Abtak Media Google News

જિલ્લા કલેકટરે વિઝીટ લેતા એકાદ મહિનાનો વિલંબ થતો હોવાનું ધ્યાને આવતા સિવિલ સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયું સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જનાના વિભાગનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામમાં અંદાજે એક મહિનાનો વિલંબ ચાલી રહ્યો હોવાનું જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા તેઓએ સુપ્રિટેન્ડેન્ટને પીઆઇયુને નોટિસ ફટકારવાનો આદેશ કર્યો છે.

રાજકોટમાં નિર્માણાધિન 500 બેડની જનાના હોસ્પિટલની મુલાકાતે રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી અરૂણ મહેશ બાબુ પહોંચ્યા હતા. જ્યાં તેમણે હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ પ્રગતિ અહેવાલ જાણ્યો હતો.  કલેક્ટરે હોસ્પિટલના તમામ માળની મુલાકાત લઈને ઝીણવટપૂર્વકની વિગતો મેળવી હતી અને નિર્માણકાર્ય કરતી એજન્સીઓ સાથે પણ સંવાદ કરીને પ્રોજક્ટ ક્યારે પૂર્ણ થશે તેની પૃચ્છા કરી હતી. રાજકોટવાસીઓને વહેલાસર આ હોસ્પિટલની સેવાનો લાભ મળી શકે તે માટે તેનું નિર્માણ વહેલીતકે પૂર્ણ કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી.

જો કે અગાઉ ફેબ્રુઆરી-2023 સુધીમાં હોસ્પિટલ તૈયાર થઈ જશે તેવી શક્યતા  પીઆઇયું સહિતની એજન્સીઓએ વ્યક્ત કરી હતી. પણ કલેકટરની આ સમીક્ષામાં કામમાં એક મહિનાનો વિલંબ ચાલી રહ્યો હોવાનું નોંધાયુ હતું. જેને પરિણામે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પીઆઇયું સામે કાર્યવાહી કરવાનો સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આદેશ કર્યો છે. જેને ધ્યાને લઇ હવે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પીઆઇયુને નોટિસ ફટકારવાની કાર્યવાહી કરવાના હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.