Abtak Media Google News

કથિત સુસાઇડ નોટમાં અનેકના નામો : આર્થિક ભીંસમાં આવી જતા પગલું ભર્યાનો ઉલ્લેખ

રાજકોટના કાલાવડ રોડ પરના રોયલ પાર્ક-૩ માં રહેતા અને કૃતિ ઓનેલાના ભાગીદાર બિલ્ડર જેરામભાઈ કુંડારીયાએ તાજેતરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે વખતે તેમણે રાકેશ નથવાણી અને ટી.ડી.પટેલ સહિતના બે વ્યાજખોરોના ત્રાસને કારણે આ પગલુ ભર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગાંધીગ્રામ-ર પોલીસે આરોપી રાકેશ નથવાણીની ધરપકડ પણ કરી હતી. હવે જેરામભાઈ કુંડારીયાની કથીત ત્રણ પાનાની સ્યુસાઈડ નોટ વાયરલ થઈ છે. જેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતીલાલ અમૃતિયા સહિતનાઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. જો કે સ્યુસાઈડ નોટ ખરેખર જેરામભાઈ કુંડારીયાની છે કે કેમ તેની કોઈ હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી અને આ સુસાઇડ નોટ અંગે અબતક મીડિયા પણ કોઈ પુષ્ટિ કરતું નથી.

વાયરલ થયેલી સ્યુસાઈડ નોટમાં ધારાસભ્ય અમૃતિયા સંદર્ભે લખાયેલું છે કે, ઉમા ટાઉનશીપ મોરબી ખાતે ૧ર વર્ષ પહેલા ભાગીદારીમાં જોડાયા હતા. જો કે અમારો હિસ્સો સમયસર થયો નથી. ચીરીપાલ ગૃપ તરફથી દસ્તાવેજો નથી કરી દેવાતા તેવા બહાના બતાવાઈ રહ્યા છે. જેટલો હિસ્સો આપ્યો છે તેના દસ્તાવેજના ચેકના રૂપીયા પાછા મળતા ન હતા. વર્ષો પછી પૈસાને બદલે ન વેંચાયેલા ફલેટ આપવામાં આવે છે. વ્યાજે રૂપીયા લઈ રોકાણ કર્યું હતું. જેથી મોટું આર્થિક નુકસાન થયું છે. હજુ પણ ૬૫૦૦ ફુટ જમીન મારા ભાગની લેવાની નિકળે છે. જે મળતી નથી.

૧ર વર્ષ પહેલા નવ બંગલા ભાગીદારીમાં બનાવ્યા હતા. જેમાં મારો ભાગ ૧૬ ટકા છે. જેની જમીનનો દસ્તાવેજ પણ કરી દેતા નથી. જેથી બંગલા પણ વણવેંચાયેલા પડયા છે. તેમાં પણ નુકસાની ભોગવવી પડે તેમ છે.

મોરબીના ટી.ડી.પટેલ વિશે લખ્યું છે કે ૧ર વર્ષ પહેલા ર.૪૦ કરોડ કંપનીમાં લીધા હતા. જેની જવાબદારી મારી હતી. અત્યાર સુધીમાં ર૪ કરોડ ચુકવી દીધા છે. તેની સામે પેઢી અને વ્યકિતગત રીતે ચેક આપ્યા છે. સિકયુરીટી પેટે જમીનનો હિસ્સો લખાવી લીધો છે. હજુ પણ બાકીના વ્યાજ પેટેના ૧.પ૦ કરોડનો ઉઘરાણી કરી ધમકી આપે છે.

વી.ટી.તુરખીયા સાથે છેલ્લા ૧૦ વર્ષથી પૈસાની લેતી દેતીનો હિસાબ છે. તેમને પણ મુદલ કરતા વધારે વ્યાજ પેટે ચુકવી દીધા છે. અમદાવાદ ખાતેની જમીનનો દસ્તાવેજ એચ.એસ.પટેલના નામે કરાવી લીધો છે. હજુ બાકીના રૂપીયાની ઉઘરાણી કરી કૃતિ ઓનેલામાંથી હિસ્સો લેવા દબાણ કરે છે. ભાગીદારો અને સમાજમાં મારી આબરૂ ઓછી કરવાનું ષડયંત્ર કર્યા કરે છે. જીવવું ખુબ મુશ્કેલ છે.

અમદાવાદના રીટાયર્ડ ડીવાયએસપી એચ.એમ.કુંડારીયા અનિશ ચારોલાના મામા છે. તેવોની સાથે ભાગીદારી છે. ૧ર વર્ષ અગાઉ ધોલેરા ખાતે સયંકત ભાગીદારીમાં જમીન લીધી હતી. જેમાં તેમનો હિસ્સો પાંચ ટકા હતો. પરંતુ તેમના ખાતે ૧ર.પ વીઘા જમીન સતિષના ખાતે છે. અમુક જમીન વેંચીને તેના ભાગે આવતા રૂપીયા આપી દીધા છે. પરંતુ તેની પાસે ૮.પ વીઘા જમીન વધારાની છે. જમીનના ભાવ વધી જતા દસ્તાવેજ કરવાની ના પાડે છે. જમીનની કિંમત અંદાજે દોઢથી બે કરોડ છે. બીજા ભાગીદારો આ જમીનનો દસ્તાવેજ કરવા મારી ઉપર દબાણ કરે છે. અનિશ અને તેના પિતા ગીરીશ ચારોલા આખા ગામમાં મને બદનામ કરે છે.

રાજકોટના જયંત અજમેરા સંદર્ભે લખ્યું છે કે જે તે વખતે ધોલેરામાં ભાગીદાર હતા. ખેડુત ખાતેદાર ન હોવાથી દસ્તાવેજ બીજાના નામે કરાવ્યો હતો. છેલ્લા ૧ર વર્ષથી પોતાના નામે દસ્તાવેજ કરાવ્યો નથી. પરંતુ હવે ભાવ વધતા જે મારા નામે જમીન છે તેમાંથી પોતાને દસ્તાવેજ કરાવી આપવા દબાણ કરે છે.

રાજકોટના એચ.જી.કુનડીયા સંદર્ભે લખ્યું છે કે ધોલેરામાં ભાગીદાર છે. જમીનમાં તેમનો હિસ્સો ૩ ટકા છે. જે તે સમયે મુડીમાં ર૦ વીઘા જમીનનો દસ્તાવેજ એચ.જી.કુનડીયાના નામે કર્યો હતો. પરંતુ હાલ જમીનની કિંમત વધી જતા દસ્તાવેજ કરી દેવા બાબતે બહાના બતાવી રહ્યા છે. વાસ્તવમાં તેઓના ભાગે ર૦ વીઘામાંથી અઢી-ત્રણ વીઘા આવે છે. પરંતુ દાનત બગડવાથી ખોટા બહાના બતાવીને દસ્તાવેજ કરી આપતા નથી. બાકીના ભાગીદારો મારી ઉપર દબાણ કરે છે.

રાજકોટના રાકેશ નથવાણી સંદર્ભે લખ્યું છે કે ૮૦ લાખની સામે ર કરોડ આપી દીધા છતાં ચેક બેંકમાં ભરવાની વાત કરે છે. વધુ પ૦, ૬૦ લાખની ઉઘરાણી કરે છે. ગઈ પ-એપ્રિલના રોજ સાંજે કોલ કરી તમને જોઈ લઈશ, તમારી ગાડી લઈ જઈશ, ગુંડા લઈને આવું છું, માર ખવડાવવાનો છું, તમારી પત્નીના ઘરેણા તૈયાર રાખજો, તમારી અવસાન નોંધ છાપામાં જોવા માંગું છું તેવી ધમકી આપી હતી.

સ્યુસાઈડ નોટ મળી નથી, જે તે વખતે બે આરોપીના જ નામ આપ્યા હતા : પોલીસ

ગાંધીગ્રામ-ર પોલીસે જણાવ્યું કે જે તે વખતે જેરામભાઈએ વ્યાજખોરીની ફરિયાદમાં બે જ આરોપીના નામ આપ્યા હતા. જેમાંથી રાકેશ નથવાણી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે તે વખતે તેમનું ડી.ડી. પણ લેવડાવાયું હતું. જેમાં પણ બે જ આરોપીના નામ આપ્યા હતા. કથીત સ્યુસાઈડ નોટ વાયરલ થયા અંગે પોલીસે પોતાની પાસે કોઈ માહિતી નહી હોવાનું અને પોતાની સમક્ષ કોઈ સ્યુસાઈડ નોટ પણ જેરામભાઈએ નહી રજુ કર્યાનું જણાવ્યું હતું.

સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે : કાંતિ અમૃતિયા

આ મામલે કાંતિ અમૃતિયાએ અબતક મીડિયા સાથેની  ટેલિફોનિક વાતચીતમાં ઉલ્લેખ કર્યો છે કે, બિલ્ડરે અત્યાર સુધીમાં જે બંગલા બનાવ્યા છે તે ભાગીદારીમાં બનાવ્યા છે. એ જમીન પણ મારા નામે નથી. બંગલા પણ મારા નામે નથી અને બંગલા વેચાતા પણ નથી. મારે આ મામલામાં કોઇ લેવા દેવા નથી. આ પ્રકારનો આક્ષેપ ખોટો છે. આ મામલે કોઇ પોલીસ તપાસ થશે તો હું તેમાં સહયોગ આપવા તૈયાર છુ. પોલીસ જે માહિતી માગશે તે હું આપીશ. તેમણે વધુમાં આક્ષેપો અંગે જણાવ્યું હતું કે, સમય આવ્યે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.