Abtak Media Google News

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં પંદર દિવસ અગાઉ થયેલી હત્યાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અમરોલી વિસ્તારના અંજની ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલા એક ખેતરમાં એક અજાણી મહિલાની ચપ્પુના 49 જેટલા ઘા ઝીંકીને હત્યા કરાયેલ લાશ મળી આવી હતી. પ્રાથમિક પોલીસ તપાસમાં મહિલાની ઓળખ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. જો કે પોલીસે માત્ર એક નાનકડી કડીના આધારે સમગ્ર હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મહિલાની હત્યા કરાયેલી લાશ જે જગ્યાએ મળી હતી તે જગ્યાની આસપાસ કોઈ સીસીટીવી ન હોવાના કારણે પોલીસ માટે મહિલાની ઓળખ તેમ જ હત્યારાની ઓળખ કરવી પણ એક ચેલેન્જ રૂપ હતું. જો કે પોલીસને મહિલા પાસેથી મળેલ એક કાગળમાં ઉડિયા ભાષામાં લખાણ હોવાના કારણે અંદાજો લગાવ્યો હતો કે, મહિલા ઓડીસાથી આવી હોઈ શકે. ત્યારબાદ પોલીસે તે વિસ્તારના તેમજ રેલ્વે સ્ટેશનના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશનના સીસીટીવીમાં આ મહિલા એક યુવક સાથે આવતી દેખાઈ હતી. જેને પગલે સીસીટીવીના આધારે યુવકની ઓળખ કરીને પોલીસે આ યુવક જગન્નાથ ગૌડાને ઊંચકી લીધો હતો. તેની પૂછપરછ કરતા તેણે આ યુવતીની હત્યા કરી હોવાનું કબુલ કર્યું હતું. યુવકે પોલીસને જણાવ્યું હતું કે પ્રેમ સંબંધના કારણે તેણે આ હત્યા કરી હતી.

Screenshot 2 8 1

પોલીસની પૂછપરછમાં જગન્નાથ એ જણાવ્યું હતું કે, તે કોસાડ આવાસ ખાતે પોતાના પરિવાર સાથે રહે છે અને મૃતક મહિલા કુનીદાસ સાથે તેને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતા. આ મહિલા ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે રહેતી હતી. જેથી બંને વચ્ચે ટેલીફોનિક સંપર્કો ચાલુ હતા. છેલ્લા ઘણા સમયથી આ મહિલા આરોપી જગન્નાથને સુરત લઈ આવવા માટે દબાણ કરી રહી હતી. તેમજ પૈસાની પણ માંગણી કરી રહી હતી. જેથી આખરે કંટાળીને 15 દિવસ અગાઉ જગન્નાથ ઓરિસ્સા ગયો હતો અને મહિલાને ટ્રેન મારફતે સુરત લઈને આવ્યો હતો. સુરત સ્ટેશન પર ઉતાર્યા બાદ તે સીધો આ મહિલાને લઈને તે ખેતરમાં ગયો હતો અને તેની પાસે રહેલા ચપ્પુ વડે મહિલા પર ઉપરા ઉપરી  ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આરોપી એટલો ચાલાક હતો કે તેને ખબર હતી કે, ખેતરની આસપાસ કોઈ સીસીટીવી લાગેલા નથી. તેનો લાભ લઈને તેણે હત્યા માટે આ જગ્યા પસંદ કરી હતી.

આરોપીની ચાલાકીને કારણે પ્રથમ તો પોલીસ પણ અવઢવમાં મુકાઈ હતી. કારણ કે આસપાસ કોઈ સીસીટીવી કે કોઈ જોનાર ન હોવાના કારણે હત્યારાનું કોઈ પગેરું મળી રહ્યું ન હતું. પરંતુ માત્ર એક ચિઠ્ઠીના કારણે આ સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.