Abtak Media Google News

કોર્પોરેશનની પોતિકી આવકમાં 700 કરોડ અને રાજ્ય સરકાર-કેન્દ્ર સરકારની ગ્રાન્ટની આવકના અંદાજમાં 513 કરોડની તોતીંગ ઘટ્ટ: અનેક પ્રોજેક્ટ માત્ર ફાઇલોમાં જ રહેશે

દર વર્ષે અંદાજપત્રનું કદ વધારવું તેવી વણલખી પરંપરામાં કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ ગજાબહારના મહાકાય પ્રોજેક્ટમાં બજેટમાં મૂકી દેતાં હોય છે. જેની સામે પ્રયાપ્ત આવક ન થવાના કારણે બજેટનું કદ 50 ટકાએ પણ પહોંચતું નથી. ચાલુ વર્ષે પણ આવકના અંદાજો ખોટા પડવાના કારણે બજેટમાં 1 હજાર કરોડથી પણ વધુનું ગાબડું પડે તેવી દહેશત ઉભી થવા પામી છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ-2022-23નું રૂ.2334 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. હવે નાણાકીય વર્ષ પુરૂં થવાના આડે માત્ર ત્રણ મહિનાનો સમય જ બાકી રહ્યો છે ત્યારે બજેટનું કદ માત્ર 1300 કરોડ આસપાસ પહોંચે તેવું હાલ દેખાઇ રહ્યું છે. બજેટમાં કોર્પોરેશને પોતિકી આવક અર્થાત પ્રોપર્ટી ટેક્સ સહિત અલગ-અલગ વેરાની આવક, જમીન વેંચાણની આવક, હોર્ડિંગ્સ-બોર્ડની આવક, આવાસ યોજના હપ્તા પેટે થનારી આવક, શોપિંગ સેન્ટરની દુકાનોના વેંચાણથી થતી આવકનો અંદાજ રાખી કુલ 1300 કરોડની આવક થશે. તેવું બજેટમાં જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન હાલની સ્થિતિ જોવામાં આવે તો કોર્પોરેશનને માત્ર 600 કરોડ રૂપિયાની આવક થવા પામી છે. જમીન વેંચાણ માટે જે 400 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો તે પૂરો ન થાય તે ફાઇનલ મનાય રહ્યું છે. કારણ કે સરકાર દ્વારા અનામત જમીન વેંચાણ માટે મંજૂરી આપવામાં આવતી નથી.

આ ઉપરાંત બજેટમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટ મહાનગર પાલિકાને કુલ 968 રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેવો અંદાજ રાખવામાં આવ્યો હતો. જેની સામે હાલ 455 કરોડ જ ફાળવવામાં આવ્યા છે. પોતિકી આવકમાં 600 કરોડ અને સરકારની ગ્રાન્ટમાં 455 કરોડનું ગાબડું પડે તેવું હાલ લાગી રહ્યું છે. આ તમામ બાબતોને ધ્યાન રાખવામાં આવે તો કોર્પોરેશનના ચાલુ સાલના બજેટમાં 1000 કરોડનો ખાડો પડે તેવું લાગી રહ્યું છે.

હાલ મહાપાલિકામાં બજેટ બનાવવા માટેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે પરંતુ બાંધકામ શાખા અને આવાસ યોજના વિભાગ સહિતની સાત શાખાઓ દ્વારા આવક-જાવકના આંકડાઓ આપવામાં આવ્યા ન હોવાના કારણે રિવાઇઝ્ડ બજેટ અને નવા વર્ષનું બજેટ તૈયાર કરી શકાયું નથી. જાન્યુઆરી અંત સુધીમાં મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટિ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. જેના પર એક સપ્તાહ સુધી અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી બજેટને બહાલી આપી આખરી મંજૂરી માટે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.