Abtak Media Google News

દિવ્યાંગ અરજદારે ૭ વર્ષ જૂનું સોગંદનામું રજૂ કરીને વારસાઈ એન્ટ્રી પડાવવાની હઠ પકડી પરિવાર સાથે તાલુકા મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા કુવાડવા પોલીસે કરી અટકાયત

પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમયસૂચકતાથી દિવ્યાંગ અરજદારને સમજાવી નવા સોગંદનામાના આધારે એન્ટ્રી પડાવી દઈને મામલો થાળે પાડ્યો : પ્રાંતની કાર્યવાહીથી દિવ્યાંગે સંતોષ વ્યકત કર્યો

રાજકોટ તાલુકાના સૂર્યા રામપરા ગામની જમીનની વારસાઈ એન્ટ્રી જુના સોગંદનામાંના કારણે નામંજૂર થયા બાદ એક દિવ્યાંગ અરજદારે નાયબ મામલતદાર ઉપર લાંચના આક્ષેપો કરીને ટ્વીટર ઉપર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. જેથી પોલીસે તેની અટકાયત કરી લીધી હતી. બાદમાં પ્રાંતે હકારાત્મક અભિગમથી આ અરજદારને સમજાવીને નવા સોગંદનામાના આધારે એન્ટ્રી પડાવીને મામલો થાળે પાડ્યો હતો. સામે અરજદારે પણ પ્રાંતની કાર્યવાહીથી સંતોષ વ્યકત કર્યો હતો.
5.Friday 1 1 E1584099928636

Advertisement

રાજકોટ તાલુકાના સૂર્યા રામપરા ગામની સર્વે નંબર ૮૪ પૈકી ૩ વાળી જમીનની વારસાઈ નોંધ કરાવવા માટે વિજય કુમારખાણીયા નામના દિવ્યાંગ અરજદારે તાલુકા મામલતદાર કચેરીમાં ધોરણસર અરજી કરી હતી. જેમાં તેણે સોગંદનામું ૭ વર્ષ જૂનું આપ્યું હોય હાલની વહેંચણીનું સોગંદનામું રજૂ કર્યું ન હોય નાયબ મામલતદારે નોંધ નામંજૂર કરીને નવેસર્ટીઈ અદ્યતન સોગંદનામું રજૂ કરી ફરીથી નોંધ દાખલ કરવાનું કહ્યું હતું. બાદમાં દિવ્યાંગ અરજદારે પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર નાયબ મામલતદાર ઉપર પૈસા માંગ્યાના આક્ષેપો કરીને પરિવાર સાથે તાલુકા મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ ચીમકીના પગલે કુવાડવા પોલીસ દ્વારા વિજય કુમારખાણીયાની તેના ઘરેથી અટકાયત કરી લીધી હતી. બાદમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે માનવતાવાદી અને હકારાત્મક અભિગમ અપનાવીને આ દિવ્યાંગ અરજદારને પોતાની કચેરીએ લઈ આવવાનું પોલીસને કહ્યું હતું. કચેરીમાં દોઢ કલાક જેટલો સમય સમજાવટ ચાલી હતી. જેમાં પ્રાંત અધિકારીએ અરજદારને નવુ સોગંદનામુ રજૂ કરવા જણાવ્યું હતું અને તુરંત નવા સોગંદનામાના આધારે તેમની વારસાઈ એન્ટ્રી પડાવવાની કાર્યવાહી કરી દીધી હતી.

આ બનાવ અંગે નાયબ મામલતદારે જણાવ્યું કે વારસાઈ એન્ટ્રી માટે ૬ મહિના સુધીનું સોગંદનામું જ માન્ય ગણવામાં આવે છે. આ નોંધ માટે તા. ૨૪/૦૧/૨૦૧૩નું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જે કાયદા મુજબ ગેરલાયક ગણાતું હોવાથી નોંધ નામંજુર કરવામાં આવી હતી. દિવ્યાંગ અરજદારે જણાવ્યું હતું કે તેઓને નાયબ મામલતદારે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર એન્ટ્રી નામંજૂર કરી દીધી હતી. તેઓને એક તક આપવામાં આવી ન હતી. માટે તેઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર પ્રશ્ન કાયદાની અજ્ઞાનતાને કારણે ઉદ્દભવ્યો હોવાનું જણાય આવે છે. જો કે આ પ્રશ્નનો પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે હકારાત્મક અભિગમથી ઝડપી રીતે સુખદ અંત લાવ્યો હતો અને સામે દિવ્યાંગ અરજદારે પ્રાંતની કાર્યવાહીથી સંતોષ પણ માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.