Abtak Media Google News

નરેન્દ્રભાઇ મોદી 19 અને 20 નવેમ્બરે ગુજરાતના પ્રવાસે: વલસાડ સહિત રાજ્યમાં જ્યાં 2017માં ભાજપની સ્થિતિ નાજુક હતી ત્યાં પક્ષને મજબૂત કરવા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનના આડે હવે એક પખવાડીયા જેવો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સતત 7મી વખત પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા સપ્તાહથી રાજ્યમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. 19 અને 20 નવેમ્બરના રોજ પીએમ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. 2017માં ભાજપ જે બેઠકો પર પરાજીત થયું હતું અને જ્યાં પક્ષની સ્થિતિ નબળી દેખાઇ રહી છે ત્યાં કમળને મજબૂત બનાવવા માટે વડાપ્રધાન દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવશે અને સભાઓ સંબોધવામાં આવશે.

ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે 19મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વલસાડ જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધશે. ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો પૈકી ભાજપને માત્ર 23 બેઠકો જ પ્રાપ્ત થઇ હતી. ગાંધીનગરની ગાદી સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્ર ખૂબ મહત્વનો ફાળો ભજવે છે. આવામાં આ વખતે સૌરાષ્ટ્રમાંથી ભાજપને શક્ય તેટલી વધુ બેઠકો મળે તે માટે ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કમાન સંભાળી લીધી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન ધોરાજી, વેરાવળ, બોટાદ અને અમરેલી જિલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધશે. આ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરોના કારણે અમરેલી જિલ્લામાં 2017માં ભાજપને એકપણ બેઠક મળી ન હતી. જ્યારે ધોરાજી અને વેરાવળ બેઠક પર પણ કમળના પ્રતિક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો હતો. સતત બીજી વખત આવો રકાસ ન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાજપ માટે હાલ જે બેઠકો જીતવી થોડા ઘણા અંશે મુશ્કેલ જણાય છે ત્યાં પ્રચારનું બ્યૂંગલ ફૂંકવામાં આવશે. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વડાપ્રધાન 20મીએ અલગ-અલગ ચાર ચૂંટણી સભા ગજવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મોટાભાગના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં જંગી જાહેર સભા યોજવામાં આવી હતી અને અબજો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરાયા બાદ ભાજપમાં અસંતોષની આગ ફાટી નીકળી છે જેને કાબૂમાં લેવા માટે ખૂદ અમિત શાહે છેલ્લા દિવસથી ગુજરાતમાં ધામા નાંખ્યા છે. દરમિયાન પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર એક પખવાડીયાનો સમય બચ્યો છે ત્યારે રાજ્યમાં ચૂંટણીલક્ષી અને ભાજપ તરફી માહોલ બનાવવા માટે વડાપ્રધાન ખૂદ મેદાનમાં ઉતરશે. આવતા સપ્તાહે પીએમ ગુજરાતમાં અલગ-અલગ પાંચ સ્થળે ચૂંટણી સભા યોજે તેવું લાગી રહ્યું છે. ચૂંટણી જાહેર થયાના આગલા દિવસ સુધી વડાપ્રધાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હતા ત્યારે એવી વાતો વહેતી થઇ હતી કે પ્રચાર માટે હવે નરેન્દ્રભાઇ ગુજરાતમાં બહુ ઓછો સમય ફાળવશે પરંતુ ટિકિટ ફાળવણી બાદ જે રીતે વિરોધ ફાટી નીકળ્યો છે તે જોતા પીએમે ફરી મેદાનમાં આવવું પડ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનના ચૂંટણી પ્રચાર માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.