Abtak Media Google News

આધાર સાથે જોડાયેલા ન હોય તેવા 3 કરોડ રેશનકાર્ડ ઉપર અનાજ આપવાનું બંધ કરી દેવાના સરકારના નિર્ણયને ગંભીર ગણાવતી સુપ્રીમ કોર્ટ

ભૂતિયા રેશનકાર્ડ ઉપર રોક લગાવવા સરકારે આધાર લિંક ફરજિયાત કરાવવાનો નિર્ણય લીધો, બદનસીબે આ નિર્ણયથી અનેક ગરીબો અંટાયા

આધાર વિનાના આધારને સરકાર નિરાધાર ગણી રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. જે રેશનકાર્ડ આધાર સાથે લિંક ન હોય તેનું અનાજ બંધ કરી દેવાના નિર્ણયને સુપ્રીમે ગંભીર ગણાવ્યો છે. જો કે બીજી તરફ સરકારનું સ્ટેન્ડ જોઈએ તો સરકારે ભૂતિયા રેશનકાર્ડ ઉપર રોક લગાવવા સરકારે આધાર લિંક ફરજિયાત કરાવાનો નિર્ણય લીધો હતો. પણ આ નિર્ણયથી  અનેક ગરીબો અંટાઇ ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં ભૂતિયા કાર્ડ વ્યાપક પ્રમાણમાં વધ્યા હતા. ગુજરાતમાં તો એક સમયે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલનું પણ ભૂતિયા કાર્ડ બની ગયું હતું. આ દુષણ ડામવા સરકારે અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. જેમાં એક નિર્ણય એવો પણ સરકારે જાહેર કર્યો હતો કે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ ફરજિયાતપણે લિંક કરાવવું. જે રેશનકાર્ડ ધારક પુરા પરિવારના આધારકાર્ડ રેશનકાર્ડ સાથે લિંક ન કરાવે તેનું રેશનકાર્ડ નોન એનએફએસએ કેટેગરીમાં નાખીને તેને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવતું હતું.

સૌરાષ્ટ્રમાં આવા મોટી સંખ્યામાં રેશનકાર્ડ છે. જેમાં રેશનકાર્ડ ધારકોએ કોઈ કારણ સબબ આધારકાર્ડ જમા ન કરાવ્યું હોય. ઘણા કિસ્સામાં આખા પરિવાર પાસે આધારકાર્ડ નથી અને ઘણા કિસ્સામાં રેશનકાર્ડ જ ભૂતિયા હોય છે. સરકારે ભૂતિયાં રેશનકાર્ડ બંધ કરાવવા આ નિર્ણય લીધો હતો. પણ તેને કારણે અનેક ગરીબ લોકોનો પણ મરો થઈ ગયો છે. ઘણા પરિવારો એવા છે જેમને કોઈએ મદદ કરીને રેશનકાર્ડ મેળવી દીધું હોય અને તેનાથી મળતા અનાજને તેઓ ઉપયોગમાં લેતા હોય પણ તેઓ પાસે આધારકાર્ડ ન હોવાથી જે અનાજ મળતું બંધ થઈ જતા તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે આ નિર્ણયથી ગરીબોને મોટો ફટકો પડયો હોય તેવુ પણ ધ્યાને આવ્યું છે. દેશમાં ભૂખમરાના કારણે થતા મોતની ગંભીર નોંધ લેતા સુપ્રીમ કોર્ટે બુધવારે આધારકાર્ડ સાથે લિંક ન થયા હોય તેવા અંદાજીત 3 કરોડ રેશનકાર્ડનું અનાજ બંધ થવાના મામલાને અત્યંત ગંભીર ગણાવી કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ વી.સુબ્રહ્મણીયમે જણાવ્યું હતું કે આ મામલાને વિપરીત દ્રષ્ટિએ જોયા વિના અત્યંત ગંભીરતાથી લેવો જોઈએ. સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ કોલીન ગોન્સાલીવસે અરજકર્તા કોઇલી દેવી વતી જણાવ્યું હતું કે આ એક વ્યાપક મામલો છે. ત્યારબાદ સુપ્રીમે કહ્યું હતું કે અમે આ મામલાને અંતિમ સુનાવણી માટે હાથ ધરીશું. ચીફ જસ્ટિસ બોબડેએ જણાવ્યું હતું કે આ એક ગંભીર સમસ્યા છે. અને બોમ્બે હાઇકોર્ટના મારા કાર્યકાળ દરમિયાન હું આ પ્રકારના કેસની સુનાવણી કરી ચુક્યો છું. મને લાગે છે કે અરજકર્તાએ આ મામલાને સંબંધિત હાઇકોર્ટ સમક્ષ ઉઠાવવો જોઈતો હતો. પરંતુ અરજકર્તાએ અલગ પ્રકારની રાહતની માંગ કરીને મામલાનો દાયરો વિસ્તારી દીધો છે. ગોન્સાલીવસે દલીલ કરી હતી કે કેન્દ્ર સરકારે 3 કરોડ જેટલા રેશનકાર્ડનું અનાજ બંધ કરી દીધું છે. તે એક મહત્વનો મુદ્દો છે. તેથી કોર્ટે જણાવ્યું હતું કે અમે આ મામલાબી સુનાવણી કરીશુ.

આધાર કાર્ડ લિંક ન થયા હોય તેવા રેશનકાર્ડને નોનએનએફએસએ કેટેગરીમાં નાખી દેવાય છે

ગુજરાત રાજ્યમાં એપીએલ એનએફએસએ, અંત્યોદય યોજના અને બીપીએલ એનએસએસએ કેટેગરીના રેશનકાર્ડ ઉપર અનાજ આપવામાં આવે છે. આ કેટેગરીના રેશનકાર્ડધારકે પુરા પરિવારના આધારકાર્ડ પોતાના સસ્તા અનાજના દુકાનદાર સમક્ષ રજુ કરાવવાનો નિણર્ય આવ્યો હતો. જે રેશનકાર્ડ ધારકો આધારકાર્ડ લિંક કરાવી શક્યા ન હતા. તેઓના રેશનકાર્ડની કેટેગરી સરકાર દ્વારા બદલીને નોન એનએફએસએ કરી દેવામાં આવી છે. અને તેઓને આપવામાં આવતું અનાજ બંધ કરી દેવામાં આવ્યું છે. હવે આ રેશનકાર્ડ ધારક પુરા પરિવારના આધારકાર્ડ જમા કરાવે તો ફરી તેના રેશનકાર્ડને એનએફએસએ કેટેગરીમાં સમાવવાની કાર્યવાહી કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.