકા ધિરાણો નોંધાયેલા છે. સીઆરએઆર 9 ટકા હોવો જોઇએ તેને બદલે 18.41 ટકા છે, જે આનંદની વાત છે. આગામી વર્ષે આપણે લો-કોસ્ટમાં 16.63 ટકાનો વધારાનું લક્ષ્યાંક રાખ્યું છે. ડિજીટલ ચેનલ્સમાં ખૂબ જ મોટો વધારો જોવા મળે છે. બેંકમાં ઇ-ચેનલનો વપરાશ વધતાં, એટીએમ, યુપીઆઇ, આઇએમપીએસ વ્યવહારમાં અને આસ્બા એપ્લીકેશન કામગીરીમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

વિગતથી જોઇએ તો, આઇએમપીએસ રૂા. 1,163 કરોડ, યુપીઆઇ રૂા. 1,186 કરોડ, બીબીપીએસ રૂા. 3 કરોડ, મોબાઇલ એપ થકી આરટીજીએસ/એનઇએફટી રૂા. 965 કરોડ, એટીએમમાં કેશ ડિપોઝીટ રૂા. 320 કરોડ નોંધાયેલ છે. આપણે પ્રાપ્ત કરેલ વિકાસને સતત આગળ ધપાવતાં આવતા વર્ષમાં પણ નવો લક્ષ્યાંકો મેળવીશું અને તેમાં આપ સહુનો સહયોગ મળશે એવી પ્રબળ આશા છે.’

સભાની શરૂઆત ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થઇ હતી. બેંકના અધિકારી પ્રવીણસિંહ રાઠોડે સહકાર મંત્રનું પઠન ર્ક્યું હતું. બિઝનેશ સેશનની કામગીરી બાદ પરિવાર ગોષ્ઠિ યોજાયેલ. તેમાં બેંકના ડેલિગેટ્સની વિવિધ ક્ષેત્રે વરણી અને વિશિષ્ટ કામગીરીને બિરદાવી સન્માન ર્ક્યું હતું.

આ અવસરે સતીષજી મરાઠે (રિઝર્વ બેંક ઓફ ઇંડીયાના સેન્ટ્રલ બોર્ડ ડિરેકટર), બાલાસાહેબ ચૌધરી (પશ્ર્ચિમ ક્ષેત્ર, ક્ષેત્ર કાર્યવાહ-રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ), બેંક પરિવારમાથી શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, સુરેશભાઇ નાહટા, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જૈન, કિર્તીદાબેન જાદવ, મંગેશજી જોષી, બાવનજીભાઇ મેતલિયા, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, ડો. માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.વિશેષમાં પી. આર. ધોળકીયા, નરેન્દ્રભાઇ દવે, ડો. વલ્લભભાઇ કથીરીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.