Abtak Media Google News

 

Advertisement

રાજકોટ: ઘરમાં દરોડો પાડી ગાદલા નીચે છુપાયેલા બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સહિત રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે

 

વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા શહેરભરમાં કાયદો અને વ્યવસ્થા ઝળવાય રહે અને કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે સઘન ચેકીંગ હાથધરવામાં આવી રહ્યું છે. ત્યારે થોરાળા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સાથે એક શખ્સને દબોચી રૂ.1 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી તેની માતાના પ્રેમીને ભડાકે દેવા માટે હથિયાર લવ્યાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોરાળા પોલીસે સોમવારે બપોરે બાતમી મુજબના સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન અવેશ ઓડિયા ઘરમાંથી મળી આવ્યો હતો. જ્યારે તેના ઘરની તલાશી લેતા સેટીમાં રહેલા ગાદલા નીચેથી દેશી બનાવટની બે પિસ્ટલ તેમજ એક કોથળીમાં સાત કારતૂસ મળી આવ્યા હતા. જે ચેક કરતા ત્રણ જીવતા કારતૂસ હતા અને ચાર ફૂટેલા કારતૂસ હોવાનું જાણવા મળ્યું હતું. નાનપણમાં મારામારી સહિતના ગુનામાં સંડોવાયેલા અયુબ ઓડિયા પાસેથી રૂ.1 લાખની કિંમતના બે હથિયાર અને જીવતા-ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે.

આ અંગે વધુ વિગત આપતા થોરાળા પોલીસ મથકના પીઆઇ એલ.કે.જેઠવાએ જણાવ્યું હતું કે, અયુબની માતા કોઇની સાથે રિલેશનશિપથી રહે છે. જે વાતથી અયુબ નારાજ હોય તેનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું. ત્યારે અગાઉ જેલમાં પરિચયમાં આવેલા મધ્યપ્રદેશનો શખ્સ પેરોલ પર બહાર આવ્યો હોવાની જાણ થતા અયુબે તેનો સંપર્ક કર્યો હતો. સંપર્ક બાદ ત્રણ માસ પહેલા જ અયુબ બે હથિયાર અને કારતૂસ લઇ આવ્યો હતો, પરંતુ તેનો બદઇરાદો પૂરો થાય તે પહેલા પકડાઇ ગયો છે. અયુબ સામે છેલ્લા નવ વર્ષમાં મારામારી, પ્રોહિબિશન સહિત છ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. અયુબ પાસેથી મળી આવેલા ફૂટેલા કારતૂસનો ક્યાં ઉપયોગ કર્યો છે તે સહિતની વિગતો બહાર લાવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.