Abtak Media Google News

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ આગામી નાણાકીય વર્ષ માટે ₹૪,૦૦૦ કરોડના મૂડીરોકાણની યોજના હાથ ધરી છે. આ રોકાણમાં નવી પ્રોડ્ક્ટ વિકસાવવાનો સમાવેશ થાય છે એમ કંપનીના એમડી કિંચી યુકાવાએ જણાવ્યું હતું. વધુમાં કંપની આગામી વર્ષે બે આંકડામાં ગ્રોથનો અંદાજ ધરાવે છે.

કંપનીની ભાવિ રોકાણ યોજના અંગે તેમણે કહ્યું હતું કે, ₹૪,૦૦૦ કરોડનો મૂડીખર્ચ નવી પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ, પ્લાન્ટની જાળવણી અને નેટવર્કને વિસ્તારવા પાછળ કરવામાં આવશે. કંપની આગામી ૧૨થી ૧૮ મહિનામાં નવી સ્વિફ્ટ સહિત વધુ ચાર નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપનીના નેટવર્ક વિસ્તરણ અંગે તેમણે કહ્યું કે, ૨૦૨૦ સુધીમાં કંપનીના સેલ્સ એન્ડ સર્વિસ આઉટલેટની સંખ્યા ૫,૦૦૦ સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે જે અરેના અને નેક્સા હેઠળ વિસ્તારાશે.

કંપની હાલમાં ૨,૦૯૮ પરંપરાગત આઉટલેટ્સ ધરાવે છે જેને અરેના હેઠળ નવા રૂપમાં ફેરવવાની પ્રોસેસ ચાલે છે. નેક્સા હેઠળ ૨૮૯ આઉટલેટ્સ છે અને ૧૬૨ આઉટલેટ્સ વ્યાપારી વાહનો માટે છે. કંપની દર વર્ષે ૨૦૦ નવા આઉટલેટ્સ ઉમેરી રહી છે.

નાણાકીય વર્ષ ૨૦૧૧-૧૩માં કંપનીના શો રૂમની સંખ્યા ૧,૨૦૦ની હતી. કંપનીના ભાવિ ગ્રોથ અંગે તેમણે કહ્યું કે, ૨૦૧૭ કરતાં ૨૦૧૮નું વર્ષ વધુ સારું રહેવાની અપેક્ષા છે. એપ્રિલ-ડિસેમ્બર ૨૦૧૭ના ગાળામાં કંપનીનો ગ્રોથ ૧૫.૫ ટકાનો રહ્યો હતો અને ૧૨.૨૬ લાખ યુનિટનું વેચાણ થયું હતું જે આગલા વર્ષના સમાન ગાળામાં ૧૦.૬૨ લાખ યુનિટ હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાત સ્થિત એકમની ક્ષમતા બે લાઇનમાં પાંચ લાખ યુનિટે પહોંચતાં કંપની માગને પહોંચી વળશે. ગુજરાતમાં ૨૦૧૯ના પ્રારંભમાં બીજો યુનિટ કાર્યરત થઈ જશે અને છ મહિનાની અંદર ૨.૫ લાખ યુનિટની ક્ષમતા હાંસલ કરશે. કંપની ૨૦૧૮-૧૯માં ગુજરાત એકમમાંથી ૨.૫ લાખ વાહનોનું ઉત્પાદન કરવા ધારે છે.

નવી સ્વિફ્ટનું સંપૂર્ણ ઉત્પાદન ગુજરાતના એકમમાં ખસેડવામાં આવશે. હાલમાં ગુજરાતના એકમમાં માત્ર સ્વિફ્ટ મોડલનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીના હરિયાણામાં આવેલા ગુરગાંવ અને માનેસરના પ્લાન્ટમાં પ્રોડક્ટીવિટી વધારીને વોલ્યુમમાં પાંચ ટકાની વૃદ્ધિ કરવામાં આવશે. આ બે એકમ હાલ વર્ષે ૧૫ લાખ વાહનોનું ઉત્પાદન કરે છે જેમાં વધુ સુધારો થવાની સંભાવના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.