Abtak Media Google News

રાજકોટમાં ધુળેટીનો પર્વ લોહિયાળ બન્યો હતો. જેમાં અંધશ્રદ્ધાના કારણે પિતાએ જ છરી વડે પોતાના બે બાળકોને રહેસી નાખ્યાં હતા. જ્યારે માતા માસુમ બાળકોને બચાવવા વચ્ચે પડી હતી તો તેને પણ ગળાના ભાગે છરીનો ઘા મારી દેતા તેને પણ સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. પોતાને દાદીમા પંડમાં આવ્યા છે તેમ કહીને પિતાએ બંને બાળકોના ગળામાં છરીનો ઘા મારતાં પુત્રીનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રએ સારવારમાં દમ તોડતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો. પોલીસ પણ હત્યા પાછળનું કારણ જાણી ચોંકી ઉઠી હતી અને તુરંત જ આરોપી રાક્ષસ પિતાની ધરપકડ કરી હતી.

પિતાને દાદીમા પંડમાં આવતા બંને માસુમ સંતાનો પર છરી વડે તૂટી પડ્યો: બાળકોને બચાવવા જતાં માતાને પણ ઇજા

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે આવેલા અંજતા એપાર્ટમેન્ટમાં રહેતા અને ચોકીદારી કરતા પ્રેમ બહાદુર શાહુ નામના રાક્ષસી પિતાએ પોતાની ૩ માસની માસુમ પુત્રી લક્ષ્મી શાહુ અને ૪ વર્ષના માસૂમ પુત્ર નિયત શાહુ પર છરી વડે ગળાના ભાગે ઘા મારતાં આરોપીની પત્ની બસંતી શાહુ (ઉ.વ.૨૫) વચ્ચે પડી હતી. ત્યારે પ્રેમ બહાદુરએ તેને પણ છરીનો ઘા ઝીંકી દેતા ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં માસુમ બાળકી લક્ષ્મીને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે સાંજના બાળક નિયતે પણ દમ તોડતા પરિવારમાં આક્રંદ છવાયો હતો.

ધૂળેટી પર્વ પર વહેલી સવારે ખેલાયેલા ખૂની ખેલમાં માસુમ બાળકીનું મોત: પુત્રએ સારવારમાં દમ તોડતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો 

આ ઘટના અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં હત્યા પાછળનું કારણ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બસંતી શાહુની ફરિયાદ પરથી તેના પતિ પ્રેમ બહાદુર શાહુ સામે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં પ્રેમ શાહુને તેના મૃત દાદી પંડમાં આવતા તે પૂરા પરિવારને મારી નાખશે તેમ કહી છરી વડે તૂટી પડ્યો હતો.

પોલીસ પણ બે-બે હત્યા પાછળનું કારણ જાણી ચોંકી ઉઠી: હત્યારા પિતાની ધરપકડ

હત્યારો પ્રેમ શાહુ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટમાં રહીને ચોકીદારી કરતો હતો.તેને આજરોજ વહેલી સવારે દાદીમા પંડમાં આવતા પરિવારજનો ઉપર છરી વડે તૂટી પડ્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ ભાઈ-બહેનનું મોત નીપજ્યું હતું. ત્યારે તેની પત્ની બસંતીની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. યુનિવર્સિટી પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હત્યારાને ગણતરીની મિનિટોમાં જ ઝડપી પાડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાનૂની તપાસનો દોર લંબાવ્યો છે.
વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં પણ લોકો હજુ ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધામાં ડૂબેલા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં ઘટેલી હત્યાની ઘટનામાં અંધશ્રદ્ધામાં ગળા ડૂબ રાક્ષસી પિતાએ પોતાના બંને માસુમ બાળકોને રહેતી નાખતા ચકચાર મચી જવા પામ્યો છે.
હત્યારા પતિના હુમલા બાદ પત્ની ભાગી જતાં જીવ બચ્યો
અજંતા એપાર્ટમેન્ટમાં હેવાન પતિએ નિંદ્રાધીન પત્ની, પુત્ર અને પુત્રી ઉપર છરી વડે હુમલો કર્યો હતો. અચાનક જાગી ગયેલી પત્ની ઉપર પતિએ છરી હુમલો કરતા પત્ની પોતાનો જીવ બચાવી બાજુમાં આવેલા શિલ્પન એપાર્ટમેન્ટમાં રહેતા સાસુ પાસે ભાગી ગઈ હતી. અને કાકાજી સસરા ભગતસિંહને જગાડ્યા હતા. પરિવાર ઘટના સ્થળે પહોંચે તે પહેલાં જ અડધી કલાકમાં હેવાને ખૂની ખેલ ખેલ્યો હતો.
મૃત્યુ બાદ દાદીમા પંડમાં આવતા હોવાનું હત્યારાનું રટણ
સાધુ વાસવાણી રોડ ઉપર રહેતા હત્યારા પ્રેમ શાહુના દાદીનું થોડા સમય પહેલા જ મૃત્યુ થયું હતું. દાદીના મૃત્યુ બાદ હત્યારો દાદીમા પંડમાં આવતા હોવાનું રટણ કરતો હતો. નેપાળી ચોકીદારે દાદીમા પંડમાં આવતા હોવાની અને તેઓ પુરા પરિવારને મારી નાખશે તેવી અંધશ્રદ્ધામાં બલી ચડાવવાની ઘેલછામાં વહેલી સવારે પત્ની, પુત્ર અને પુત્રીના ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. જેમાં ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકોના મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.