Abtak Media Google News

રાજકોટ મહાનગર પાલિકામાં આજે સવારે મેયર ડો.પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને મળેલી દ્વિમાસિક સામાન્ય સભામાં પ્રજાને સિધી અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાના બદલે શાસકોએ લાયબ્રેરીના પ્રશ્ર્નની ચર્ચામાં સમય વેડફી નાખ્યો હતો. શહેરીજનોને અસર કરતા પ્રશ્ર્નની ચર્ચા કરવાની માંગણી કરવા છતાં શાસકોએ પોતાની મનમાની ચલાવતા વિરોધ પક્ષ કોંગ્રેસના બંને કોર્પોરેટરોએ વોકઆઉટ કર્યો હતો. પ્રશ્ર્નોત્તરી કાળમાં 33 પ્રશ્ર્નો પૈકી માત્ર ત્રણ પ્રશ્ર્નોની જ ચર્ચા થવા પામી હતી. જ્યારે 17 પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી અને 16 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી.

પ્રશ્નોત્તરી કાળમાં લાયબ્રેરીના વાહિયાત પ્રશ્નોની લાંબી-લાંબી ચર્ચા: 17 પૈકી એક દરખાસ્ત પેન્ડિંગ, 16ને બહાલી

Dsc 3419

આજે કોર્પોરેશનમાં મળેલા જનરલ બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના બે કોર્પોરેટરોએ પાંચ પ્રશ્ર્નો પ્રશ્ર્નોત્તરી કાળમાં ચર્ચા માટે રજૂ કર્યા હતાં. બોર્ડમાં જાણે પ્રથમ પ્રશ્નોની ચર્ચા કરવામાં જ જાણે એક કલાકનો સમય વેડફી નાખવાનો સિલસિલો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નં.14ના નગરસેવિકા ભારતીબેન મકવાણાને લાયબ્રેરીને લગતા પ્રશ્નોની ચર્ચા સતત 20 મિનિટ સુધી ચાલુ રાખવામાં આવતા વિરોધ પક્ષના બંને કોર્પોરેટરો ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણી અકડાઇ ગયા હતા.

Dsc 3427

તેઓએ સભા અધ્યક્ષ સમક્ષ પ્રજાને અસર કરતા પ્રશ્ર્નોની ચર્ચા કરવાની માંગણી કરી હતી. જે માન્ય રાખવામાં આવી ન હતી અને સતત લાયબ્રેરીના પ્રશ્નોની ખોટી રીતે ખેંચવામાં આવતો જેના વિરોધમાં વિરોધ પક્ષે વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ 40 મિનિટ સુધીમાં માત્ર બે કોર્પોરેટરોના ત્રણ પ્રશ્ર્નોની ચર્ચા થઇ હતી. લાયબ્રેરી, હરતા-ફરતા દવાખાના અને સોલાર પ્લાન્ટ સંદર્ભની ચર્ચામાં બોર્ડનો એક કલાકનો પ્રશ્ર્નોત્તરી કાળ રિતસર વેડફાઇ ગયો હતો. 33 પૈકી માત્ર 3 સવાલોની ચર્ચા થઇ હતી. જ્યારે બાકીના 30 સવાલો અંગે નગરજનોને કોઇ જ માહિતી મળી શકી ન હતી.

Dsc 3428

ભાજપના શાસકોએ ખોટી વાહ વાહી કરવામાં વધુ એક વખત બોર્ડનો પ્રશ્ર્નોત્તરી કાળ વેડફી નાંખ્યો હતો. બોર્ડમાં મંજૂરી અર્થે કુલ 17 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં વાવડી વિસ્તારમાં સરકારી ખરાબાની જમીન વાવડી સિપાઇ જમાત વકફ ટ્રસ્ટને નીમ કરવા અંગેની દરખાસ્ત કોર્ટ કેસના કારણે વધુ એક વખત પેન્ડિંગ રાખવામાં આવી હતી. જ્યારે વોર્ડ નં.1માં સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત 1144 આવાસોને ટાઉનશીપનું જીજાબાઇ ટાઉનશીપ નામકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગર પાલિકા પ્રતિનિધિ તરીકે વોર્ડ નં.9ના નગરસેવિકા આશાબેન ઉપાધ્યાયની નિમણૂંક સભાગૃહ દ્વારા કરવામાં આવી હતી.

વડાપ્રધાન અને મુખ્યમંત્રીને અભિનંદન આપતા ઠરાવો પસાર કરાયા

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો રેકોર્ડબ્રેક વિજય થયો છે. ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ભાજપ 182 બેઠકો પૈકી 156 બેઠકો પર જીત મેળવવામાં સફળ રહ્યું છે. આજે મહાપાલિકામાં મળેલી જનરલ બોર્ડની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી પદે સતત બીજી વખત સત્તારૂઢ થવા બદલ અને ભાજપને ઐતિહાસિક વિજય અપાવવા બદલ ભૂપેન્દ્રભાઇ પટેલને, જ્યારે વિશ્ર્વના તમામ દેશો માટે મહત્વપૂર્ણ એવી જી-20ની બેઠકની યજમાની ભારતને મળવા સબબ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતાં. ‘ભૂપેન્દ્રભાઇ તુમ આગે બઢો, નરેન્દ્રભાઇ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા ભાજપના કોર્પોરેટરોએ સભાગૃહમાં લગાવ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.