Abtak Media Google News

અમદાવાદ ક્રાઇમબ્રાંચ અને ડીઆરઆઇની ટીમે મહારાષ્ટ્રના ઔરંગાબાદની ફાર્મા કંપનીના અલગ અલગ યુનિટમાં દરોડો પાડીને રૂપિયા 500 કરોડના ડ્રગ્સનો અને ડ્રગ્સ બનાવવા માટેના રોમટિરિયલનો મોટો જથ્થો જપ્ત કરીનેે મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 200 કરોડની કિંમતનું તૈયાર કોકેઇન, કેટામાઇન અને એમડી ડ્રગ્સનો તેમજ 300 કરોડની કિંમતનું ડ્રગ્સ બનાવવા માટેનું રો મટિરિયલ સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કોકેઇન અને એમડી ડ્રગ્સનો દેશના મોટા મોટા શહેરોમાં નિયમિત રીતે સપ્લાય થતો હતો અને કેટામાઇન વિદેશમાં મોકલવામાં આવતું હતું. આ અંગે પુના ડીઆરઆઇ અને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન અને સપ્લાયના મસમોટા રેકેટ પર કાર્યવાહી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને ડીઆરઆઇનું જોઇન્ટ ઓપરેશન: ઔરંગાબાદથી રૂ.200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડનું રોમટીરિયલ જપ્ત

અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર વી બી આલને ચોક્કસ માહિતી મળી હતી કે મુળ સુરતનો વતની ગિતેશ પટેલ ઔરંગાબાદમાં તેની બે ફાર્મા કંપનીઓમાં દવા બનાવવાની આડમાં મોટાપાયે એમ ડી ડ્રગ્સ તેમજ કોકેઇન જેવા ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરીને દેશના અલગ અલગ વિસ્તારોમાં મોકલી આપવામાં આવે છે. જે બાતમીને આધારે ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા ત્રણ વાર રેકી કરીને ખાતરી કરવામાં આવી હતી.

જો કે મહારાષ્ટ્રમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ દરોડાની સત્તાવાર કાર્યવાહી કરી શકે તેમ ન હોવાને કારણે પુના ડીઆરઆઇનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પછી ડીઆરઆઇની ત્રણ ટીમ અને ક્રાઇમબ્રાંચ દ્વારા બે ફાર્મા કંપની અને ગીતેશ પટેલની ઓફિસ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસને 200 કરોડની કિંમતનું તૈયાર ડ્રગ્સ અને 300 કરોડનું ડ્રગ્સ બનાવવા માટેનું રો મટિરિયલ મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા ડ્ગ્સમાં કોકેઇન, કેટામાઇન અને એમ ડી ડ્ગ્સનો સમાવેશ થતો હતો. પોલીસે ગીતેશ પટેલ સહિત કુલ ત્રણ લોકોને વધુ પુછપરછ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિકે આ અંગે જણાવ્યું કે ગીતેશ પટેલ ડ્રગ્સ તૈયાર કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં સપ્લાય કરતો હતો. ડીઆરઆઇ અને ક્રાઇમબ્રાંચ હાલ તેની સંયુક્ત પુછપરછ કરી રહી છે. ગીતેશ પટેલ વિરૂદ્વ ગુજરાતમાં પણ ડ્રગ્સ સપ્લાય કરાયાનું વિગતો બહાર આવતા અમદાવાદ ક્રાઇમબ્રાચં પણ ગુનો નોંધવાની કાર્યવાહી કરશે. આ માટે તેના નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ વિદેશમાં ડ્રગ્સનો કાળો કારોબાર

પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ સુરતનો ગીતેશ પટેલ ગુજરાતમાં ખુબ મોટા પાયે કોકેઇન અને એમ ડી સપ્લાય કરતો હતો. ગુજરાતની સાથે તે તમિલનાડુ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તેણે સ્થાનિક ડ્રગ્સ માફિયાઓનું મોટો નેટવર્ક બનાવ્યું હતું. ઉપરાંત ડ્રગ્સનો જથ્થો વિદેશ પણ મોકલવામાં આવતો હતો. આ ડ્રગને દવાની ફેક્ટરીથી બહાર લાવીને ચોક્કસ સ્થળે પહોંચાડવા માટે તે દવાના પાર્સલમાં ડ્રગ્સનો જથ્થો નિયત શહેરોમાં મોકલતો હતો. તેની પુછપરછ દમિયાન આ અંગે અનેક વિગતો બહાર આવશે.

ગોવા-મુંબઇ જેવા શહેરોમાં કોકેઇન મોકલાતું’તું

ગીતેશ પટેલના દેશના અનેક મોટા ડ્ગ્સ માફિયાઓ સાથે સીધા સંબધો હતા. તેમને તે નિયમિત રીતે એમ ડી અને કોકેઇન સપ્લાય કરતો હતો. જો કે તેના દ્વારા તૈયાર થતો કોકેઇનનો જથ્થો ગોવા અને મુંબઇના મોટા ડ્રગ્સ માફિયાઓને મોકલી અપાતો હતો. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ તેના ડ્ગ્સની વિશેષ ડિમાન્ડ રહેતી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.