Abtak Media Google News

‘પથ દર્શક’ ગુરૂએંએ કંડારેલી નિષ્કામભાવની કેડી પર પ્રમાણિક પણે ચાલવું એક સાચી ભાવાંજલી

અબતક મીડિયા હાઉસના સતિષકુમાર મહેતાએ ગુરૂ સાથેની પોતાની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, ગુરૂ વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. તેઓ અજાતશત્રુ હતા અને ખરા અર્થમાં પડદા પાછળના કસબી હતા.

આઝાદી પછી જ્યારે શિક્ષણ સંસ્થાઓ મોટેભાગે સરકાર હસ્તક જ હતી ત્યારે સેલ્ફ ફાયનાન્સ શિક્ષણનો કોન્સેપ્ટ આપનાર ગુરૂ ખરા અર્થમાં ‘વિઝનરી’ હતા. બાલમંદિરથી માંડીને કોલેજ સુધીના ઉચ્ચ શિક્ષણના તબક્કે લાખો વિદ્યાર્થીઓને સાક્ષર બનાવવાની સાથોસાથ સંસ્કારસિંચન અને વિદ્યાર્થીઓના સામાજીક ઘડતરમાં પણ તેમનો અનન્ય ફાળો રહ્યો છે. આજે જ્યારે દરેક ક્ષેત્રમાં નોકરી મેળવવા માટે ટેબલ નીચેથી લાંચ-રૂશ્વત આપવી પડે છે, ત્યારે હજારો શિક્ષકોને નોકરીએ રાખતા સમયે તેઓ પાસેથી માત્ર વિદ્યાદાન સિવાયની કોઇ અપેક્ષા ગુ‚એ ક્યારેય રાખી ન હતી. રાજકારણમાં યુવાનોના મહત્વને તેઓએ આજથી ૫૦ વર્ષ પહેલા પીછાણી લીધુ હતું. માટે જ તેમની સંસ્થામાં અભ્યાસ કરતા યુવાનોને ‘રાજનીતિ’ એ ગંદુ ક્ષેત્ર નથી પણ ‘રાજનીતિમાં રાજકારણ રમવું નિષેધ છે’ તેમ સમજાવીને ગુરૂએ અગ્રીમપંક્તિના રાજનેતાઓને એ સમયે પ્લેટફોર્મ પુરૂ પાડ્યું હતું. માત્ર શિક્ષણ ક્ષેત્રે જ ખેડાણ ન કરતા સાંસ્કૃતિક, આઘ્યાત્મિક તેમજ ધાર્મિક ક્ષેત્રોમાં પણ તેમનું યોગદાન અનન્ય રહ્યું છે. જેમકે, રાજકોટ શહેરમાં ખ્યાતનામ કથાકાર પૂ.મોરારીબાપુની પ્રથમ કથા કરાવવાનું શ્રેય પણ જેમ તેમને જ જાય છે, રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનું રાજકોટવાસીઓને રસપાન કરવવાનું સૌભાગ્ય પણ તેમના થકી જ શક્ય બન્યું હતું, તે જ રીતે આઘ્યાત્મિક ગુરૂ રજનીશજીનો વિશ્ર્વ સમક્ષ સૌપ્રથમ પરિચય કરાવવાનું શ્રેય પણ તેમને જ જાય છે. રજનીશજીના ઉદાર મતવાદી વિચારોથી ડરીને સમગ્ર વિશ્ર્વમાંથી જ્યારે તેમને જાકારો મળ્યો ત્યારે આઘ્યાત્મિકતાના ઉચ્ચ શિખરને લાભુભાઇ ત્રિવેદીએ સાચા અર્થમાં પારખ્યું હતું. ત્યારબાદ રજનીશજીની વિચારધારાને સ્વીકારવા લોકો તલપાપડ બન્યા હતા.

પોતાના સ્વાનુભવો વિશે જણાવતા સતિષકુમાર મહેતાએ જણાવ્યું હતું કે, હું જ્યારે મુંબઇથી સ્થાયી થવા અને કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા રાજકોટ આવ્યો ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ગુરૂ હતા. કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જ્યારે બોમ્બે યુનિવર્સિટીમાંથી માઇગ્રેશન સર્ટિફીકેટની આવશ્યકતા જણાવી ત્યારે મારે પહેલી જ વાર ગુરૂ સાથે મુલાકાત થઇ.

એક સામાન્ય નાગરિક તરીકેની મારી એ પહેલી મુલાકાતમાં તાત્કાલીક ધોરણે માઇગ્રેશન સર્ટિફીકેટ લાવવાની મારી અસમર્થતા મેં ગુરૂ સમક્ષ વ્યક્ત કરી. ત્યારે મારૂ એડમિશન ક્ધફર્મ છે, માઇગ્રેશન સર્ટિફીકેટ પછીથી જમા કરાવી શકશો તેવી હૈયાધારણાએ મને કાયમ માટે ગુરૂએ પોતાનો બનાવી લીધો. આમ, અજાણ્યાને પણ પોતાના બનાવી લેવાની કળામાં ગુરૂ માહેર હતા.

ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલ પાસે મેડિકલ કોલેજ રાજકોટમાં શરૂ કરવાની માંગણીથી પ્રેરાઇને મેં દાનવીર દિપચંદ ગાર્ડી સાથે ગુરૂની મુલાકાત કરાવી આપી ત્યારે દિપચંદ ગાર્ડીના દાન સ્વીકારવાના હઠાગ્રહ છતાં ગુરૂએ દિપચંદભાઇને પહેલા પોતાના કરેલા કાર્યો જોઇ જવા અને ત્યારબાદ જ દાન સ્વીકારવાનો નિર્ણય કરવા માટે સહમત કરી લીધા. આમ, ક્યારેય પણ પોતાના કાર્યને જાણ્યા-સમજ્યા વગર લેવામાં આવતા દાનની તેઓ વિરૂઘ્ધ હતા.

ગુરૂને લોકોને જમાડવાનો ખૂબજ શોખ હતો.

વિવિધ વાનગીઓનું સંમિશ્રણ કરીને કોઇ નવી વાનગી સંશોધિત કરી મિત્રોને ભાવપૂર્વક જમાડવા તેઓ હંમેશા તત્પર રહેતા.

બીજા એક ખાસ પ્રસંગનો ઉલ્લેખ હું અહીં કર્યા વગર રહી શકતો નથી.

મારી સગાઇમાં ગુરૂની હાજરી હતી અને લગ્નમાં પણ તેઓ હાજર રહ્યા હતા. એ સમયે કાઠીયાવાડ જીમખાનામાં મારા લગ્ન યોજાયા હતા. એ તારીખ મને બરાબર યાદ છે, ૪ ડિસેમ્બરે સાંજે સાડા ચાર વાગ્યે લગ્નવીધિ દરમિયાન ઔપચારીક વાતોમાં ગુરૂએ ‘પાર્ટીપ્લોટની સાથોસાથ કોઇ હોલ ભાડે રાખ્યો છે કે નહીં’ તેવી પુચ્છા કરતા સૌએ આશ્ર્ચર્ય અનુભવ્યું હતું કે, ડિસેમ્બર મહિનામાં ગુરૂ વરસાદની ભવિષ્યવાણી કરતા હતા અને આશ્ર્ચર્યજનક બાબત તો એ છે કે સાંજે ૭ વાગ્યા સુધીમાં કોરા આકાશમાં અચાનક કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા અને ધોધમાર ૩ ઇંચ વરસાદ પડ્યો… ત્યારે ગુરૂની આઘ્યાત્મક તેમજ ચૈત્તિકશક્તિનો સૌને પરિચય થયો.

ગુરૂ કૃષ્ણના કર્મયોગની નજીક હતા. સાચા અર્થમાં તેમણે કર્મયોગની પઘ્ધતિ તેમના જીવનમાં પચાવી જાણી હતી. ગુરૂની ૨૫મી પૂણ્યતિથીએ ‘શબ્દાંજલી’ આપવા માટે શબ્દોકોષમાં પણ શબ્દો મળતા નથી. ભાવપૂર્વકની ભાવાંજલી આપીને ગુરૂ પ્રત્યેનું ઋણ ચૂકવી શકાય કે કેમ? એ બાબતે હું સાચે જ અવઢવમાં છું. આમ છતાં ગુરૂ પ્રત્યેની મારી શ્રઘ્ધા વ્યક્ત કરવાનો મે નમ્ર પ્રયાસ કર્યો છે.

સદેહે તો ગુરૂ આપણી વચ્ચે નથી, પણ તેમના કાર્યો સદાય લોકહૃદયમાં ધબકતા રહેશે…એમણે સ્થાપેલા સિઘ્ધાંતો પ્રમાણે પ્રામાણિકતાપૂર્વક જો આપણે ચાલી શકીએ તો એજ કદાચ સાચી ભાવાંજલી હોઇ શકે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.