Abtak Media Google News

સફાઈ કામદારોને વ્યસનથી દુર રહેવા અને દીકરી, દીકરાને ભણાવવા શીખ અપાતા મેયર બિનાબેન આચાર્ય અનુસુચિત જાતિ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ તમામ નોકરી મેળવતા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદાર તરીકે નોકરી કરતા અને જેને ૨ વર્ષ નોકરીને બાકી હોય, તેવા સફાઈ કામદારો સ્વૈચ્છિક રાજીનામું આપે તેમના વારસદારને નોકરીમાં લેવાનું તેમજ ચાલુ ફરજે અવસાન પામે તેવા સફાઈ કામદારના વારસદારને નોકરીમાં લેવાનું મંજુર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે સ્વૈચ્છિક રાજીનામા માટેના ૯૦ વારસદારોને તેમજ ચાલુ ફરજે અવસાન પામેલ ૧૪ સફાઈ કામદારના વારસદારોને અને પાર્ટ ટાઈમ તરીકે ફરજ બજાવતા એક સફાઈ કામદારને પાર્ટ ટાઈમમાં ૧૮૦૦ દિવસ પુરા કરેલ છે, એમ કુલ ૧૦૫ વ્યક્તિને સફાઈ કામદાર તરીકે નોકરીના ઓર્ડર આપવાનો કાર્યક્રમ મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ પદે યોજવામાં આવેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, પૂર્વ દંડક રાજુભાઈ અઘેરા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પર્યાવરણ અધિકારી નીલેશભાઈ પરમાર, આસીસ્ટન્ટ મેનેજર રામાનુજ, પૂર્વ કોર્પોરેટર કરશનભાઈ વાઘેલા, શામજીભાઈ ચાવડા, જયશ્રીબેન પરમાર, રાજકોટ શહેર ભાજપ મંત્રી મહેશભાઈ રાઠોડ, અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડી.બી. ખીમસુરીયા, મુકેશભાઈ પરમાર, વોર્ડ નં.૦૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર તેમજ વાલ્મિકી સમાજના અગ્રણીઓ તથા લાભાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહેલ હતા.

આ અવસરે મેયર બિનાબેન આચાર્યે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સફાઈ કામદારોના પ્રશ્ને હંમેશા ચિંતા કરે છે. આ વારસદારોના પ્રશ્ન અંગે પણ વહેલાસર નિર્ણય થાય તે માટે પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારોએ ચિંતા કરેલ. આજે ૧૦૫ સફાઈ કામદારને નોકરી મળતા તેમના પરિવારોને રોજીરોટી મળશે. વિશેષમાં, શાસક પક્ષ દ્વારા સફાઈ કામદારોના વારસદારોને નોકરી મળે તે માટે અનેક સુધારા-વધારા કરેલ છે. વિશેષમાં, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટ ગાંધી મ્યુઝીયમના લોકર્પણ પ્રસંગે આવેલ ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ શહેર પ્રથમ ક્રમે કેમ ન આવે, તેવી લાગણી વ્યક્ત કરેલ. પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થાય તે માટે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦માં રાજકોટ શહેર પ્રથમ નંબરે આવે તેવો સહિયારો સંકલ્પ કરીએ. તમામ સફાઈ કામદારો પોતાના દીકરા-દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરાવે તેવી મેયરે અંતમાં અપિલ કરેલ.

આ અવસરે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ સૌ ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત સાથે જણાવેલ કે, શહેરની સ્વચ્છતા અને આરોગ્ય જેમના હાથમાં છે, તેવા સફાઈ કામદારોને આજરોજ નોકરીનો ઓર્ડર મળનાર છે. તે તમામ સફાઈ કામદારોને શુભેચ્છા પાઠવેલ તેમજ સૌના સહકારથી રાજકોટ શહેર ૨૦૧૯ સ્વચ્છતા સર્વેક્ષણમાં ૭માં ક્રમે આવેલ છે. આગામી દિવસોમાં પ્રથમ ક્રમે આવેલ તેવા પ્રયત્નો કરવા જણાવેલ. વિશેષમાં, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સફાઈ કામદારોના પ્રશ્ને સતત ચિંતિત છે. ફરીને, તમામ નોકરી મેળવનાર સફાઈ કામદારને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે, અનુસુચિત જાતિ આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલાએ નોકરી મળનાર તમામ લાભાર્થીઓને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવેલ હતી.

આ અવસરે, ઉપસ્થિત સૌ મહેમાનોના વરદ્ હસ્તે તમામ લાભાર્થીઓને મો મીઠા કરાવી નોકરીના ઓર્ડર આપવામાં આવેલ. આ પ્રસંગે, વાલ્મિકી તથા દલિત સમાજના અગ્રણીઓ દ્વારા તમામ પદાધિકારીઓનુ બુકે દ્વારા સ્વાગત કરેલ અને આજરોજ સૌથી વધુ સફાઈ કામદારોને નોકરીના ઓર્ડર આપવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.