Abtak Media Google News

વહેલી સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ: શોક સર્કીટના કારણે આગ લાગી: બહારથી દરવાજો બંધ હોવાથી ગંભીર રીતે દાઝયા

શહેરની ભાગોળે આવેલા કાલાવડ પર નિરાલી રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા આઠ રાજસ્થાનીની રૂમમાં અચાનક આગ ભભૂકતા તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વેઇટરની રૂમનો બહારથી દરવાજો બંધ હોવાથી પોલીસે એફએસએલની મદદ લઇ આગ કંઇ રીતે લાગી અને દરવાજ બહારથી કોને બંધ કર્યો તે અંગેની તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનના વતની અને છેલ્લા દસેક વર્ષથી કાલાવડ રોડ પર આવેલા નિરાલી રિસોર્ટની પાછળની રૂમમાં રહી નિરાલી રિસોર્ટમાં જ વેઇટર તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર તુલશીદાસ લબાના (ઉ.વ.27), લક્ષ્મણ અંબાલાલ લબાના (ઉ.વ.40), દિપક પ્રકાશ નાયક (ઉ.વ.19), ચિરાગ અંબાલાલ નાયક (ઉ.વ.18), લોકેશ રાજુ નાયક (ઉ.વ.20), ગજ્જરાજમારૂ ઉર્ફે રાજુભાઇ કુરીયાજી લબાના (ઉ.વ.56), શાંતિલાલ બાવરચંદજી લબાના (ઉ.વ.52) અને દેવીલાલ વિક્રમ લબાના (ઉ.વ.22) ગંભીર રીતે દાઝતા તમામને 108ની મદદથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

રાજસ્થાની વેઇટરો નિર્લી રિસોર્ટની પાછળની રૂમમાં સુતા હતા ત્યારે અચાનક આગ ભભૂકતા આઠેય વેઇટરોએ બુમાબુમ કરી બહાર નીકળવા પ્રયાસ કર્યો હતો પંરતુ રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી તેનોને આગની વચ્ચે લાંબો સમય રહેવું પડતા આગની લપેટમાં સપડાયા હતા.

એક સાથે આઠેય વેઇટરોએ કરેલી બુમાબુમના કારણે આજુ બાજુના રહીશો અને શ્રમજીવોઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને રાજુભાઇ નામની વ્યક્તિને જાણ કરતા તેઓએ 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. રાજસ્થાનાના ડુંગરપુરના વતની વેઇટરો છેલ્લા દસેક વર્ષથી રાજકોટમાં સ્થાયી થઇ નિરાલી રિસોર્ટમાં વેઇટર તરીકે કામ કરતા હોવાનું રાજુભાઇએ જણાવ્યું હતું.

આગ ઇલેકટ્રીક શોક સર્કીટના કારણે લાગ્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આમ છતાં તાલુકા પોલીસે એફએસએલની મદદ લીધી છે. બીજી તરફ વેઇટરના રૂમનો દરવાજો બહારથી બંધ હોવાથી દરવાજો કોને અને શા માટે બંધ કર્યો તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.

ગંભીર રીતે દાઝેલા આઠ વેઇટર પૈકી બેની હાલત વધુ ગંભીર ગણાવવામાં આવી રહી છે. આગના કારણે વેઇટરનો કેટલોક સામાન સળગી ગયો હતો. આગની ઘટના અંગે ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરવામાં આવતા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગને બુઝાવી નાખી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.