Abtak Media Google News

આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો

જામનગર શહેરમાં સવારે ઝરમર વરસાદ, ઉપલેટામાં છાંટા પડ્યા: ખંભાળીયામાં મોડી રાત્રે જોરદાર ઝાંપટુ: રાજકોટમાં વાદળર્છાંયુ વાતાવરણ, 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

આવતીકાલે માવઠાનું જોર વધશે રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને યાર્ડમાં માલ ન લાવવા અપીલ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જામ્યો છે. રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્ય છાંટાથી લઇ જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતાં. રાજકોટમાં સવારે 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. આવતીકાલથી માવઠાનું જોર વધશે. રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદ પડે તેવી દહેશત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને માર્કેટીંગ યાર્ડમાં જણસી વેંચવા માટે ન લાવવા અપીલ કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સર્જાવાના કારણે રાજ્યમાં 10 દિવસમાં બીજીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમી દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ગત મધરાતે વરસાદનું જોરદાર ઝાપટુ વરસી જતા રાજમાર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સવારે આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો. 20 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ઠંડોગાર પવન ફૂંકાયો હતો. જામનગરમાં સવારે ઝરમર વરસાદ પડ્યો હતો. રાજકોટમાં પણ અમૂક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકના આજુબાજુના વિસ્તાર તેમજ વઢવાણ સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ અન્ય કેટલીક ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે.

ત્યારે હાલના સમયગાળા દરમિયાન ખેડૂતો દ્વારા જીરું તૈયાર થઈ ગયું હોય તો ખેતરમાં સલો કરી અને જીરું બહાર કાઢવામાં આવી રહ્યું છે બીજી તરફ વરિયાળી ધાણા જેવા પાકો પણ તૈયાર થઈ ચૂક્યા છે તે પણ હાલમાં ખેતરમાં પડ્યા છે ત્યારે વરસાદ અચાનક સુરેન્દ્રનગર પંથકમાં ખાબકતા અને માવઠું વરસતા આ પાકોને નુકસાન થયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેને લઈને ખેડૂતોનું ઉત્પાદન પણ બગડ્યું હોય તેવું સામે આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આજે સવારે સામાન્ય છાંટા પડ્યા હતા. આજે ગીર સોમનાથ, જામનગર, ભાવનગર, દેવભૂમી દ્વારકા જિલ્લા ઉપરાંત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આવતીકાલથી માવઠાનું જોર વધશે. 16 અને 17 માર્ચના રોજ રાજ્યના 17 જિલ્લામાં કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 10 દિવસમાં બીજીવાર માવઠું પડવાના કારણે ખેડૂતોને પારાવાર નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદની આગાહી વચ્ચે મંગળવારે સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયું હતું. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આજે અને આવતીકાલે અમૂક સ્થળોએ 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમામ માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોને બે થી ત્રણ દિવસ માટે જણસી વેંચવા માટે ન લાવવા અનુરોધ કરાયો છે. છતા જો યાર્ડમાં માલ વેંચાણ માટે લાવવામાં આવે તો બરાબર ઢાંકીને લાવવા અપીલ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.