Abtak Media Google News

ભાજપના ઉમેદવારે પણ તેમના ઉપર હુમલો કર્યાના આક્ષેપ કર્યા:સામસામી ફરિયાદ

કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લાના દાંતા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી ગુમ થયા બાદ આજે સવારે મળી આવ્યા છે. આ મામલે બનાસકાંઠામાં દાંતા બેઠકના ભાજપના ઉમેદવાર લઘુ પારઘી અને કોંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે માહિતી આપતા કહ્યું હતું કે અમારે ફોન પર વાતચીત થઇ છે અને તેઓ મળી ગયા છે. ત્યારે ગુમ થવા અંગે કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, તેઓ પર ભાજપ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેઓ ગઈકાલે રાતે દાંતાના છોટા બામોદરા ગામેથી ગુમ થયા હતા. પરંતુ અત્યારે મળતી માહિતી મુજબ કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય કાંતિ ખરાડી મળી ગયા છે.

કાંતિ ખરાડીના ગુમ થવા મામલે રાજકારણ ગરમાયુ છે. દાંતાના કોંગી ઉમેદવાર કાંતિ ખરાડીના આરોપ પર ભાજપના ઉમેદવાર લાઘુ પારઘીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, કાંતિ ખરાડીએ  મારા પર હુમલો કરાવ્યો. હું દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઈ રહ્યો હતો,ત્યારે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી. મારી ગાડીને ટક્કર મારીને તોડી નાખી. ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. હું જીવ બચાવવા માટે નાસીને પોલીસ સ્ટેશને આવ્યો છું.

ઉલ્લેખનીય છે કે, કાંતિ ખરાડીએ  પ્રેસ કોન્ફરન્સ કરી અને બોગસ મતદાન અને ધાક ધમકીની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ તેમણે આ અંગે આજે પણ કલેકટર એસપી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીને પણ જાણ કરી હતી, જો કે આ સમાચાર સામે આવ્યા બાદ જિલ્લા પોલીસ વડા સહિત એલસીબી અને પોલીસની ટીમો કાંતિ ખરાડી ને શોધવાના કામે લાગી છે.

જ્યારે ધારાસભ્ય કાંતિ ખરાડીના બંને મોબાઈલ સ્વીચ ઓફ આવતા મુશ્કેલીઓ વધી હતી.

દાતા તાલુકાના છોટા બામોદરા પાસે કાંતિ ખરાડીની ગાડી રોકાવી પલટી મરાવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ટ્વિટ કરી લખ્યું હતું કે કાંતિ ખરાડીનું માર મારી અપહરણ કરાયું છે. ઉલ્લેખનીય છે કે આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. મતદાનને એક દિવસ પૂર્વે જ કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થયાના સમાચારો વહેતા થતા રાજકારણ ગરમાયુ હતું. જો કે આજે કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર અને ભાજપના ઉમેદવારે કોંગરસનાં ઉમેદવાર ઉપર હુમલાના આક્ષેપ કર્યા છે. બન્ને એ સામસામી ફરિયાદ પણ નોંધાવી છે. જેને કારણે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. મતદાનને દિવસે જ આ વિવાદથી મતદારો પણ પોલીસ કાર્યવાહી ઉપર મીટ માંડીને બેઠા છે.

પુરાવાના આધારે પગલાં લેવામાં આવશે : એસપી

જિલ્લા પોલીસ વડાના જણાવ્યા  પ્રમાણે, પ્રાથમિક તપાસમાં બંનેમાંથી કોઈને ઈજાના નિશાન જણાયા નથી. છતાં પોલીસે બંને ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે તપાસ બાદ દોષિતો સામે થશે કાર્યવાહીનો દાવો કર્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ફરિયાદમાં ગાડીઓની ટક્કરનો ઉલ્લેખ છે. જેના અનુસંધાનમાં તપાસ માટે પોલીસે એફએસએલની ટીમ મોકલી છે. હવે મેડિકલ પુરાવા અને એફએસએલના પુરાવાના આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.