Abtak Media Google News

મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં જેટકોમાં નોકરીના પ્રશ્ર્ને ગોંડલના મહિલા અરજદારે આત્મવિલોપનની આપી ધમકી: તાબડતોબ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલા મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’માં ગોંડલ પંથકના એક મહિલાએ જેટકોમાં નોકરી પ્રશ્ર્ને થયેલા અન્યાયનો પ્રશ્ર્ન ઉઠાવી કલેકટર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતા કલેકટર કચેરીમાં દોડધામ થઈ પડી હતી અને તાકીદે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જોકે બાદમાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરે જેટકોના અધિકારીઓને સુચના આપી આ મહિલાના પ્રશ્ર્નોનો નિવેડો લાવવા તાકીદ કરતા પ્રશ્ર્ન ઉકેલાયો હતો છતાં પણ પાટણકાંડમાંથી શીખ લઈ કલેકટર કચેરીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. Img 20180222 Wa0016

પ્રાપ્ત વિગતો મુજબ દર માસના છેલ્લા ગુરુવારે યોજાતા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ હેઠળ આજે કુલ ૫૩ પ્રશ્ર્નો રજુ થયા હતા જેમાં ગોંડલ પંથકના ચેતનાબેન જમનભાઈ અઘેરા નામના મહિલાને જેટકોમાં જુનિયર એન્જીનીયર તરીકે ઈન્ટરવ્યુ આપ્યા બાદ પ્રશ્ર્ન સર્જાયો હોય આ પ્રશ્ર્ન મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવ્યો હતો અને સ્વાગત કાર્યક્રમમાં જ જો મારો પ્રશ્ર્ન નહીં ઉકેલાય તો હું આત્મવિલોપન કરીશ એવી ચિમકી ચેતનાબેન અઘેરાએ આપતા કલેકટર તંત્ર ઘાંઘુ બન્યું હતું અને તાકીદે પ્રદ્યુમનનગર પોલીસ, આઈબી, મહિલા પોલીસ સહિતના સ્ટાફને કલેકટર કચેરીમાં બોલાવી લઈ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાટણ જિલ્લા કલેકટર કચેરીમાં આત્મવિલોપનની ઘટના બન્યા બાદ રાજય સરકાર સફાળી જાગી છે અને તમામ જિલ્લા કલેકટરોને આત્મવિલોપનના પ્રશ્ર્ને એલર્ટ રહેવા તાકીદ કરી હોય. ગોંડલ પંથકના મહિલા ચેતનાબેન અઘેરાની ધમકી બાદ રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જેટકોને મહિલાનો પ્રશ્ર્ન તાકીદે ઉકેલવા કડક સુચના આપી હતી.

જોકે સ્વાગત કાર્યક્રમ પૂર્ણ થવા જતા આત્મવિલોપનની ચીમકીને પગલે કલેકટર તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત જાળવી રાખવામાં આવ્યો હતો અને આ મહિલા પર નજર રાખવા આઈબીને પણ સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આજના સ્વાગત કાર્યક્રમમાં કુલ ૫૩ પ્રશ્ર્નો રજુ થયા હતા. જેમાં પડધરી તાલુકાના મોટા રામપર ગામના અરજદાર દ્વારા તલાટી કમ મંત્રી દ્વારા ગામ નમુના નં.૨માં નોંધ પાડી દેવામાં ન આવતી હોવાની ફરિયાદ, પડધરી તાલુકાના પાટી રામપર ગામના દલિત સમાજના આગેવાનને પોલીસે મારમાર્યા અંગેની ફરિયાદ પણ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સ્વાગત કાર્યક્રમમાં આવતા અરજદારો માટેનો વેઈટીંગ રૂમ બંધ કરાતા દેકારો

કલેકટર કચેરીના ત્રીજા માળે યોજાતા મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અાવતા અરજદારો માટે મુખ્ય હોલની સામે વેઈટીંગ રૂમ બનાવાયો છે પરંતુ આ વેઈટીંગ રૂમમાં વિડીયો કોન્ફરન્સ રૂમ બનાવી નાખવામાં આવતા અરજદારોને આ કાર્યક્રમમાં ખડેપગે હાજર રહેવું પડયું હતું અને બેઠક વ્યવસ્થા ન હોય કેટલાક અરજદારોએ દેકારો પણ મચાવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.