Abtak Media Google News

મુળી તાલુકા પ્રમુખે લોહીના સેમ્પલની ફેર બદલી કરાયેલી છતાં જૂનાગઢના રાજકીય જુવાદને કારણે આલ્કોહોલનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો !

એકાદ અઠવાડીયા પછી એક દિવસ સાંજના છ વાગ્યે ફોજદાર જયદેવ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં ફળીયામાં ખુરશી નાખી બેસીને વાતો કરતો હતો ત્યાં એક કાર આવી તેમાંથી એક વ્યકિત ઉતરીને જયદેવ પાસે આવી આ અજાણી વ્યકિતએ જયદેવને કહ્યું કે તમને ખાનગીમાં મળવું છે. જેથી જયદેવે કહ્યું ચાલો મારી ચેમ્બરમાં જ બંને જણા ચેમ્બરમાં ગયા આ અજાણી વ્યકિતએ પોતાની ઓળખ આપીને કહ્યું કે હું પોરબંદરનાં ધારાસભ્ય લક્ષ્મણભાઈ આગઠનો પીએ છું અને લક્ષ્મણભાઈ આગઠ મુળી વિશ્રામગૃહમાં આવ્યા છે અને આપને રૂબરૂ મળવા માગે છે. જયદેવે કહ્યું કાંઈ વાંધો નહિ બોલાવો અહી પણ આ પીએ એ કહ્યુંકે સંસદ સભ્ય વાળા દારૂના કેસની ચર્ચા કરવી છે. જો આપ ત્યાં પધારો તો સારૂ જેથી જયદેવે કહ્યું તમે વિશ્રામગૃહ પહોચો હું થોડીવારમાં આવું છું.

જયદેવે વળી રાયટર જયુભા તથા પ્રતાપસિંહને બોલાવ્યા જીપના ડ્રાઈવરને બોલાવ્યો તથા જયુભાને કહ્યું જકાત ઈજારદાર મહિપતસિંહને પણ બોલાવો ને? તેથી જયુભાએ કહ્યું કે જનતાના માણસોનું ત્યાં શું કામ છે? જયદેવે જયુભાને તે જસદણ પોલીસ સ્ટેશનમાં હતો ત્યારનો એક કિસ્સો કહ્યો.

‘બે વર્ષ પહેલા જયદેવ જસદણ ફોજદાર હતો ત્યારે ત્યાં ઈદના દિવસે જ ફકીર પરિવારમાં મારામારી થતા ખૂન થયેલું જે ખૂનના ગુન્હાની તપાસ જયદેવે કરેલ અને મરનારની લાશનું પોસ્ટમોર્ટમ મહિલા ડોકટરે કરેલ મરનારને ગુપ્ત ભાગે પણ ઈજાઓ હતી આ મહિલા ડોકટર ત્રિવેદી યુવાન અને સ્માર્ટ હતા કેસનું ચાર્જશીટ થઈ ગયું કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલવા લાગ્યો. જયદેવ નિયમ મુજબ ઈન્વેસ્ટીગેશન અધિકારીની રૂએ સાડાદસે સરકારી વકીલને મળી લેતો. આ ખૂન કેસમાં સરકારી વકીલ તરીકે રાજકોટના પ્રખ્યાત અને વિદ્વાન વકીલ મોહનભાઈ સાયાણી હતા. જયદેવ મોહનભાઈને મળ્યો કેસની જરૂરી ચર્ચા કરી પછી મોહનભાઈએ કહ્યું હવે તમે કોર્ટમાં જ આવજો જેથી જયદેવ પોતાના મિત્ર અને વકીલ બળવંતસિંહ રાઠોડને મળ્યો બંને જણા બિલ્ડીંગ બહાર આવ્યા ચાની કેન્ટીન ઉપર ચા પાણી પીને આડા અવળા થઈને વાતો ચીતો કરતા હતા.

દરમ્યાન સરકારી વકીલ મોહનભાઈ સાયાણીની ઓફીસે મહિલા ડોકટર ત્રિવેદી પણ આવ્યા. તેમને મરનારના પોસ્ટ મોર્ટમ શરીરની ઈજા વિગેર બાબતે સાહેદી આપવાની હતી. મોહનભાઈએ ડોકટરને થોડીવાર બહાર બેસાડવાનું કહી પોલીસ વાળાને કહ્યું કે ફોજદારને બોલાવો પોલીસ વાળાએ ચારે બાજુ દોડા દોડી કરી મૂકી એક બાજુ કોર્ટનો સમય થઈ ગયેલો ત્યાં જયદેવ મળી ગયો કોન્સ્ટેબલે કહ્યું કે મહિલા ડોકટર આવી ગયેલ છે. પરંતુ વકીલ સાહેબે પહેલા તમને બોલાવવાનું કહેલ છે. અને ડોકટરને બહાર બેસાડેલ છે. જયદેવને મનમાં થયું કે તેને તો વકીલ સાથે ચર્ચા થઈ ગઈ છે. હવે શું હશે? જયદેવ મોહનભાઈ સાયાણીને મળ્યો. જયદેવને બેસાડીને પછી મહિલા ડોકટરને બોલાવ્યા અને મોહનભાઈએ ડોકટર સાથે કોર્ટની સાહેદી અંગે ચર્ચા કરી મહિલા ડોકટર ગયા પછી જયદેવે મોહનભાઈને પૂછયું કે મારૂ શું કામ હતુ? મોહનભાઈએ જયદેવને કહ્યું ‘જુઓ સાહેબ આ ડાહ્યા માણસનું કામ છે. આવી ચર્ચા મહિલા સાથે એકલા કરીએ તેમાં શંકા થઈ શકે. જીવનમાં ભૂલે ચૂકે પણએવું વર્તન ન કરવું કે જેથી કોઈને આપણી ઉપર શંકા આવે ! સમજયા બાપુ? જયદેવે કહ્યું હા સાહેબ આ પણ નોંધ લેવા જેવી બાબત તો છે જ. અને ખાસ તો અગત્યના હોદેદારો એ તો ખરીજ. જયદેવે આ ઉદાહરણને હંમેશા યાદ રાખી અનેક વખત ખોટી શંકાના દાયરામાંથી બચેલો પણ ખરો.

જીપ લઈને જયદેવ જયુભા, પ્રતાપસિંહ તથા જકાત ઈજારદાર મહિપતસિંહને લઈ વિશ્રામગૃહમાં આવ્યો. ધારાસભ્ય લક્ષ્મણભાઈએ જયદેવને કહ્યું કે કમનસીબે જે બનવાનું હતુ તે બની ગયું ગુન્હા દાખલ થયા અમારી બદનામી થઈ. પરંતુ હજુ અમારી પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. જો આ કેસનું નિરાકરણ જલ્દી થઈ જાય તો. રાજકીય રીતે અમે અમારો પક્ષ રાખી શકીએ આપને તો ખ્યાલ છે કે ફોરેન્સીક સાયંસ લેબોરેટરીમાંથી લોહીના પૃથ્થકરણ ના અહેવાલ છ છ મહિને આવે છે. જો તમે તમારોજાવક નંબર તારીખ આ લોહીના નમુના જૂનાગઢ મોકલ્યા તેના આપો તો તેની કાર્યવાહી જલ્દી કરાવીએ જયદેવને મનમાં પોલીસ સહજ સ્વભાવથી શંકા ગઈ કે લેબોરેટરીમાં કાંઈ સેટીંગ કરવાનું તો નહિ હોય ને? પરંતુ અહીં મુળી દવાખાનામાંજ પ્રમુખ બનારાજાએ સેટીંગ ફીકસીંગ કરી નાખ્યું હતુ તેથી હવે જાવક નંબર તારીખ આપવાથી કોઈ ફર્ક પડે તેમ હતો નહી. આથી તેણે મુળી સરકારી દવાખાને ડોકટર મહિપતસિંહ પરમારને જ ફોન કર્યોકે લોહીના સેમ્પલ કઈ તારીખે જૂનાગઢ મોકલેલા ? ડોકટર પરમારે જયદેવને કહ્યુંં તેજ દિવસે મોક્લ્યા હતા પણ હવે તેનું શું કામ છે? આરોપીઓના લોહીનું પૃથ્થકરણ થઈ તેનો તપાસણી અહેવાલ પણ આજે જ જૂનાગઢ ફોરેન્સીક સાયંસ લેબોરેટરીમાંથી આવી ગયો છે. અને તમામ ત્રણેય આરોપીઓના અભિપ્રાય પોઝીટીવ તો ઠીક પરંતુ તેમના લોહીના નમુનામાં એટલાઈથાઈલ આલ્કોહાલની ટકાવારી છે કે આરોપીઓ ફૂલ પીધેલા કે લથડીયા ખાતી હાલત વાળાતો ઠીક પરંતુ બેભાન પણ થઈ જાય તેવી ઉંચી ટકાવારી છે પરીક્ષણ અહેવાલમાં ! તમે કેસનું આરામથી ચાર્જશીટ કરી શકશો. જયદેવને આ સમાચાર સાંભળી પ્રથમ તો અતિ આનંદ થયો પણ નવાઈ પણ લાગી કે અભિપ્રાય છ મહિનાને બદલે અઠવાડીયામાં અને તે પણ આટલો પોઝીટીવ? કેમકે આરોપીઓની શારીરીક તપાસણીના બી ફોર્મ તે વખતના ડોકટરે નીલ ભરીને આપ્યા હતા જો હવે પૃથ્થકરણ અહેવાલમાં પણ આલ્કોહોલના ટકા ૦.૦૫ થી ઓછા આવે તો આ કેસનું ચાર્જશીટ થઈ શકે નહી અને જયદેવે ખોટો કેસ કર્યો હોવાનું પ્રસ્થાપિત થાય તે તો ઠીક પણ આવા મહાનુભાવ માટેની તે ગંભીર બાબત જયદેવ માટે જોખમરૂપ બનવાની હતી.

પરંતુ હળવદથી પ્રસિધ્ધ થતા અઠવાડીક સમાચાર પત્ર ‘સત્યાચાર’માં જે સમાચાર ‘બચાવો…બચાવો’ શિર્ષક હેઠળ આપેલા તેમાં મુળી તાલુકા પંચાયત પ્રમુખ બનારાજા મોરબીનાં જેતપર ગામે રાજયનાં આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલને મળી મુળી ફોજદારે સંસદ સભ્ય ઉપર કરેલ કેસની અને પોતાના પરાક્રમની કે આરોપીઓના લોહીના નમુના જ બદલાવી નાખેલા તે વાત કરેલી અને કેસ રફે દફે કરી નાખ્યાની બડાઈ હાંકેલી અને આરોગ્ય મંત્રીની કાર જેતપરથી જૂનાગઢ એફ.એસ.એલ.માં સીધી રવાના થયેલની વિગત તથા તમામ રાજકીય નેતાઓએ એક સંપ કરી કેસનું પૂર્ણવિરામ કરી નાખ્યાની શંકા દર્શાવેલ હતી.

પરંતુ આરોગ્ય મંત્રી જેતપરથી જૂનાગઢ એફ.એસ.એલ. આવ્યા ત્યાં સુધીની વાત હતી અને સાચી હતી પરંતુ તે પછીની બાબત રાજકીય સમીકરણોની હતી જૂનાગઢ જીલ્લાના રાજકારણમાં એકજ પક્ષમાં બે અલગ અલગ જૂથ હતા જેમાં આરોપી જુથ તથા આરોગ્ય મંત્રી જુથ સામસામે હતા તેથી જયદેવનો જય થયો. કપટી બનારાજાએ આરોપીઓના લોહીના નમુના બદલાવ્યા અહી મુળીમાં અને લોહીના નમુના માં શુધ્ધ ઈગ્લીશ દારૂનો ઉમેરો થઈ પૂરી અને ઉંચી ટકાવારી આલ્કોહોલની આરોપીઓના લોહીના નમુનામાં આવી જૂનાગઢમાં.

‘સત્યાચાર’ અઠવાડીકે તેના ૧૦૦% સાચા સમાચાર આપ્યા પરંતુ આ અંદરની વાત જાહેર થઈ ડોકટર મહિપતસિંહ પરમારે આલ્કોહોલની ઉંચી ટકાવારી આવ્યાના રૂપે ! હવે કેસ સજજડ થઈ ગયો ‘સત્ય મેવ જયતે’ જયદેવ કાયદાકીય રીતે નિર્ભય અને સલામત થઈ ગયો.

જયદેવે પોરબંદરનાં ધારાસભ્ય લક્ષ્મણભાઈ આગઠને આ શરદભાઈ તથા મીત્રોના જૂનાગઢ એફ.એસ.એલ.માંથી અહેવાલ પણ આવી ગયાની વાત કરી તો તેમણે આતુરતા પૂર્વક પૂછયું કે કેવો અભિપ્રાય આવ્યો તેથી જયદેવે સાચી હકિકત જણાવી દીધી. લક્ષ્મણભાઈ બોલ્યા અરે રામ…રામ… જયદેવે લક્ષ્મણભાઈને કહ્યું તમે સારૂ કર્યું રૂબરૂ આવ્યા મારે ગાંધીનગર કે પોરબંદરનો ધકકો ટળ્યો. મારે આ દારૂના કેસમાં તમારૂ કાર બાબતે નિવેદન લેવાનું છે. તેમણે કહ્યું હા તે દિવસે જે જી.જે.ઓ ૮૦૫૪ ની કાર હતી તે મારીજ હતી. અને વ્યકિતગત સંબંધો અને મિત્રતાની રૂએ મે મારી કાર સંસદ સભ્ય શરદભાઈને આપી હતી. જયદેવે તેમનું નિવેદન નોંધી લીધું આ દારૂના કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ અને કેસનું ચાર્જશીટ થઈ ગયું.

મુળી તાલુકા પંચાયત પ્રમુખ બનારાજાના અનેક પ્રયત્નો છતા તેમની કારી ફાવી નહી અને બાજીઉંધીવળી ગઈ. પૃથ્થકરણ અહેવાલના સમાચાર તેમને મળ્યા તેઓ બોલ્યા કે ‘તો તોફોજદાર હવે ‘ટારઝન’!’ બનારાજાની બાજી આખા જીલ્લામાં ખુલ્લી પડી ગઈ અને તેમના મોતીયા મરી ગયા. આ બાબતની દરેક જગ્યાએ ચર્ચા થવા લાગી તથા લોક વાયકા એવી ચાલી કે જયદેવના પણ કયાંક ઉંચા છેડા છે. આ ચર્ચા સાંભળીને ભયગ્રસ્ત બનારાજા વધુ ભયભીત બન્યા અને તેને હવે કાયમી રીતે જયદેવના ભયના ઓથાર તળે જ રહેવાનું હતુ પરંતુ તેથી આમ જનતાને તો ફાયદો હતો સુખ શાંતિનો.

સલાહ ઉપરતો ઘણુ લખાઈ ગયું છે. અને કહેવાય પણ ગયું છે કે ટુંકમાં તમામને સલાહ આપવી ખૂબજ ગમે છે.અને સલાહ લેવી કોઈને ગમતી નથી તેના કારણોમાં સલાહ આપનાર પોતાને સમર્થ સમજતો હોય છે અને સલાહ મેળવનારને એમ હોય છે કે મને બધી ખબર પડે છે. આ શું સમજતા હશે?

પરંતુ મુશ્કેલી અને ગરજના સમયે અને ધણી વખતે સામેની વ્યકિતનો વ્યુહ જાણવા માટે સલાહ લેવામા આવે છે. તે સમયે સલાહ આપનારે પણ સલાહ માગનાર વ્યકિત તેનો ઉદ્દેશ અને તેના સંજોગો જોઈને સલાહ આપવી જોઈએ પરંતુ જયદેવની મોટી ખામી જ તેની સલાહ આપવાની રીત હતી. જયદેવ તમામ લોકોનું ભલુ થાય અને હીત જ ઈચ્છતો હતો તેથી તમામને સાચી અને ઉપયોગી તથા હીતકારી સલાહ આપી જ દેતો ઘણા લોકો તેનું અર્થઘટન ખોટી રીતે કરતા તો ઘણા શાણા લોકો તેનો ઉપયોગ કરતા તો કોઈ તેનો દૂરપયોગ પણ કરતા.

એક વખત આ દારૂના કેસની મુદતમાં પોરબંદરથી મુળી શરદભાઈ સહિત તમામ આવેલા શરદભાઈ પોલીસ સ્ટેશને જયદેવ પાસે આવ્યા જયદેવે આવકારો આપી બેસાડી ચા પાણી કર્યા. શરદભાઈએ વાતોવાતમાં જ જયદેવને કહ્યું કે ‘રાજયના મુખ્યમંત્રીએ મને થોડા દિવસ પહેલા પુછયું હતુ કે મુળી ફોજદારને બદલવાની એક રજુઆત આવેલ છે. તમારૂ શું કહેવું છે શું અભિપ્રાય છે. જેથી મે મુખ્યમંત્રીને કહેલુ કે મુળી ફોજદાર મુળી પોલીસ સ્ટેશનમાં રહેતો મને કાંઈ ફેર પડતો નથી. તે તટસ્થ રીતે કામ કરે છે. શરદભાઈએ જયદેવને પૂછયું કે તમે કાંઈ મુળીથી બદલી માટે હીલચાલ કરી છે? જયદેવે કહ્યું ના પરંતુ જયદેવના મનમાં તુરત વિચાર આવી ગયો કે જો મુળીથી બદલી બીજે થાય તો સારૂ જ છે. પરંતુ આ બદલીની રજુઆત કરવાના કાળાકામાતો પ્રમુખ બનારાજાના જ હોય કેમકે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત પહોચાડવાનો રસ અને ક્ષમતા ફકત આ એક જ રાજકારણીની હતી. પરંતુ તે પછી લાંબો સમય જયદેવની બદલી મુળીથી થઈ જ નહિ.

સાંસદ શરદભાઈએ જયદેવને પૂછયું કે તમારી દ્રષ્ટીએ આ સુરેન્દ્રનગર જિલ્લામાં ફોજદારી બાબતો (ક્રીમીનલ મેટર)ના હોંશિયાર અને વિદ્વાન વકીલ કોણ? તેથી જયદેવે વિચારીને બે ત્રણ નામ આપ્યા જેમકે સી.એન.શેઠ તથા મહેન્દ્રકુમાર હિંમતલાલ શાહ, રમેશભાઈ વિગેરે શરદભાઈએ આગળ પુછયું તમે કોને પસંદ કરો? એ વાત સહજ છે કે વ્યકિત ડોકટર વકીલ વિગેરેની પસંદગીમાં પોતાને પરિચિત અને ગમતી વ્યકિતને જ પસંદ કરતા હોય છે. તે પ્રમાણે જયદેવે પણ તેની બેઠક ઉઠકવાળા વકીલ મહેન્દ્રકુમાર હિંમતલાલ શાહનું નામ આપ્યું. ત્યાર પછી શરદભાઈએ પુછયું કે રાજકોટમાં ક્રીમીનલ મેટરના કોણ સૌથી વધુ હોંશિયાર વકીલ જેથી જયદેવે લાંબુ લીસ્ટ જ આપી દીધું બળવંતસિંહ રાઠોડ, અભય ભારદ્વાજ, તરૂણ કોઠારી, હેમેન ઉદાણી, મહર્ષિ પંડયા વિગેરે તેવામાં શરદભાઈને માણસ બોલાવવા આવતા શરદભાઈ કોર્ટમાં રવાના થયા.

પરંતુ ફોજદાર જયદેવની આ વકીલ અંગેની સલાહ તેની સામે જ આવીને ઉભી રહી મોટો પ્રશ્ર્ન તેની સામેજ ઉભો થયો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.