Abtak Media Google News

જુની ધરોહર નવી બનાવવા આડે આવેલા અંતરાયો હવે દુર થવાના આરે

જગ વિખ્યાત આધ્યકવિ નરસિંહ મહેતાના નામ સાથે જોડાયેલા જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરની ચાલી રહેલી બ્યુટીફિકેશનની કામગીરી બાદ નરસિંહ મહેતા સરોવર જુનાગઢનું એક નવલું નજરાણું બનશે. અને દેશ – વિદેશના પ્રવાસીઓને આકર્ષિત કરે તેવું આ તળાવ તમામ રીતે લોકપ્રિય, લોક ઉપયોગી અને લોકોને આકર્ષિત કરતું બની રહેશે. તે સાથે આ નરસિંહ મહેતા સરોવરમાં પાણીની સંગ્રહ શક્તિ દોઢ ગણી વધારવા માટે 7 મીટર ઊંડું બનાવવામાં આવશે, અને 18 માસમાં  કામગીરી પૂર્ણ થયા બાદ 4 સેલ્ફી પોઇન્ટ, તળાવ ફરતે રીંગ રોડ બનાવવામાં આવશે, ગેલેરી તૈયાર કરવામાં આવશે, લેન્ડ એન્ડ સ્કેપિંગ તથા ગાર્ડન બનાવવામાં આવશે અને ફૂડ ઝોન તથા બાળકો માટે ક્રિંડાગણ અને સિનિયર સિટીઝનો માટે પાર્ક આ સરોવર ખાતે બનશે.

જૂનાગઢના મધ્યમાં બસ સ્ટેન્ડે નજીક તળાવ દરવાજા ખાતે આવેલ નરસિંહ મહેતા સરોવર જે તે વખતે ખૂબ જ નયનરમ્ય અને લોક ઉપયોગી બને તે રીતે બનાવવામાં આવ્યું હતું. અને બાદમાં છેલ્લા કેટલાક દસકાઓથી આ નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન થાય તે માટે વિવિધ ઠરાવો કરવામાં આવ્યા હતા. અને જુનાગઢના રાજકીય, સામાજિક અગ્રણીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા ગાંધીનગર અને છેક દિલ્હી સુધી રજૂઆતો કરવામાં આવી હતી.

જેને લઈને સરકાર દ્વારા આ સરોવરની બ્યુટીફિકેશન માટેની લીલી ઝંડી અપાઈ હતી.આ બાદ અનેક વખત જુનાગઢ મનપા દ્વારા ઠરાવો કરવામાં આવ્યા હતા. જોકે ક્યાંક યુનિવર્સિટીની જમીન આવતી હોય તથા અન્ય જમીનની જરૂર હોય જેને લઈને થોડીક રૂકાવટ ઊભી થવા પામી હતી. બાદમાં આ પ્રોજેક્ટના પ્લાન તૈયાર થયા હતા અને સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી હતી. પરંતુ આ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે કંઈક ઘટતું હોવાથી વારંવાર તેના પ્લાન અને એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. અને અંતે સરકાર દ્વારા 56.78 કરોડના ખર્ચે બ્યુંટીફિકેશનની કામગીરીની મંજૂરી મળી હતી.

હાલમાં આ બ્યુટીફિકેશનનું રૂ. 42,93,56,183 ની રકમનું પ્રથમ ફેઝનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે તથા 13,85,29,441 ની રકમનો બીજ ફેઝનું કામ પણ પ્રથમ ફેઝના કામ પૂર્ણ થયા બાદ તુંરત શરૂ કરી દેવામાં આવશે. તથા કુલ 18 માસમાં આ કામ પૂર્ણ કરવાની એજન્સીને ડેડલાઈન આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે  જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરને રળિયામણા બનાવવાની ચાલેલી રહેલી કામગીરી અંગે જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશ પરસાણા એ જણાવ્યું હતું કે, કુલ બે ફેઝમા નરસિંહ મહેતા બ્યુટી ફિકેશન ની કામગીરી હાથ ધરાશે. ગાંધીનગરની દેવર્ષિ ક્ધટ્રક્શન નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનની કામગીરી કરી રહી છે. તથા 18 માસમાં આ કામ પૂર્ણ કરવાની એજન્સીને ટાઈમ લાઈન આપવામાં આવી છે.

જુનાગઢ મનપાના સતાધીશો એ આપેલી વિગતો મુજબ તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ તળાવમાં જે પાણી આવશે તે ઇન્સાઇડ ટુ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મારફતે પાણી પ્યુરીફાઈ થઈ અને તળાવમાં પાણીનો સંગ્રહ કરવામાં આવશે. અને તે જળ જથ્થાની જાળવણી કરવામાં આવશે. આ સાથે ચોમાસા દરમિયાન વોકળા ખુલ્લા જ રાખવામાં આવશે અને તળાવમાં આવતા પાણી માટે આગળ ગેટ મૂકવામાં આવશે.  આ તળાવનો હાલમાં 1,31,380 ચોરસ મીટર એરીયા છે. અને જેમાં કોઈપણ પ્રકારનો ઘટાડો થવાની સંભાવના નથી. અને તળાવમાં પાણીની કુલ ક્ષમતા હાલમાં 591.21 એમએલડીની છે. જે તળાવની કામગીરી પૂર્ણ થયા બાદ આશરે 815 એમએલડી ની થશે.

કારણ કે, આ તળાવની હાલની ઊંડાઈ આશરે 4 મીટર છે, જે તળાવની કામગીરી પૂર્ણ થયે 6 થી 7 મીટરની રહેશે. આમ આ તળાવમાં જે પાણીની ક્ષમતા હતી તેમાં પણ વધારો થશે અને તેને લઈને તળાવની આસપાસના વિસ્તારોના પાણીના તળ પણ વધુ ઉંચા આવશે.આ સાથે તળાવના ફરતે રીંગરોડ બનશે, તળાવ ફરતે વોક વે બનાવાશે, પાર્કિંગ સુવિધાઓ ઉભી કરાશે, નાના-મોટા આઇલેન્ડ તૈયાર કરાશે, સ્ટોન પીચિંગ કરી એરિયાને વિસ્તારવાશે, ઘાટ જેવી સુવિધાઓ ઊભી કરાશે, દર્શક ગેલેરી તૈયાર કરવામાં આવશે, લેન્ડસ્કેપિંગ તથા ગાર્ડન બનાવાશે, ફૂડ ઝોન અને બાળકો માટે ક્રીડાગણ બનશે તેમજ સિનિયર સિટીઝનો માટે પાર્ક બનશે. આમ આ સરોવર જુનાગઢના નાના બાળકોથી લઇ વૃદ્ધોન માટેનું કાયમી માનીતું ફરવા લાયક સ્થળ બની રહેશે.

બીજી બાજુ તળાવની કામગીરી ચાલી રહી છે ત્યારે કોઈ માછલી કે જડચરના મોત ન થાય તે માટે ચોમાસા પહેલા તળાવમાં રહેલા જળચર માછલાઓ રેસક્યું કરી સ્થળાંતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 25 લાખના ખર્ચે વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા તળાવમાંથી ઓક્સિજનના ટેન્ક મારફત જળચરોને શિફ્ટ કરીને ડેમમાં છોડવામાં આવશે. આ કામગીરી 30 દિવસોમાં પૂર્ણ કરાશે. ત્યારબાદ ધીમે ધીમે પાણી ખાલી કરવામાં આવશે.

આમ ઐતિહાસિક, આધ્યાત્મિક અને પૌરાણિક એવા જુનાગઢ મહાનગરની અનેક ધરોહર, પ્રખ્યાત મંદિરો, ગરવો ગઢ ગિરનાર, રોપવેને કારણે આકર્ષાતા પ્રવાસીઓ હવે જુનાગઢના નરસિંહ મહેતા સરોવરના દર્શન કરવા પણ આતુર બનશે. અને તેમના માટે અહીં આવતા પ્રવાસીઓ તથા જુનાગઢ વાસીઓને લાંબી રાહ ન જોવી પડે તે માટે હાલમાં જુનાગઢ નરસિંહ મહેતા બ્યુટીફિકેશનની કામગીરી જોરસોરથી ચાલી રહી હોવાનું જુનાગઢ મનપાના સતાધીશો દ્વારા જણાવાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.