Abtak Media Google News

વિકલાંગજન અને દિવ્યાંગજન શબ્દો સામાન્ય રીતે સરખા અર્થમાં આપણે વાપરીએ છીએ. બન્નેનો અર્થ એ થાય કે જે વ્યકિતમાં શારીરિક અથવા માનસિક ખોડખાંપણ હોય તે વિકલાંગ અથવા દિવ્યાંગ તરીકે ઓળખાય.

પરંતુ મારી નજરમાં આ તો એક બાહ્મ શરીરની શારીરિક કે માનસિક ખોડખાંપણની વાત થઇ. તો આ બે શબ્દોમાં ફરક શી રીતે કરવો જોઇએ?

મારું માનવું છે કે દિવ્યાંગ એક એવી વ્યકિત છે કે જેને ભગવાને કોઇ દિવ્ય શકિત એટલે કે કોઇ અંગ કે ઇન્દ્રિયોની જગ્યા પર અન્ય કોઇ દિવ્ય ઇન્દ્રિયો કે અંગ આપેલા છે. જયારે વિકલાંગ એક એવી વ્યકિત છે કે જેને ભગવાને બધા જ અંગ અને ઇન્દ્રિયો આપી છે છતાં એનો ઉપયોગ કાં તો ગેરમાર્ગે અથવા તો ઉપયોગ જ થતો નથી.

જુદા જુદા અંગોના આધાર પર વિકલાંગ અને દિવ્યાંગમાં અંતર દેખાય છે.

જેને હાથ જ ન હોય તે દિવ્યાંગ હોઇ શકે, પરંતુ હાથ હોવા છતાં બીજાની મદદ માટે એ હાથ ન ઉઠે, તે વિકલાંગ

જેને પગ જ ન હોય તે દિવ્યાંગ હોઇ શકે, પરંતુ પગ હોવા છતાં ખોટા રસ્તા પર ચાલે છે, તે વિકલાંગ

જેને આંખ જ ન હોય તે દિવ્યાંગ હોઇ શકે, પરંતુ આંખ હોવાછતાં જે બુરાઇને જુએ, આંખનો ખરાબ ઉપયોગ કરે તે વિકલાંગ

જેનામાં બોલવાની ક્ષમતા જ ન હોય તે દિવ્યાંગ હોઇ શકે, પરંતુ જે જીભનો ખોટો ઉપયોગ કરે તે વિકલાંગ અને

વિકલાંગ એ નહીં જેનામાં કોઇ અંગની ખામીછે, અસલી વિકલાંગ તો એ છે કે જેની અંદર પ્રેમ, કરુણા અને માનવતા જ મરી પરવારી છે.

મોટાભાગના આપણે પરિપૂર્ણ શરીર અને મન હોવા છતાં પણ વિકલાંગની જીંદગી જ જીવી રહ્યા છીએ.

દિવ્યાંગજનો આપણને ઘણી બધી વાત શીખવાડી જાય છે. જે આપણા જીવનને દિવ્યતા અર્પી શકે છે. અંધકારથી પ્રકાર તરફ લઇ જઇ શકે છે.

વ્યકિત શરીરથી દિવ્યાંગ નહીં, મનથી હોય છે. મન જેના નબળા હોય એને રસ્તા જડતા નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતા નથી.

નીચે પડવું એ એક અકસ્માત છે, પરંતુ નીચે પડયા રહેવું એ આપણી ઇચ્છા છે, આપણો નિર્ણય છે.

ગમે તેવી પરિસ્થિતિ મને પૂર્ણતા સુધી પહોચતા રોકી શકે નહી.

વ્યકિતને આંખની નહીં, દ્રષ્ટિની જરુર છે. કુદરતે જે આપ્યું છે. તેની કદર કરો.

જીવનના પડકારો આપણી માન્યતાઓને મજબૂત કરવા માટે છે, ડગમગતા માટે નહીં.

આપણી સફળતા અને ખુશી આપણામાં છે. મજબુત સંકલ્પથી જ આપણે ગમે તેવી મુશ્કેલીમાં પણ આનંદમાં રહી શકીશું.જીવન એક મધુર યાત્રા છે એને જો જાત્રામાં પરિવર્તીત કરવામાં આવે તો ગમે તે વિપરીત સંજોગોમાં, મુશ્કેલ ક્ષણોમાં, વિચલીત ન થતાં અનેક દિવ્યાંગો માફર મુશ્કેલ ક્ષણોનો સામનો કરીને દિવ્યાંગજન બની શકીએ. અંધારામાંથી પરમ તે જે જઇ શકીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.