Abtak Media Google News

જાતની લાલચમાં રાજકારણે સમાજનું જે વિભાજન કર્યું છે તે અક્ષમ્ય છે

અકસ્માત મોત (એકસીડેન્ટલડેથ) જેને ટુંકમાં એ.ડી. તરીકે ઓળખે છે. જો કોઈ વ્યકિતનું મૃત્યુ થયું હોય અને તે અકસ્માતે થયું હોય કે મૃત્યુના કારણ અંગે શંકા હોય પરંતુ ગુન્હાઈત કૃત્ય પ્રથમ દ્રષ્ટીએ જણાતું ન હોય ત્યારે પોલીસ આ બનાવની જાહેરાત ક્રીમીનલ પ્રોસીજર કોડ કલમ ૧૭૪ મુજબ લઈ મળેલ સત્તાની રૂએ બનાવની જીણવટ ભરી તપાસ કરે છે.

જો ગુન્હો બનતો હોય તો એફ.આઈ.આર. નોંધે અને કોઈ ગુન્હો બનતો ન હોય તો તેનો વિગતવારનો રીપોર્ટ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ (ડેપ્યુટી કલેકટર પ્રાંત)ને કેસ કાગળો સહિત કરી દે છે. પરંતુ પ્રથમ તપાસ ફોજદારથી નીચેની રેંકના અધિકારી એ કરી હોય તો ફોજદાર આ કેસ કાગળો રૂબરૂ જઈ વેરીફાય કરતા હોય છે.

આવો એક બનાવ મુળીના સરા આઉટ પોસ્ટના મહાદેવગઢ ગામે બનેલો તપાસ જમાદાર મંગળસિંહે કરેલ તેથી આ કાગળો ફોજદાર જયદેવે વેરીફાય કરવાના હતા મહાદેવગઢ ગામ પંચાળનું છેવાડાનું અતિ પછાત અને ગરીબ લોકોની વસ્તી વાળુ ગામ હતુ. જયદેવ એક દિવસ સરા આવી જમાદાર મંગળસિંહને મહાદેવગઢની એ.ડી. વેરીફાય કરવાનું કહી કાગળો સાથે સરાથી પાંક કીલોમીટર દૂર મહાદેવગઢ ગામે આવ્યો. ગામનું નામ મહાદેવગઢ પરંતુ તે સમયે ગામ સાવ નાનુ અને ઉજજડ જેવું નાના નાના કુબા જેવા એક ઓરડાના દેશી નળીયા વાળા પીંઢોરીયા મકાનો, ધુળીયા રસ્તા અને ગામના પાદરમાં બાવળના ઝાડ તા ઉકરડાના ઢગલાઓ હતા.

પાંખી વસ્તી, પંચાળના નમુના રૂપ જ ગામડુ હતુ મંગળસિંહ શેરીના- નાકે રમતા એક છાકરાને કહ્યું કે સરપંચને બોલાવ’ એટલે તે છોકરાએ બે પગ ભેગા કરી સાવધાન ઉભા રહી હાથનો પંજો પહોળો કરી અંગુઠા તરફનો ભાગ હોઠ તરફ રાખી હોર્નનો અવાજ કાઢ્યો જાણે ગાડી ચાલી અને તે દોડીને સરપંચને બોલાવી લાવ્યો સરપંચે ગ્રામ પંચાયત ખોલી તો ટેબલ ખુરશી ઉપર ધુળના થર થઈ ગયા હતા. તલાટીને આવા ગામમાં શું કામ હોય તે નિયમિત આવે?

જયદેવે મંગળસિંહને કહ્યું સાક્ષીઓને ફટાફટ બોલાવી લ્યો એટલે જલ્દી રવાના થઈએ. મંગળસિંહે સાક્ષીઓના નામ જ સરપંચને આપી દીધા સરપંચે વળી પંચાયત બહાર ઉભેલ છોકરાઓને કહ્યું કે મગનકાકા,ભીમાદાદા, બચુઆતા ને બોલાવી લાવો તથા બીજા છોકરાને કહ્યું લખીબુન, ડાહીભાભી, મંજુમાસી, મણીમાને બોલાવી લાવો. થોડીવારમાં જ તમામ આવી ગયા.

જયદેવે કેસ કાગળો લઈ એક એક વ્યકિતને અલગ અલગ બોલાવી પુછપરછ કરી લીધી અને મોતના કારણ અંગે ખાત્રી કરી લીધી તમામને રવાના કર્યા અને જયદેવ ઉભો થતા જ પંચાયત બહાર સરપંચ સાથે વાતો કરતા મંગળસિંહે દોડીને આવીને કહ્યું ‘સાહેબ પાંચ જ મીનીટ બેસો ચા-પાણી આવે છે. જયદેવે કહ્યું કે ચા તો સરાથી પીને આવ્યા છીએ છતા નામ પડયું એટલે બેઠો.

પરંતુ પાંચને બદલે પંદર મીનીટ થઈ ચા આવી નહી તેથી જયદેવ અકળાયો અને ઉભો થયો આથી મંગળસિંહ જયદેવની નારાજગી સમજી ગયા અને દોડીને પંચાયતમાં આવી જયદેવને વિનંતી કરી કે સાહેબ મહેરબાની કરીને કાંઈ આડુ અવળુ બોલશો નહિ અને ઉતાવળ મારે ખાતર પણ કરશો નહિ જયદેવને નવાઈ લાગી એટલે પુછયું ‘ખરેખર શું છે?’ જમાદાર મંગળસિંહે જે વાત કરી તેની જયદેવે કયારેય કલ્પના પણ કરેલી નહિ મંગળસિંહ કહ્યું ‘સાહેબ આ લોકો અતિ ગરીબ છે.

પરંતુ ખાનદાની અને માનવતા તથા લાગણી ખુબજ ઉંચી છે. સરપંચ તથા સભ્યો એ મને કહ્યું છે કે અમારા ગામમાં ફોજદાર સાહેબ કયાંથી? જો ચા-પાણી વગર જાય તો ગામનું અપમાન ગણાય! પરંતુ આ લોકો આર્થિક રીતે અતિગરીબ હોઈ સરપંચના ઘેર ચા મૂકશે. બીજાના ઘેરથી ખાંડ અને ત્રીજાના ઘેરથી દૂધ આવશે ત્યારે ચા બનશે તેથી થોડી વાર લાગી છે. જયદેવ ઉભા થઈ ગયા આહાહા શું ગામડાની દારૂણ ગરીબી સામે ખાનદાનીની અમીરી છે! જયદેવે સરપંચ સાથે જ ચા પીધી અને સરપંચને પણ મૂળી આવે ત્યારે પોલીસ સ્ટેશને ચા-પીવા ખાસ આમંત્રણ આપ્યું સરપંચ તથા સભ્યો ખુશ થઈ ગયા.

એક દિવસ જયદેવ હંમેશ મુજબ જ પોલીસ સ્ટેશનમાં કામ કરતો હતો ત્યાં કોન્સ્ટેબલ પ્રતાપસિંહ પરમારે ચેમ્બરમા આવી સમાચાર આપ્યા કે રાયસંગપર ગામનો વાણંદ આવ્યો છે. ગામ આખાને તકલીફ છે. તેમ જણાવે છે. જયદેવે તેમને જ સીધુ પુછી લીધું કે આખા ગામને શું તકલીફ છે? પ્રતાપસિંહે કહ્યું આમ તો મુળી તાલુકા પંચાયતની જ ખટપટ છે. પણ વાત એમ છે કે ગામના મોટા ખાતેદાર સાવજુભાઈના પત્નીએ બે દિવસથી માથે ગાંડપણ સવાર થયું હોય હથીયારો લઈ ગામ આખામાં ફરે છે. આથી ડરના માર્યા દિવસના સમયે કોઈ ઘર બહાર નીકળી શકતા નથી આજે તો તેમણે મહાકાળી માતાનો વેશ ધારણ કરી, વાળ છૂટા મૂકી હથીયારો ધારણ કરી હાંકલા પડકારા કરી ગામ આખામાં આંતક ફેલાવી દીધો છે. સાવજુભાઈને ઓરડે પૂરી દીધા છે.

આથી જયદેવે વાણંદને જ ચેમ્બરમાં બોલાવી ખરી અને પૂરી હકિકત શું છે તેમ પૂછતા વાણંદે ડરી ગયેલા હાવ ભાવ સાથે કહ્યું સાહેબ ઓફીસ બંધ કરો અને આ વાત મેં કરી છે તે જાહેર ન થાય તો સારૂ નહિતોમારે તો ગામમાં અને મુળીમાં બંને જગ્યાએ મરો છે. જયદેવે ચેમ્બરના દરવાજા બંધ કર્યા વાણંદે રાયસંગ પરની વાત કરી તે કાંઈક આ રીતની હતી. રાયસંગપર ગામ મધ્ય પંચાળમાં એક બાજુ ખૂણામાં આવેલુ પંચાળના નિયમ મુજબ પછાત ગરીબ અને પશુપાલન ખેતી આધારીત ગામ. ગામ એવું એકલુ, અટુલુ એક બાજુ આવેલુ કે ગામે જો ખાસ કોઈ કામે જવાનું થાય તો જ લોકો જાય તેથી બહારની દુનિયાનો સંપર્ક સાવ ઓછો.

આમ તો ગામે મીશ્ર વસ્તી હતી તેમાં મોટા ખાતેદાર ખેડુતો અને નાના ખાતેદાર સીમાંત ખેડુતો પણ હતા. પરંતુ મોટા ખાતેદાર ખેડુતોમાં મત અને સ્વાર્થ ભુખ્યા રાજકારણે તેમના પોતાના ખટપટનાં ઝેરી વાયરસ પણ લગાડી દીધા હતા. તારોવારો ભાગલા પાડો અને સ્વાર્થ સાધો આ સુત્ર મુજબના રાજકારણમાં સીધા સાદા ખાતેદાર સાવજુભાઈ મુળીના રાજકીય સુરસાંઢ બનારાજાને રાણીપાટનાં સુરવિરસિંહની માફક જ પોતાના અંટા ગંટા વાળી કામગીરીમાં મેળે આવતા નહ તા. તેથી બનારાજાએ બીજા મોટા ખાતેદારો જે તેની તમામ રીતની વિચારસરણી અને લાઈન લેન્થ વાળા હતા તેની સાથે મેળાપીપણુ કરી અને ચઢામણી કરી સાવજુભાઈની હાલત ગામમાં નાત બહાર જેવી કરી દીધી હતી.

આઝાદી આવ્યા પછી અને ગ્રામ પંચાયતોમાં સમરસ પધ્ધતી આવ્યા પહેલા જાગ્રુતીના અભાવ અને ઓછા અક્ષર જ્ઞાનને કારણે નાના નાના ગામડાઓમાં રાજકારણે ઘણા ખૂન ખરાબા અને જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે એવા વૈમનસ્ય અને વેરઝેર પેદા કર્યા હતા કે જાણે એક ગામ તાલુકો કે જીલ્લાને બદલે સામા પક્ષ વાળો જાણે દુશ્મન દેશ અને દુશ્મન હોય તે રીતે વ્યવહાર ચાલતો અને તેના કારણે ઘણા કુટુંબો બરબાદ થઈ ગયેલા.

સાવજુભાઈની આ નાત બહાર જેવી સ્થિતિ તેમની કોમ અને સમાજે જ રાજકીય ચઢામણીથી કરેલી પહેલાના સમયમાં ગામડાઓમાં લઘુતાગ્રંથીવાળા સતાધારી પક્ષના રાજકારણીઓ વિરોધ પક્ષના એકલ દોકલ વ્યકિત સાથે આવો જ વર્તાવ કરતા હતા.

સાવજુભાઈ તેમના કુટુંબમાં એક જ ભાઈ તેથી એકલા વળી મોટુ મકાન તેમને બે સંતાનો પૈકી ૧૦-૧૨ વર્ષનો દિકરો શહેરમાં ભણવા માટે બોર્ડીંગમાં મૂકયો હતો. દિકરી ૭-૮ વર્ષની સાથે રહેતી હતી. કુટુંબ સુખેથી રહેતું હતુ પરંતુ રાજકારણની એકલા પાડી દેવાની મેલી રાજ રમતે તેમના જ સમાજના બૈરાઓએ પણ સાવજુભાઈના ઘર સાથે આવરા જાવરાનો વ્યવહાર ઓછો કરી નાખેલો આને કારણે રાજકોટ જીલ્લાના કોઈક સુખી ગામના અને સંયુકત હર્યા ભર્યા અને સંપીલા કૌટુંબીક સમાજમાંથી આવલા સાવજુભાઈના પત્ની રંજનબેન આ સામાજીક બહિષ્કૃત જેવી સ્થિતિમાં હીજરાવા લાગ્યા.

રંજનબેન પોતે સમાજમાં હળવા મળવાનું સતત રાખી સંબંધ રાખી ઉપયોગી પણ થતા. પણ સાવજુભાઈનું રાજકારણ પ્રમુખ બનારાજાને જરાય રાજ આવતું નહિ હોય, સાવજુભાઈની જ્ઞાતિનાજ કુટુંબીજનો કે જેમને સાવજુભાઈ સાથે કોઈ અંગત રાગદ્વેષ ન હોવા છતા પણ રાજકીય રીતે દેખાદેખીથી પ્રમુખ બનારાજાને ખુશ રાખવા જ સાવજુભાઈનો બહિષ્કાર કરેલો.

આવી બહિષ્કૃત હાલતમાં પુ‚ષો તો સીમા વગડે બજારમાં તથા ઢોર ઢાંખરમાં સમય પસાર કરી નાખે. પરંતુ સંયુકત કુટુંબ અને સુમેળ ભર્યા સામાજીક વાતાવરણમાંથી આવેલા રંજનબેન માટે અપમાનજનક તો ખરૂ જ પરંતુ વાતાવરણ કેદખાના જેવું લાગતા ધીમેધીમે તેમણે તેમની માનસીક સમતુલા ગુમાવી દીધી. મેડીકલ ભાષામાં જે એગ્રેસીવ સીઝોફેમીયા અને દેશી ભાષામાં ઝનુની ગાંડપણ તેમના મગજ ઉપર સવાર થઈ ગયું.

એક અતિશય વિનમ્ર. લાગણીશીલ, સંસ્કારી, હોંશીયાર ખાનદાની સ્વભાવ વાળા રંજનબેન જે સાવજુભાઈનો પડયો બોલ ઉપાડતા તેઓ હવે સાવજુભાઈને આક્રમક રીતે ઠપકો આપી ખખડાવી નાખવા લાગ્યા. પરંતુ રંજનબેનની અંદર ‘માં’નો આત્મા હજુ સાજો અને તંદુરસ્ત હતો દીકરીને કયારેય કાંઈ કહેતા નહી પરંતુ તેને વહાલ અને પ્રેમ દાદાગીરીથી કરવા લાગ્યા ઘરમાં આવેલ આ પરિવર્તનની દુ:ખદ અસર દીકરી ઉપર પણ પડવા લાગી.

રંજનબેનના પીયરીયા આ વાત જાણીને મા-દીકરીને બે ત્રણ મહિના પીયર તેડી ગયા પરંતુ રંજનબેનમાં ખાસ ફેર પડયો નહિ. તે સમયે મનોચિકિત્સકો (સાયકાટ્રીશ્યન)નો એટલો બધો પ્રચાર થયો નહતો. એકાદ વર્ષ આ રીતે આવન જાવન ચાલુ રહ્યું. પરંતુ સારવારના અભાવે તથા રાયસંગપરનાં તેમના જ્ઞાતિના કુટુંબીજનોના વ્યવહાર વર્તન માં કોઈ ફેર નહિ પડતા રંજનબેનનું મગજ વધારે બગડતું ચાલ્યું. સાવજુભાઈની હાલત કફોડી થઈ ગઈ.

હવે તો રંજનબેન જીવલેણ હથીયારો લઈને ઘણીવખત ઘર બહાર નીકળી જતા આથી શેરીઓ બજારોમાં નાસભાગ થઈ જતી અને બારી બારણા બંધ થઈ જતા સાવજુભાઈ વચ્ચે પડે તો તેમની હાલત પણ ખરાબ થતી. ટુંકમાં મામલો સાવજુભાઈના હાથ બહાર ગયો હવે તો ઘણી વખત રંજનબેન સાવજુભાઈને જ ઓરડામાં પૂરી તાળુ મારી હથીયારો લઈ કલાકો સુધી બજારમાં ફરતા ભાંગફોડ કરતા અને કોઈ ઝપટે ચડે તેને મારી પણ લેતા ગામના અન્ય પછાત અને અભણ લોકો કરે પણ શું? પરંતુ પ્રમુખ બનારાજાના ચઢાવેલા તેમના રાજકીય ટાયા અને સાવજુભાઈના જ કુટુંબીજનો આ પરિસ્થિતિમાં પણ ખુશ થતા હતા. કે સાવજુભાઈ ઠીક ઠેકાણે પડયો!

સાવજુભાઈના અજ્ઞાની કુટુંબીજનોને કયાં ખબર હતી કે ધર્મ શાસ્ત્ર શ્રીમદ ભાગવતના ઉદ્યોગ પર્વમાં વિદુરનીતિના સાતમાં અધ્યાયના ૨૫માં શ્ર્લોકમાં જ સમાજનું પતન અને ઉધ્ધાર કોણ કરી શકે તે મહાત્મા વિદૂરજીએ અંધ ધુતરાષ્ટ્રને સમજાવવાના બહાને સમગ્ર સંસારને સંદેશો આપેલો છે. એવું લાગે છે કે સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી જ ભાગવત સપ્તાહો અને પારાયણો પહેલાના સમયમાં થતી હતી. વિદુરજીએ સત્ય ધર્મ ખાતર કૌરવોને વારવા માટે ધ્રુતરાષ્ટ્રને જે વાતો કરીતે વિદુર નીતિ.

જ્ઞાતીઓ જ તારે છે અને જ્ઞાતિઓ જ ડુબાડે છે. સંસારમાં જ્યારે ખરાબ વર્તનવાળા જ્ઞાતિજનો તારે છે. જયારે દુવર્તન વાળા જ્ઞાતિજનો ડુબાડે છે.

જયદેવ પણ ખાતામાં નોકરી કરતો કરતો અરધો સમાજશાસ્ત્રી થઈ ગયો હતો. તેણે આટલા અનુભવમાં એટલું તો જાણ્યું અને માન્યું કે આઝાદી પછી જે જે જ્ઞાતિના આગેવાનોએ પોતાના વ્યકિતગત પ્રસિધ્ધિ અને પ્રતિષ્ઠા ને એક બાજુ મૂકીને લાંબા ગાળાનો સામાજીક વિચાર કરીને સમગ્ર જ્ઞાતીનું જ હિત અને લાભ અંગે વિચાર્યું હોય અને કાર્ય કર્યું તે તે જ્ઞાતીઓ એ ધણી જ પ્રગતી સાધી લીધી છે.

આમ રંજનબેનના કારણે છેલ્લા બે દિવસથી રાયસંગપર ગામમાં જાહેર કર્યા વગરનો કફર્યુ લાગુ હતો. સાવજુભાઈ ઓરડે પૂરાયેલા અને રંજનબેન મહાકાળીનો વેશ ધારણ કરી તલવારને ધારીયું લઈ બજારમાં હડીયું કાઢતા હતા. પરંતુ ગામની એક પણ વ્યકિત સાવજુભાઈની મદદમાં તો ઠીક પણ આ બાબતની પોલીસમાં જાણ પણ કરતુ ન હતુ આથી પોતે ચોરી છુપીથી માંડ માંડ ગામમાંથી છટકીને મુળી આવ્યો હોવાનું વાણંદભાઈએ જણાવ્યું.

જયદેવે અગાઉ માનસીક રોગી જેને લોકો ગાંડા કહે છે. તેની ઘણીવાતો સાંભળેલી કે દુશ્મન સાથે સામી છાતીએ લડવું તે હોંશીયારીની અને તાકાતની વાત છે. પરંતુ આવા માનસીક રોગી (ગાંડા) વ્યકિત સાથે સાદો વ્યવહાર પણ જોખમી હોય છે. તે માટે કહેવત છે કે ને ‘ગાંડાની દોસ્તી અને જાનનું જોખમ’ આથી જયદેવે કાયદેસર કાર્યવાહી કરવાનું શરૂ કર્યું વાણંદભાઈનું રાજકીય બાબતો સિવાયનું નિવેદન નોંધ્યું અને સુરેન્દ્રનગર જિલ્લા કંટ્રોલરૂમમાં વાયરલેસ સંદેશો મોકલી બે મહિલા પોલીસ બોલાવી લીધી.

તે સમયે ઝનુની ગાંડાઓ માટેની કાર્યવાહી માટે ‘લ્યુનસીએકટ’ અમલમાં હતો હાલમાં નવો ‘ધ મેન્ટલ હેલ્થએકટ’ અમલમાં છે. મહિલા પોલીસ આવી જતા જયદેવે પ્રતાપસિંહ તથા જયુભા અને બંને મહિલા પોલીસને ચેમ્બરમા બોલાવી જીવલેણ હથીયાર ધારી ઝનુની માનસીક રોગી (ગાંડા) રંજનબેન ઘાતકી હુમલો કરે તો કોણે કેવી કાર્યવાહી કરવી તેની સૂચના કરી જીપ રાયસંગપર ગામે આવી રોડ પૂરો થતા જ સીધી બજાર શરૂ થતી હતી. ગામમાં જોયું તો કાળો કાગડો પણ દેખાયો નહિ. બજાર સુમસામ હતી જીપ થોડે આગળ જતા જ સામે છેડેથી સાક્ષાત મહાકાળી માતાજી પ્રગટ થયા હોય તેમ જણાયું વાણંહદને તો અગાઉથી જ પાદરમાં ઉતારી દીધેલ આ જોઈને પ્રતાપસિંહ બોલ્યા આજ રંજનબેન, પોલીસની જીપ ને જોઈને પ્રથમ તો રંજનબેન બંને હાથ ઉંચા કરી જીપ તરફ દોટ મૂકી જયદેવે જીપ ઉભી રખાવી દીધી.

પ્રતાપસિંહે કહ્યું ‘સાહેબ હું લાઠી લઈને આગળ જાઉ છું તમે થોડુ અંતર રાખી પાછલ પાછળ આવો. પ્રતાપસિંહને આવતા જોતા જ રંજનબેને હથીયારો નીચે કર્યા અને ઉભા રહી ગયા. પ્રતાપસિંહ દૂરથી ઉભા ઉભા કહ્યું બેન તમારા જેવા ખાનદાન માણસને આબધુ સારૂલાગે છે? તમારૂ પીયર કેવું છે. તમારા ભાઈઓ કેવા છે તેતો વિચારો આ નવા બહારનાં સાહેબો તમારી વાત લઈ જશે. આથી રંજનબેને પુછયું કે સાહેબ કોણ છે? પ્રતાપસિંહે કહ્યું કે આમુળીના ફોજદાર સાહેબ જયદેવ છે.

આથી રંજનબેને પ્રતાપસિંહને કહ્યું પહેલા સાહેબને પાછા વાળો તમે પોલીસ વાળા મારી સાથે ચાલો. તમને અહી મોકલ્યા કોણે બનારાજાએ? પ્રતાપસિંહે કહ્યું બનારાજાની શું હિંમત છે. કે સાહેબ સાથે વાત કરે? આ તો આ બાજુથી નીકળ્યા તો મેં સાહેબને કહ્યું કે રાયસંગપરમાં એક મરદ વ્યકિત સાવજુભાઈ છે તેમને મળતા જઈએ તેથી આવ્યા છીએ.

રંજનબેનની માનસીક આક્રમકતા એકદમ ચાલી ગઈ અને તેમની અગાઉની લજજા નમ્રતા, વિવેક અને સંસ્કારી રીતભાત પાછી આવી ગઈ. તેમનો આ મહાકાળી માતાજીનો નાખેલ ખેલ જોતા કપાળમાં કાળુ ત્રિપુંડ તાણેલું વચ્ચે ઉભો સફેદ લાંબો ચાંદલો, આંખો ફરતી કાળી મેશ ચોપડેલી અને હોઠની આજુબાજુ મોઢા ઉપર લાલ ચટક કંકુ ચોપડેલ તે (મેકઅપ) શરગારને ઢાંકવા તેમણે કાળી ઓઢણીથી પોતાનો ચહેરો ઢાંકી દીધો અને પ્રતાપસિંહને કહ્યું સાહેબને થોડીવાર જીપમાં બેસાડો હું હમણા ‘એમને’ તેડવા મોકલુ છું આથી પ્રતાપસિંહ ધીરે ધીરે રંજનબેન પાછળ પાછળ ગયા જયદેવે બંને મહિલા પોલીસ અને જયુભાને પણ પાછળ મોકલ્યા.

રંજનબેને ડેલો ખોલી ફળીયામાં ગયા ઓસરીમાં જ તેમની દીકરી ખાટલા ઉપર બેઠી હતી રંજનબેને નેફામાંથી જુડો કાઢી ચાવીથી ઓરડાનું તાળુ ખોલી જેમ પીંજરામાંથી સાવજ ને કાઢે તેમ સાવજુભાઈને બહાર કાઢયા સાવજુભાઈ મરદમુછાળો પણ સંજોગો અને વિકટ પરિસ્થિતિમાં સરકસનાં સિંહ જેવો થઈ ગયો હતો.

તેમાય પોલીસને જોઈ સાવજુભાઈ વધારે શરમાયા પરંતુ કરી પણ શું શકે? રંજનબેને જલ્દી જલ્દી પોતાનો મેકઅપ (શણગાર) ધોઈ નાખ્યો કપડા બદલી નાખ્યા જાણે આ તે રંજનબેન જ નહિ રંજનબેન તાડુકીને સાવજુભાઈને કહ્યું આ ગામ આખામાં તો વિવેક વ્યવહાર જેવું નથી જો તમારામાં હોય તો ફોજદાર સાહેબને ચા-પાણી માટે ઘેર તેડી લાવો સાવજુભાઈની સાથે પ્રતાપસિંહ અને જયુભા પણ જીપ પાસે જયાં જયદેવ હતો ત્યાં આવ્યા જયદેવે સાવજુભાઈ સાથે આ કેવી રીતે બન્યું તે આખી વાત જાણી અગાઉ જણાવ્યા પ્રમાણેની જ વાત કહી વધુમાં કહ્યું કે હવે તો મને મારા સાળા અને સાસરીયાની પણ શરમ આવે છે.

કે તેઓ અમારા પાછળ કેટલા હેરાન અને દુ:ખી થાય છે. જયદેવે કહ્યું જુઓ સાવજુભાઈ રંજનબેન હવે આખા ગામ માટે જોખમરૂપ થઈ ગયા છે. તેમને માનસીક રોગની હોસ્પિટલ (પાગલ ખાના)માં મોકલવા પડશે તમે દીકરીની વ્યવસ્થા કરી લો અમે અત્યારે જ રંજનબેનને લઈ જઈએ છીએ.

આમ વાતો ચાલુ હતી ત્યાં જ ડેલામાં દેકારો થયાનો અવાજ સંભળાયો મહિલા પોલીસ સાથે બબાલ થયાનુ માની પ્રતાપસિંહ દોડયા પણ ખાસ કાંઈ નહોતુ પણ એક મહિલા પોલીસબેન રડતા હતા. પ્રતાપસિંહ ગયા એટલે રંજનબેને કહ્યું સાહેબ ને અંદર બોલાવો ચા-થઈ ગઈ છે.

જયદેવ ડેલામાં આવતા જ રંજનબેન રસોડામાં ચાલ્યા ગયા અને મરજાદી સ્ત્રિની માફક ઓજલ ક્રી ધીમા અવાજે વાતો કરવા લાગ્યા. તમામે ચા પાણી પીધા અને સાવજુભાઈ દીકરીને લઈ રાજકોટ તરફ રવાના થયા તે પહેલા તેમનું વિગતવારનું નિવેદન લાહી લઈ રંજનબેનને જીપમાં બેસાડયા. રંજનબેનને ખ્યાલ આવી ગયો કે આ અલ્લાબેલી પોતાને જ લેવા આવ્યા છે.

મોઢુ પડી ગયું પણ લાજ કાઢીને જીપમાં બેસી ગયા જીપમાં જયદેવની હાજરીને કારણે કોઈ વાત થઈ નહિ પરંતુ રસ્તામાં સરલા ગામે પાંચ મીનીટના કામ માટે રોડ કાંઠે આવેલ પટેલ ભગતની પાઈપ ફેકટરીમાં જયદેવ અને પ્રતાપસિંહ જતા પાછળથી જીપમાં દેકારો થયો એટલે પ્રતાપસિંહ દોડીને ત્યાં ગયા એટલે શાંતિ થઈ ગઈ પરંતુ રાયટર જયુભાએ કટાક્ષ સાથે કોમેડીનું સંશોધન કરી લીધું હતુ.

રંજનબેન જયુભાનો ફીલીપ્સ રેડીયો થઈ ગયા હતા ધારે તે સ્ટેશન મેળવે જે વ્યકિતના મરશીયા ગવરાવવા હોય કે ગાળો દેવરાવવી હોય તે વ્યકિતનું ફકત જયુભા નામ અને ગામનું નામ બોલે એટલે રંજનબેન તે વ્યકિત વિશે જે વાતો હોય પછી ચારિત્ર્યની હોય કે કૌભાંડોની હોયતે વિવિધ આલાપમાં મોટે મોટેથી નામ સહિત ગાવા લાગે કે મરશીયા ગાય કે ગાળો બોલે તે વ્યકિતના પરાક્રમો સાથે પાછુ બનારાજાનું નામ તો હોય જ અને બનારાજાના નામનું આવેગમાં આવી કુટી પણ લે ! આમ દરેક ઉભરામાં આગળ કે પાછળ બનારાજાનું આવી જ બન્યું હોય!

જયદેવે પોલીસ સ્ટેશનમાં આવી લ્યુનસીએકટ ક.૧૩ મુજબ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી અને લોકઅપ ખાલી હોય લોકઅપમાંમૂકયા પરંતુ આથી પોલીસ સ્ટેશનમાં તકલીફ અને ગામના લોકોને મનોરંજન થયું. જયદેવ અને પ્રતાપસિંહ ન હોય ત્યારે ગામના કોઈ દરબાર આવી રંજનબેન ને કોઈ વ્યંકિત અંગે વાત કરે અને રંજનબેન તે વ્યકિત અંગે પ્રાસ મેળવી સાજીયા લે કે મરશીગાવા લાગે ગામના સારા સારા આગેવાનો આવી લોકઅપમાં રંજનબેન જે સાજીયા લે કે મરશીયા ગાતા તેનો લ્હાવો લઈ ગયા.

રંજનબેન મરશીયા ગાવાનું ફકત જયદેવ અને પ્રતાપસિંહની ગેરહાજરીમાં જ કરતા જયુભા એ આમ કેમ તે અંગે રંજનબેનથી જાણી લીધું કે સાહેબની હાજરીમાં કેમ શાંત રહે છે. રંજનબેને કહ્યું કે ફોજદાર સાહેબ મારા પીયરના પડોશી ગામનાં અને તાલુકા પ્રમુખ જાડેજા બાપુના જમાઈ છે. તેઓ વાત લઈ જાય ને? અને પ્રતાપસિંહ મારા ભાઈ છે વાહ, ગાંડપણ માં પણ ખાનદાની!

મેજીસ્ટ્રેટ સાહેબે રંજનબેનને લીંબડી રેફરલ હોસ્પિટલમાં માનસીક ક્ષતિ અંગેના અભિપ્રાય માટેનો હુકમ કર્યો પરંતુ મહિલા પોલીસે કહ્યું સાહેબ તમારા વગર એકલા અને રંજનબેન જોડે નહિ જઈએ જયદેવે પ્રતાપસિંહને સાથે લીંબડી મોકલી દીધા પણ લીંબડી હોસ્પિટલમાં તો પ્રતાપસિંહની પણ મર્યાદા મૂકી દીધી રંજનબેને મહિલા પોલીસ ઉપરાંત હોસ્પિટલના મહિલા નર્સીંગ સ્ટાફની હાલત વાણી અને વાતોથી જ કફોડી કરી નાખી.

ડોકટરના અભિપ્રાય મુજબ જજ સાહેબે રંજનબેનને અમદાવાદ મેન્ટલ હોસ્પિટલમાં મોકલવાનો હુકમ કર્યો અને રંજનબેનને અમદાવાદ દાખલ કરી દીધા આ બાજુ જયદેવ એક વખત સરા જતી વખતે ખાસ રાયસંગપર ગામે જઈ સાવજુભાઈના કુટુંબીજનો આગેવાનોને મળ્યો અને સલાહ આપી ખટપટ ચડસાચડસી નહિ કરતા સુલેહ સંપથી રહેવા કહ્યું અને કહ્યું કે જો તમારા ગામના આવા વાતાવરણની બીજા ગામોને ખબર પડશે તો કોઈ સારા માણસો તમારા ગામમાં ક્ધયા પરણાવશે નહિ તમામ લોકો વાત સાથે સહમત થયા. ગામ આખાની આંખ ખુલી ગઈ અને સાવજુભાઈ સાથે સુલેહ થયો.

ચારેક મહિના પછી સાવજુભાઈના સાળા ખાસ મુળી જયદેવને મળવા આવ્યા અને રાયસંગપર ગામે સુલેહ સંપ કરાવવા તથા બહેનની સારી સારવાર કરાવી જીવન બરબાદ થતુ અટકાવી અને આખા કુટુંબને બચાવ્યા અંગે આભાર માન્યો તો જયદેવે કહ્યું કે આભાર ઈશ્ર્વરનો માનો કે તેમણે મને આવું કરવાની બુધ્ધી અને તક આપી બાકી મેં પોતે તો ફકત મારી ફરજ જ બજાવેલ છે તેથી વશેષ કાંઈ નહિ!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.