Abtak Media Google News

રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઈકાલે બજરંગવાડી ચોક પાસે આવેલી શકિત હોટલે ક્રિકેટ મેચ જોતી વેળાએ ગ્રાહક અને ચાના ધંધાર્થી વચ્ચે મારામારી થઇ હતી.જેમાં ગ્રાહકે ગાદલી માંગતા બંને વચ્ચે ડખ્ખો થયો હતો.જે મામલે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

ગ્રાહકે ગાદલી માંગતા ડખ્ખો થયો : ગાંધીગ્રામ પોલીસે સામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી

પ્રથમ ફરિયાદની મળતી વિગતો મુજબ,શહેરના રેલનગર પાસે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા વિરેન્દ્ર કનુભાઇ કરપડા(ઉ.વ 21) નામના કાઠી યુવાને આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કિશન ચૌહાણનું નામ આપ્યું છે.યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,બંજરવાડી ચોકથી આગળ હાઇવે પર આવેલી શકિત હોટલે ટી.વી રાખેલ હોય તે ગઇકાલે બપોરના સમયે અહીં ફાઇનલ મેચ જોતો હતો ત્યારે તેણે અહીં ચા બનાવવાવાળા કિશન ચૌહાણ પાસે ગાદલી માંગતા કિશને ગાળો આપી હતી.જેથી યુવાને ગાળો દેવાની ના કહેતા તેણે ઉશ્કેરાઇ કોઇ તિક્ષણ હથિયાર યુવાનને ખંભાનાભાગે મારી દેતા તેને ઇજા પહોંચતા તે અહીંથી ભાગી ગયો હતો.બાદમાં તેના મિત્રને જાણ કરતા તેને હોસ્પિટલ લઇ ગયા છે.

જયારે સામાપક્ષે કિશન હિતેષભાઇ ચૌહાણ(ઉ.વ 23 રહે. સુદરમ સિટી રેલનગર) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિરેન્દ્ર કાઠી અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે.યુવાને ફરિયાદમાં જણાવ્યૂં હતું કે,બંજરગવાડી ચોક પાસે શકિત હોટલે ભાડેથી ચાનો થડો રાખી ધંધો કરે છે.ગઇકાલે બપોરના દોઢ વાગ્યા આસપાસ વિરેન્દ્ર અને તેની સાથે એક અન્ય શખસ અહીં આવ્યા હતાં.તેમણે અહીં ચા પીધી હતી.બાદમાં મેચ ચલાતો હોય જેથી તે મેચ જોતા હતાં.દરમિયાન વિરેન્દ્રએ સુવા માટે ગાદલી માંગતા યુવાને ના કહેતા તેણે ગાળ આપી હતી.

જેથી યુવાને ગાળો આપવાની ના કહેતા ઝપાઝપી કરી હતી.બાદમાં પ્લાસ્ટિકના પાઇપ વડે મારમાર્યો હતો જયારે તેની સાથેના અજાણ્યા શખસે ઢીકાપાટુનો મારમાર્યો હતો.આ દરમિયાન યુવાન હાથમાં રહેલું કટર વિરેન્દ્રને છાતીના ભાગે લાગી જતા બંને ભાગી ગયા હતાં.બાદમાં ચાના ધંધાર્થી કિશન ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.આ અંગે ગાંધીગ્રામ પોલીસ દ્વારા સામસામી ફરિયાદના પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.