Abtak Media Google News
  • જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડ્યાએ ‘અબતક’ની મુલાકાતે કિડની ના રોગો, સારસંભાળ વિશે વિગતવાર ચર્ચા કરી
  • કિડની એજ્યુકેશન વેબસાઈટ પર સ્વસ્થ કિડની રાખવા અંગેની વિનામૂલ્યે માહિતી મેળવી શકાશે

ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે વધતું જાય છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100 થી વધુ દેશોમાં 14 માર્ચ,   ગુરૂવારે “વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવશે. આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન – સ્વસ્થ કિડની સર્વ માટે  છે.

કિડની એજ્યુકેશન વેબસાઈટ તે વિશ્વભરના લોકોને તેમની માતૃભાષામાં આ માહિતી આપી આ સ્લોગનને પૂર્ણ કરતી એકમાત્ર વેબસાઈટ છે. 40 ભાષામાં કિડની અંગે સંપૂર્ણ માહિતી વેબસાઈટના માધ્યમ દ્વારા નિ:શુલ્ક આપતી હોવાના કારણે આ વેબસાઈટનો લાભ વિશ્વભરના લોકો દુનિયાના કોઈ પણ ખૂણેથી મફત લઈ શકે છે.

રાજકોટનાં વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા અને વિશ્વના 100થી વધુ કિડની નિષ્ણાંતો દ્વારા તૈયાર કરવામાં આવેલ www.KidneyEducation.comવેબસાઈટમાં કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં આપેલ છે.

અબતકની મુલાકાતે આવેલા કિડની નિષ્ણાંત ડો. સંજય પંડયાએ જણાવ્યું હતુ કે, દિન પ્રતિદિન રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. તેનું કારણ આજની લાઈફ સ્ટાઈલ છે. જંક ફુડ,  ફાસ્ટલાઈફ વગેરે જેમાં  ભારતમાં તથા વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે  વધતું જઈ રહ્યું છે. વર્ષ  2006 થી દર 19 માર્ચે  વિશ્વ કિડની  દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે  લોકોમાં  કિડનીના  રોગો પ્રત્યેની જાગૃતિ લાવવાના પ્રયાસો  કરવામાં આવે છે.  આ વખતે વિશ્વ  કિડની દિવસનું   સ્લોગન સ્વસ્થ કિડની સર્વ માટે રખાયું છે.  અમે તમારી કિડની  બચાવો પુસ્તકને કિડની એજયુકેશન વેબસાઈટ પર વિશ્વની 40 ભાષામાં  પ્રસ્તુત કરવામાં આવી છે.

આ વેબસાઈટનાં  માધ્યમ  દ્વારા નિ:શુલ્ક કિડનીની સારસંભાળ, રોગો વગેરે બાબતોની માહિતી  દુનિયાના કોઈ પણ ખૂણે વસતા લોકો મફતમાં મેળવી શકે છે.  કિડનીના  રોગોમાં  કિડની  ફેલ્યર એટલે કિડનીની કાર્ય ક્ષમતામાં ઘટાડો થવો લોકોમાં  ક્રીએટક્ષનીનું પ્રમાણ વધારે હોય તે કિડની   ફેલ્યર  સૂચવે છે તથા બીજુ  ધીમેધીમે  લાંબે ગાળે ન  સુધરી શકે તે રીતે બંને કિડની  બગડે તેને કોનિક કિડની ડીસીસ  કહે છે વહેલુ નિદાન  થાય તો તેને નિવારી શકાય છે. કિડની વિશેની વિશ્વસનીય માહિતી માટે  40 ભાષામાં કિડની પુસ્તકો તૈયાર કરવાનો  યશ વસુધૈવ કુટુંમ્બકમની વ્યાખ્યાને પરિપૂર્ણ કરવા 100થી વધુ સેવાભાવી કિડની  નિષ્ણાંતોની ટીમને  ફાળે જાય છે.

કિડનીની બીમારીના મુખ્ય લક્ષણો

કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો ના થાય .ત્યાં સુધી રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી. ક્રોનિક કિડની ફેલ્યરનાં વહેલા નિદાન માટે રોગનાં મહત્વનાં લક્ષણો અંગે જાણો.

  • નબળાઈ લાગવી, થાક લાગવો.
  • ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા.
  • આંખ પર સવારે સોજા આવવા. મોં અને પગ પર સોજા આવવા.
  • નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો.
  • લોહીમાં ફિક્કાશ હોવી.
  • પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું.
  • જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડનીની બીમારીથી બચવા આટલુ કરો

  1. નિયમિત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું
  2. પૌષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું
  3. ડાયાબીટીસને હંમેશા કાબુમાં રાખવું
  4. લોહીના દબાણને કાબુમાં રાખવું
  5. પાણી વધારે પીવું
  6. રૂટીન હેલ્થ ચેક અપ
  7. ધ્રુમપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો.
  8. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી.

વિશ્વના વરિષ્ઠ નેફ્રોલોજીસ્ટોનું યોગદાન

ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી” નાં પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો. રેમુઝીએ પુસ્તક ઇટાલિયન ભાષામાં અને “ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશન” નાં પ્રમુખ તરીકેની સેવા દરમિયાન ડો. ગાર્સીયાએ સ્પેનીશ ભાષામાં કિડનીની વેબસાઈટ તૈયાર કરી જનજાગૃતિની ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રચંડ સમર્થન આપેલ.  અનુકુળતા મુજબ વાંચન કરવા માટે ઓનલાઈન રીડીંગ, પીડીએફ ડાઉનલોડ તથા વ્હોટસએપ (9426933238) દ્વારા પુસ્તક નિ:શુલ્ક મેળવવાના મનપસંદ વિકલ્પો.

હાલમાં, કિડની રોગ મૃત્યુ થવાનું આઠમું મુખ્ય કારણ

  • કિડની ફેલ્ચર – સી.કે.ડી. ની તકલીફ ધરાવતા 80-90% લોકો તેમના રોગો અંગે અજાણ હોય છે.
  • ડાયાબિટીસના દર ત્રણમાંથી એક અને લોહીના દબાણના પાંચમાંથી એક વ્યક્તિને કિડનીની તકલીફ થવાનું જોખમ છે.
  • 50 લાખથી વધુ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે.
  • ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગનાં અંતીમ તબકકામાં જીવનભર નિયમિત ડાયાલીસીસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડે છે. કિડની ટ્રાન્સપ્લાપન્ટેશન ભારે ખર્ચાળ, કિડની ન મળી શકવાથી અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને કારણે ખૂબ જ થોડા દર્દીઓમાં શક્ય બને છે.
  • યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે.
  • વિશ્વ કિડની દિવસનો હેતુ લોકોમાં કિડનીનાં રોગો અંગે જાગૃતિ કેળવવી અને તેને થતા અટકાવવા, તેનું વહેલું નિદાન કરવું અથવા અને સમયસરની યોગ્ય સારવાર કરવી તે છે.

કિડનીના રોગો અંગે ચોંકાવનારી માહિતીઓ

કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ર્ન થવાનો ભય રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.