Abtak Media Google News

તાપમાન સામાન્ય રહેવાના કારણે નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવની કોઈ શકયતા નથી

રાજ્યમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાય રહ્યા છે અને રાજ્યમાં બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોર થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવામાં હવામાન વિભાગનું અનુમાન છે કે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે. ત્યાર બાદ તાપમાનમાં 2થી 3 ડીગ્રીનો વધારો નોંધાશે.

ભારતના હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબાગાળા નું અનુમાન જાહેર કરે છે. આવામાં નવેમ્બર મહિનામાં તાપમાન કેવું રહેશે, તેને લઈ અનુમાન જાહેર કર્યું છે. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાનું પૂર્વાનુમાન લગાવ્યું છે. તાપમાન સામાન્ય રહેવાના કારણે નવેમ્બર મહિનામાં કોલ્ડ વેવની કોઈ શકયતા નથી.

જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં જ કડકડતી ઠંડી અનુભવાય છે. એટલે ઠંડી માટે રાહ જોવી પડશે. ઉત્તર ભારતમાં ઠંડીની શરૂઆત થયા બાદ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય છે. કારણ કે, શિયાળામાં ઉત્તર તરફના પવનો ગુજરાત તરફ આવે છે. સૂકા અને ઠંડા પવનો ફૂંકાવવાના કારણે તાપમાન ગગડે છે અને ઠંડીનો અહેસાસ થાય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં ઉત્તર-ઉતરપૂર્વના પવનો ફૂંકાય રહ્યા છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.અમદાવાદનું લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી, અમરેલીનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી, વડોદરાનું લઘુતમ તાપમાન 18.8 ડિગ્રી, ભાવનગરનું લઘુતમ તાપમાન 121 ડિગ્રી, ભુજનું લઘુતમ તાપમાન 19.6 ડિગ્રી, ડીસાનું લઘુતમ તાપમાન 19.7 ડીગ્રી, દીવનું લઘુતમ તાપમાન 22.5 ડિગ્રી, દ્વારકાનું લઘુતમ તાપમાન 22.3 ડિગ્રી, ગાંધીનગરનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.