Abtak Media Google News

ઉંચે જતી ધૂમ્રસેરને મંથનભાઇ સજળ આંખે જોઇ રહ્યા. વહાલી પત્ની શિખાને આજે પોતે સ્વહસ્તે….! અચાનક અધવચ્ચે મૂકીને આમ જતા રહેવાનું ? આવી અલવિદા તે હોતી હશે ? મંથનભાઇથી એક ડૂસકું મૂકાઇ ગયું. મિત્રનો સાંત્વનાભર્યો હાથ વાંસામાં ફરતા એ શાંત થવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યા.

તેર દિવસ તો સગા-સ્નેહીઓ અને મિત્રોએ સંભાળી લીધા. તો ખાસ હતા જ ક્યાં ? બધાનો સધિયારો, દિલાસો મૌન બની તે સાંભળી રહ્યા. પુત્રીને પણ કોઇએ સંભાળી લીધી હતી. મમ્મી માટેના તેના પ્રશ્નોના જવાબ કોણે કેવા આપ્યા હશે તે ખબર નહોતી, પરંતુ દસેક વરસની પુત્રી જ્યારે ‘પપ્પા’ કહીને પોતાને વળગી પડી ત્યારે, એટલું તો સમજાયું કે પુત્રીને જાણ થઇ ગઇ છે કે મમ્મી હવે પાછી નહીં જ આવે. મરનાર પાછું નથી આવતું. એટલુ સમજી શકે તેવી તો પુત્રી હતી જ.

કેલેન્ડરના પાના ફાટતા રહ્યા. લાલચટ્ટક ગુલમહોર મહોરતો રહ્યો. કેસૂડાના ફૂલોની આવન-જાવન ચાલુ રહી અને પીળો ગરમાળોયે પર્ણને બદલે ફૂલથી આચ્છાદિત થતો રહ્યો.

પપ્પા….બાય….કહેતી પુત્રી હવે સ્કૂલે જતાં પહેલાં શિખાની જેમ જ રોજ સૂચનો આપતી થઇ.

‘પપ્પા દૂધ પી લેજો. ઓફિસમાં બહું ચા ન પીતા. સાંજે વહેલા આવી જજો.’

રોજ સાંજે બાપ દીકરી વહાલના દરિયામાં ભીંજાતા રહે. ક્યારેય બેમાંથી કોઇ શિખાનું નામ ન લે, પરંતુ તેમની દરેક વાતમાં શિખાની હાજરી અચૂકપણે હોય જ. રિયા ‘મમ્મી’ એવું બોલે નહીં…. પણ મમ્મી વિનાની તેની કોઇ વાત ન હોય. ‘લાંબા વાળ ફાવતા નથી’ કહી તેણે કપાવી નાખ્યા હતા. હકીકતે રિયાને લાંબા વાળ બહુ ગમતાં હતાં, પણ હવે કોણ ઓળી આપે ? કામ કરનાર બેનને મમ્મી જેવા થોડા આવડે ? તેથી દીકરીએ જાતે જ…..!

રિયા સમજણી થઇ ગઇ હતી. કદાચ મા વિનાની દીકરીઓ વહેલી જ સમજણી થઇ જતી હશે ! રિયાની ચંચળતાએ ગંભીરતાનું સ્થાન, નાદાનીએ સમજણનું સ્થાન લીધું હતું. દરેક વર્તન તે વાતની સાક્ષી પૂરાવતું હતુ. જો કે પપ્પાને તે વર્તન ખુશ કરવાને બદલે ઉદાસ બનાવતું હતું. પપ્પાને એકલા, ઉદાસ બેઠેલા જોઇ રિયા બધું લેશન પડતું મૂકી. ‘પપ્પા, ચાલો મારી સાથે રમોને….’ અને વહાલસોયી દીકરીને ના કહેવાનું પપ્પાનું ગજુ કેટલું ?

સમય પંખી બની ઉડતો રહ્યો. કોલેજમાં આવેલી રિયા પપ્પાની ઉદાસ પળોની સાથીદાર હતી. બાપ-દીકરી એક-બીજાની વણકહી વાતો સાંભળી કે સમજી શકતા.

એ શનિવારની સાંજ હતી. દર શનિવારે રિયા તૈયાર રહેતી. પપ્પા આવે ત્યારે બંને દરિયે જતા. આજે પણ પપ્પા આવ્યા, પરંતુ એકલા નહીં, સાથે કોઇ આન્ટી હતા.

‘રિયા, આ શૈલા આન્ટી છે. આપણી ઓફિસમાં જ કામ કરે છે.’

‘નમસ્તે આન્ટી’ અને પછી ત્રણે જણા સાથે દરિયે ગયા. વાતો તો હંમેશની માફક મોટે ભાગે બાપ દીકરીએ જ કરી. શૈલી વચ્ચે વચ્ચે બે-ચાર શબ્દો બોલી એટલું જ. હા મંદ સ્મિત જરુર ફરકાવતી રહી. રિયા સાથે વાત કરવાના થોડા પ્રયત્નો કર્યા….. પણ રિયાએ કંઇ બહુ ઉત્સાહ દાખવ્યો નહીં. તેનો અણગમો સમજી ગયેલી શૈલા પછી મૌન જ રહી. જો કે પછી શૈલા આન્ટી ઘરમાં અવાર-નવાર આવતાં થયાં. ક્યારેક રિયાની હાજરીમાં તો ક્યારેક તેની ગેરહાજરીમાં. અવ્યવસ્થિત રહેતું ઘર વ્યવસ્થિત રહેવા લાગ્યું. એક સ્ત્રીની કાળજીભરી હાજરી ઘરમાં વર્તાવા લાગી.

પરંતુ, રિયાનો અણગમો આન્ટી માટે વધતો ચાલ્યો. રિયાને ભાવતું બનાવે તો રિયાને તે દિવસે ખાવાનો મૂડ જ ન હોય. આન્ટી મમ્માના ‚મમાં જાય તે રિયા કેમેય સ્વીકારી ન શકતી. એ રુમ પર તો તેનો ને પપ્પાનો જ અધિકાર. ત્યાં કોઇ દાખલ કેમ થઇ શકે ? તેને હતું કે આન્ટીને મમ્મીના ‚મમાં જવાની તો પપ્પા જ ના પાડી દેશે. પણ……પપ્પા તો….!

‘ બેટા, આન્ટી આવે છે તો કેવું સારું લાગે છે નહીં ? તેની હાજરી ઘરને જીવંત બનાવી દે છે…!’

‘નહીં…પપ્પા….મને તો…’

‘મમ્મી ન હોવા છતાં આજ સુધી એ હંમેશા આપણી વચ્ચે રહેતી. આજે મને એ કેમ અદ્રશ્ય થતી લાગે છે…?’

જો કે રિયા મૌન જ રહી. પપ્પા પાસે પ્રગટ રીતે તે આવું કશું બોલી નહીં. પપ્પાને દુ:ખ થાય તેવું કશું બોલવાની તેને ઇચ્છા ન થઇ અને તેની નજર, તેનો અણગમો પારખવા છતાં પપ્પા જાણે અજાણ્યા બની રહ્યા કે પછી તે તરફ બેદરકાર….?

છેલ્લા એક વરસથી શૈલા આન્ટી સતત ઘરમાં આવતાં-જતાં રહ્યાં હતાં. રિયાનું દીલ જીતવાના તેના પ્રયત્નો સમજી ન શકે તેવી અબૂધ તે નહોતી રહી. તેને ક્યારેક રડવું આવતું. ક્યારેક એકલી એકલી મમ્મીને ફરિયાદ કરતી વખતે રિયાની આંખો છલકાઇ રહેતી.

સાત સાત વરસો સુધી પુત્રીના દિલના અનર્ગળ વહેતા સ્નેહના ઝરણાએ પપ્પાની એકલતાના ઝૂરાપાને કંઇક સહ્ય બનાવ્યો હતો. તો પુત્રી કોઇ પણ ક્ષણે પ્રેમથી વંચિત ન રહે તેનો ખ્યાલ પપ્પાએ રાખ્યો જ હતો અને બાપ દીકરીના આ વહાલના વારિથી ભીંજાતી શિખા જાણે ફોટામાં મલકતી રહેતી.

પણ હવે આ સમીકરણ બદલાતું હતું કે શું ? એમાં કોઇ ચોથુ ઉમરાતું હોય તેવું કેમ લાગતું હતું ? પોતાના ત્રણ વચ્ચે ચોથા કોઇનો અનાધિકાર પ્રવેશ રિયા સહન કરી શકે તેમ નહોતી. પપ્પા બધાની સાથે હસતા રહે એનાથી મોટી ખુશી રિયા માટે હોઇ જ ન શકે. રિયા એ માટે સતત પ્રયત્નશિલ હતી જ. પપ્પાને દુનિયામાં ફરીથી રસ લેતા તેણે જ કર્યા હતા. પપ્પાનો ચહેરો ઉદાસ રહે એ લાડકી પુત્રી કેમ સહન કરી શકે ?

પણ છતાં…. પપ્પા શૈલા આન્ટી સાથે આ રીતે હસીને વાતો કરે, ઘરની વ્યક્તિની જેમ આવકારે. શૈલા આન્ટી મમ્માનો ‚મ સાફ કરે, ગોઠવે આ બધું રિયાથી કેમેય સહન નહોતું થતું. રિયાને કહેવાનું મન થઇ આવતું.

‘આન્ટી, તમે રહેવા દો…. મમ્માનો ‚મ કાયમ હું જ વ્યવસ્થિત કરું છું. એ કામ મારું કે પપ્પાનું છે. ત્રીજા કોઇનું, પારકાનું નહીં…..’ પણ શબ્દો બહાર નીકળતા નહીં અને મનોમન તે અકળાતી રહેતી.

પપ્પાના સ્નેહમાં કોઇ ફરક પડ્યો નહોતો. ઉલટું પપ્પા જાણે ગુનાહિત લાગણી અનુભવતા હોય તેમ નાની નાની વાતો રિયાને પૂછ્યા કરતા અને છતાં પપ્પાને હવે પોતાના કરતા શૈલા આન્ટીની જરુર વધારે પડે છે તે સત્ય તેનાથી છૂપૂં કેમ રહે ? આન્ટી આવે ત્યારે પપ્પાની આંખમાં પ્રગટતી ચમકથી તે અજાણ થોડી હતી ? રિયાને ક્યારેક અણગમો….ક્યારેક રોષ….ક્યારેક દુ:ખ કે ગુસ્સો આવતો. તેની નારાજગી એક યા બીજી રીતે તેના વર્તનમાં વ્યક્ત થતી રહેતી. પપ્પા શું રિયાનો અણગમો. નારાજગી પારખી શકતાં નહોતાં ? અને છતાં યે ? બસ…… આ એક વાત પર રિયા અકળાતી રહેતી. પોતાના અણગમાને પણ પપ્પાએ આ આન્ટી માટે નજરઅંદાજ કર્યો ? તેનું સૂક્ષ્મ અભિમાન ઘવાતું…..

અને રિયા મૌન….ઉદાસ….!

શૈલા આન્ટી હવે રોજ ઘરમાં આવતા-જતા હતા. રિયાની નાની નાની વાતોનો ખ્યાલ રાખવા તે મથતા, પણ રિયા તેનાથી અળગી જ રહેતી. આન્ટીના પ્રયત્નો જોઇ રિયાને વધારે ગુસ્સો આવતો….

‘જાણે હું કેમ કશું સમજતી ન હોંઉ ! હું કંઇ હવે નાની નથી. આ ઘરમાં મમ્માનું સ્થાન કોઇ નહીં લઇ શકે. તેમ પણ નહીં….’

મૌન રિયાની આંખો બોલતી રહેતી. તે પપ્પાની સામે તીવ્રતાથી જોઇ રહેતી. પપ્પા કશું બોલતા નહીં. પણ તેમની આંખોમાં વિષાદની લહેર ફરી વળતી. રિયાને એમાં મમ્માની અવહેલના જ દેખાતી. ઉપરથી બધુ સામાન્ય લાગતું હતું, પણ છતાં એક તણાવ બધા મહેસૂસ કરી રહ્યા હતા.

અને એક દિવસ…….

‘શૈલા, જ્યાં સુધી રિયા મનથી તારો સ્વીકાર ન કરી શકે ત્યાં સુધી હું મજબૂર છું. એ માને છે કે, હું તેની મમ્મીનો દ્રોહ કરી રહ્યો છું. તેથી તે…! આમ પણ પુરુષની એકલતા તે ન સમજી શકે તે સ્વાભાવિક છે. શિખા પ્રત્યે આ મારી બેવફાઇ નથી. મારું મન તને આવકારે છે. તારામાં હું મારી ખોવાયેલી શિખા પામી શક્યો છું. પણ રિયાના સ્વીકાર વિના હું કશું….હા, હું જાણું છુ કે તેં રિયાનું દિલ જીતવાના ઘણા પ્રયત્નો કર્યા છે, ફરિયાદનો એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય  તું અપાર ધૈર્ય રાખી શકી છે. પણ…’

બોલતા બોલતા મંથનભાઇનો અવાજ ગળગળો થઇ ગયો. જવાબમાં શૈલા કશું બોલી નહીં. ફક્ત તેની છાતી પર માથું મૂકી….!

અને બરાબર તે જ ક્ષણે કોલેજથી અચાનક આવી ચડેલી રિયાની નજરે આ દ્રશ્ય…! તેની આંખો રોષથી છલકાઇ આવી. તે ધીમે પગલે પાછી ફરતી હતી. ત્યાં શૈલા આન્ટીના શબ્દો તેના કાનમાં પડ્યા….

‘મંથન, તમે ચિંતા ન કરો. મારામાં અપાર ધીરજ છે. હું રિયાના તેના ઘેર જવાની રાહ જોઇશ.’

રિયાની આંખો છલકાઇ આવી. તેને સમજ ન પડી પોતે વળી ક્યાં જવાની હતી ? તેની નજર સમક્ષ વારંવાર એ દ્રશ્ય જ તરવરતું હતું. પપ્પા આવું કરી જ કેમ શકે ? અને પોતાને ક્યાં મોકલવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે ? હોસ્ટેલમાં ? પપ્પાને છોડીને તે ક્યાં જાય ? શા માટે જાય ?

આખી રાત અજંપામાં વીતી. કશું ગમતું નહોતું. અભિમાન….રોષ….આક્રોશ……પપ્પા પર તેને ગુસ્સો આવતો હતો. શૈલા આન્ટી વિશે તો તે વિચારવા પણ નહોતી માગતી. આ બધાનું મૂળ તે જ હતા…. છે….!

ચંદ્ર ચાંદની વિનાનો, તારાઓ રોશની વિના ફિક્કા અને રાત ડરામણી….સપના ભયાનક….!

થોડા દિવસો એમ જ વીત્યા. રિયા પપ્પા સામે આવવાનું ટાળતી રહી હતી. જાણ્યે… અજાણ્યે તે પપ્પા સાથે સંતાકૂકડી રમતી રહી. પેલું દ્રશ્ય અને શૈલા આન્ટીના શબ્દો તેનો પીછો ક્યાં છોડતા હતા ?

આજે વેલેન્ટાઇન ડે હતો. કોલેજમાં ચહલપહલ હતી. વાતાવરણ રંગીન હતું. યૌવન આજે સ્વાભાવિક રીતે જ ઉન્માદઘેલું બન્યું હતું. એક રોમાંચના પૂરમાં સૌ તણાતા હતા. એક-બીજાને અવનવી ગીફ્ટની લહાણી યુવક-યુવતીઓ કરતાં રહ્યા. ક્યાંક હૈયાની આપ લે પણ થતી રહી. રિયાની દુનિયામાં આજ સુધી કોઇ છોકરાનું. પપ્પા સિવાય કોઇ પુરુષનું સ્થાન નહોતું. તે કોઇના સંપર્કમાં ખાસ આવી નહોતી. તેની દુનિયા પપ્પા અને અદ્રશ્ય રીતે દ્રશ્ય‚પે દેખાતી મમ્મી…..એટલામાં સિમિત રહી હતી. બીજો કોઇ વિચાર તેના અબોટ મનને સ્પર્શ્યો નહોતો. નિસ્પૃહભાવે આ બધું જોતી તે લાઇબ્રેરીમાં જવાનો વિચાર કરતી હતી. ત્યાં ઉમંગ આવ્યો. તેના જ ક્લાસનો છોકરો જેની દોસ્તી માટે છોકરીઓ ઝૂરતી. તેણે ગુલાબનું એક ફૂલ જેમાં સાથે ખીલતી મોગરાની કળી હતી તે અને એક સુંદર કાર્ડ ધીમેથી રિયાને આપ્યા.

‘રિયા….આઇ લવ યુ……’ તે ગણગણ્યો……

રિયા સ્તબ્ધ…? મૌન….! હોઠ ફફડીને રહી ગયાં. કોઇ શબ્દો બહાર ન નીકળ્યાં ઉમંગ પણ આગળ કશું બોલ્યો નહીં. રિયાએ ધીમેથી ચૂપચાપ કાર્ડ અને ફૂલ લીધું. એક દ્રષ્ટિ ઉંમગ પર નાખી, કંઇક અસમંજસમાં તે આસ્તેથી ત્યાંથી સરકી રહી. પીઠ પાછળથી ઉંમગના શબ્દો સર્યા…..

‘આઇ વીલ વેઇટ ફોર યોર આન્સર….’

રિયાએ પાછળ ફરીને જોયું…..ન જોયું અને પગ ઉપાડ્યા…..

તેની દ્રષ્ટિ આગળ કશુંક ઉઘડતું જતું હતું કે શું ? ક્યારેય ન સમજાતા અર્થો આજે સ્પષ્ટ થતા જતા હતા કે શું ?

તે સાંજે ઘેર ગઇ ત્યારે શૈલા આન્ટીએ તેની મનપસંદ ચાઇનીઝ ડીસ બનાવી હતી અને તેની રાહ જોઇ રહ્યાં હતાં. રિયા એકાદ ક્ષણ તેની સામે જોઇ રહી. એક હળવું સ્મિત આજે ન જાણે ક્યાંથી તેના હોઠ પર આવી ને…!

બહાર કોઇ કોયલનો ટહુકાર તેના કાને અથડાયો…..આન્ટીને તેની નજર બદલાયેલી લાગી, પણ હંમેશની માફક તે કશું બોલ્યા નહીં.

અઠવાડિયું એમ જ પસાર થયું. પેલી સંતાકૂકડી થોડી ઓછી તો થઇ હતી. છતાં વાદળ હજુ ઘેરાયેલા જ રહ્યા. ત્યાં અચાનક રિયાની એક બહેનપણીના લગ્ન નક્કી થયા. રિયા બે દિવસથી તેના ઘેર હતી. વિદાય સમયે સાસરે જતી બહેનપણી તેના પપ્પાને વળગીને રડતી હતી. તેના પપ્પા આંસુભીની આંખે દીકરીને માથે હાથ ફેરવી આર્શિવાદ આપી રહ્યા હતા અને પુત્રી..

‘પપ્પા, તમે તમારું ધ્યાન રાખજો હોં…. આજથી તમે એકલા થઇ ગયા….પપ્પા….’ કહી પપ્પાને વળગી રહી….

રિયા ભીની આંખે સ્તબ્ધ બની બહેનપણીની પાસે ઉભી હતી.

ઉપર ગોરંભાયેલું આસમાન એકાએક સ્વચ્છ, સ્ફટિક જેવું બની ગયું. વાદળો વિખેરાતા આકાશનો ગોરંભો અદ્રશ્ય…

તે દિવસે રાત્રે પપ્પાનો હાથ પકડી રિયા ધીમેથી બોલી ઉઠી, ‘પપ્પા, મને પણ શૈલા આન્ટી ગમે છે…’

બાપે વહાલથી પુત્રી સામે જોયું.

રિયા અને પપ્પા બંનેનું ધ્યાન ત્યાં રહેલી શિખાના ફોટા પર ગયું. રિયાના કાનમાં જાણે મમ્માના શબ્દો પડઘાયા.

 

‘શાબાશ બેટા…..’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.