Abtak Media Google News

ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને  ‘રોયલ’ સ્થાન પર પહોંચ્યું રાજસ્થાન

આઈપીએલ 2023 માં ચેન્નાઈ સુપર કિંગ્સને માટે બુધવારે એ દિવસ જોવો પડ્યો હતો, જેની આશા નહોતી. રાજસ્થાન રોયલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં વર્ષ 2008 બાદ ક્યારેય હાર્યુ જ નહોતુ. પરંતુ બુધવારે સંજૂ સેમસન અને તેની ટીમે એ કામ કરી દેખાડ્યુ. એ પણ ચેન્નાઈના કેપ્ટન અને દુનિયાના શ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્રસિંહ ધોનીની હાજરીમાં. ધોની અને રવિન્દ્ર જાડેજા બંને અંતિમ ઓવરમાં ક્રિઝ પર હતા, બંને બેટ વડે મોટા મોટા છગ્ગા જમાવી રહ્યા હતા. આ વચ્ચે જ 3 રનથી ચેન્નાઈને હારનો સ્વાદ ચેપોકમાં સંજૂએ ચખાડ્યો હતો. આ સાથે જ રાજસ્થાન રોયલ્સ ટીમ નંબર 1 ના સ્થાન પર પહોંચી છે.

રાજસ્થાનનો ઈરાદો બુધવારે મેચ પહેલાથી જ આ સ્થાને પહોંચવાનો હતો. ટીમના ખેલાડીઓ પાસે ગજબનો જૂસ્સો હતો અને એ જૂસ્સાએ અંતિમ ઓવરમાં ચેન્નાઈના આત્મવિશ્વાસ સામે જીત મેળવી છે. રાજસ્થાન રોયલ્સ હવે લખનૌ સુપર જાયન્ટ્સને પાછળ છોડીને પ્રથમ સ્થાન પર પહોંચ્યુ છે. લખનૌની ટીમ બીજા સ્થાને સરકી છે. તો ગુજરાત ટાઈટન્સ માટે નંબર 1 બનવાનો મોકો હજુય દૂર ઠેલાતો જઈ રહ્યો છે.

ચેપોકમાં ફરી ફરી એકવાર શાનદાર જીતનુ સપનુ ચેન્નાઈનુ હતુ. પરંતુ રાજસ્થાન રોયલ્સે જબરદસ્ત પ્રદર્શન કરી દિલધડક માહોલ વચ્ચે લક્ષ્ય બચાવી મેચ જીતી લીધી હતી. અંતિમ બોલ પર છગ્ગો ફટકારીને ધોની મેચ અને પોઈન્ટ્સ ટેબલના ક્રમને ફેરવી શક્યો હોત. પરંતુ સંદીપ શર્માના જબરદસ્ત યોર્કર બોલે ધોનીને છગ્ગો લગાવવાનો કોઈ મોકો ના આપ્યો અને જીત રાજસ્થાનના નામે લખાઈ ગઈ હતી.

જીત સાથે ફરી રાજસ્થાન પ્રથમ ક્રમે પહોંચ્યુ છે. રાજસ્થાન સિઝનમાં ચાર મેચ રમીને ત્રીજી મેચ પોતાને નામ કરી ચુક્યુ છે. બીજા સ્થાને રહેલ લખનૌ સુપર જાયન્ટ્સ પણ ચાર મેચો રમીને ત્રણ મેચમમાં જીત મેળવી છે. આમ બંને 6-6 પોઈન્ટ્સ ધરાવે છે. જોકે રાજસ્થાનનો નેટ રનરેટન લખનૌ કરતા સારો છે, જેને લઈ લખનૌ બીજા ક્રમે રહ્યુ છે. રાજસ્થાનનો નેટ રનરેટ હાલમાં તમામ 10 ટીમોમાં સૌથી સારો છે. રાજસ્થાને સિઝનની શરુઆતથી જ આક્રમક જૂસ્સો દર્શાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.