Abtak Media Google News
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 27 એપ્રિલે રાજકોટના જામકંડોરણા ખાતે, પોરબંદર લોકસભાના ઉમેદવારના પ્રચારમાં જાહેર સભાને કરશે સંબોધન

દેશમાં સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણી 2024ના બીજા તબક્કાનું મતદાન પૂરું થતાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ગુજરાતના સ્થાપના દિનના દિવસે જ પોતાના કાર્પેટ બોમ્બિંગનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરંભ કરે તેવી રીતે આયોજન કરાયું છે. વડાપ્રધાન 1-2 મે એમ બે દિવસમાં જ છ જાહેરાસભાઓ ગજવશે અને સંભવત: વડોદરામાં રોડ શો પણ કરી શકે છે. વડાપ્રધાનના પ્રવાસ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ પણ ત્રણ દિવસ પોતાના હોમ સ્ટેટમાં ભાજપના પ્રચાર માટે આવવાના છે.

Advertisement

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં એટલે કે 7 મેના રોજ મતદાન યોજાશે. 5 મેના રોજ પ્રચાર પડઘમ શાંત થાય એ પહેલાં ભાજપ પોતાના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રવાસનો ગોઠવીને લાંબા સમયથી પ્રવર્તતા નિરસ પ્રચારમાં ગરમી આણશે. આમ તો હાલ રાજ્યમાં ગરમીનો પ્રકોપ છે અને મોટાભાગના ઉમેદવારો સવારથી બપોર અને સાંજથી રાત સુધી નાની નાની સભાઓ, બેઠકો, સામાજિક બેઠકો યોજી પ્રચાર કરી રહ્યા છે.

ભાજપમાંથી મળેલી જાણકારી મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ તા.27થી 29 એપ્રિલ દરમિયાન દાહોદ, પંચમહાલની એક સંયુક્ત સભા યોજશે. અમિતભાઇ બારડોલીથી 27મીએ પોતાનો પ્રચાર પ્રવાસ શરૂ કરશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અમિતભાઇની સભાઓ ગોઠવાઇ રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના સ્થાપના દિને જૂનાગઢથી પ્રચાર પ્રવાસનો આરંભ કરે એવી રીતે આયોજન થયું છે. વડાપ્રધાન 1લીએ બનાસકાંઠા અને આણંદમાં સભા ગજવશે. 2 તારીખે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, ભરૂચમાં સભા ગજવી વડોદરામાં રોડ શો કરશે.

વડાપ્રધાનનો પ્રવાસ દક્ષિણ ગુજરાતની બેઠકો સિવાય કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે. જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ-ચાર બેઠકોને આવરી લેવાશે.દેશમાં સૌ પ્રથમ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સોમવારે બિન હરિફ ચૂંટાયેલા જાહેર થયા છે આને પગલે રાજ્યની હવે 25 બેઠકો પર જ ખરાખરીનો જંગ રહ્યો છે. ભાજપ માટે આણંદ, રાજકોટ, બનાસકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર, જામનગર જેવી બેઠકો પર ક્ષત્રિયોનો પડકાર છે. ક્ષત્રિય સમાજ સાથે હાલ અલગ અલગ જિલ્લાઓમાં જઇ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકો યોજી મામલો થાળે પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે, આમાં હજુ સુધી કોઇ ફળદાયી સફળતા મળતી હોવાના કોઇ સંકેત મળ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.