Abtak Media Google News

સપ્તાહમાં તાવના માત્ર 31 કેસ જ નોંધાયા હોવાનો આરોગ્ય શાખાનો દાવો: મચ્છરની ઉત્પતિ સબબ 225 આસામીઓને નોટિસ

શહેરના ઘેર-ઘેર માંદગીના ખાટલા પડ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. છતાં કોર્પોરેશનની આરોગ્ય શાખા એવો દાવો કરી રહી છે કે શહેરમાં તાવ, શરદી-ઉધરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં તાવના માત્ર 31 કેસ નોંધાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ડેન્ગ્યૂનો પણ એક કેસ મળી આવ્યો છે.

આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂનો એક કેસ મળી આવ્યો છે. ચાલુ વર્ષે આજ સુધીમાં ડેન્ગ્યૂના કુલ 12 કેસ નોંધાયા છે. શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી-ઉધરસના 325 કેસ, સામાન્ય તાવના માત્ર 31 કેસ અને ઝાડા-ઉલ્ટીના 81 કેસ મળી આવ્યા છે. સિઝનલ રોગચાળાએ હાહાકાર મચાવ્યો છે. શહેરમાં શેરી-ગલ્લીઓમાં આવેલી સામાન્ય દવાખાનામાં પણ દર્દીઓની કતારો જોવા મળી રહી છે.

છતાં રોગચાળાના આંકડા છૂપાવવામાં માહિર આરોગ્ય શાખા દ્વારા ગત સપ્તાહ કરતા આ સપ્તાહે તાવ, શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસમાં ઘટાડો થયો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે છેલ્લા એક સપ્તાહમાં 5,453 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત 714 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત કુલ 171 બિન રહેણાંક મિલકતોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત 21 સ્થળેથી મચ્છરની ઉત્પતિ મળી આવતા તમામને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રહેણાંક મિલકતોમાં પણ 204 સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ જણાતા તમામને નોટિસ આપવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.