Abtak Media Google News
  • રાજકોટ, અમદાવાદ અને ખંભાળિયાના ભૂ-માફિયાઓ વિરુદ્ધ ગુન્હો : 4ની ધરપકડ

ખંભાળિયામાં બોગસ કુલમુખત્યારનામાના આધારે રૂ. 7 કરોડની આશરે પોણા પાંચ વીઘા જમીનનો બોગસ દસ્તાવેજ કરી જમીન કૌભાંડ આચરી લેવાયાની ફરિયાદ નોંધાઈ છે. મામલામાં રાજકોટ, અમદાવાદ અને ખંભાળિયાના કુલ 7 જેટલાં ભૂ-માફિયાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે.

મામલામાં ખંભાળિયા માર્કેટીંગ યાર્ડના પૂર્વ સેક્રેટરી રશ્મિનભાઈ શુક્લએ ફરિયાદ નોંધાવી છે. રશ્મિનભાઈ શુક્લના જણાવ્યા અનુસાર ખંભાળિયાના હર્ષદપુર વિસ્તારમાં આવેલી રેવન્યુ સર્વે નંબર 110 અને 125ની 75 ગુંઠા જમીન એટલે કે આશરે પોણા પાંચ વીઘા જમીન કે જેની બજાર કિંમત આશરે રૂ. 7 કરોડ ગણવામાં આવે છે. તે જમીન રાજકોટ, અમદાવાદ અને ખંભાળિયાના ભૂ-માફિયાઓએ ભેગા મળીને પચાવી લેવા માટે કૌભાંડ આચર્યું છે. તેમણે નોંધાવેલી આઈપીસીની કલમ 465,667,471,120બી હેઠળની ફરિયાદ ઉપરથી કાંતિલાલ પ્રભાશંકર જોશી રહે. રાજકોટ, બહેરામશા શહીયર કુપર રહે. અમદાવાદ, હુસેન ઈશાભાઈ લંઝા રહે. રાજકોટ, મધુકાન્ત મોહનલાલ શાહ રહે. રાજકોટ, સદુભા નવુભા જાડેજા રહે. કાલાવડ, હબીબ હાજીભાઇ કુરેશી રહે. રાજકોટ, મહેન્દ્રસિંહ જશુભા જેઠવા રહે. કજૂરડા – ખંભાળિયા વાળા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદી રશ્મિનભાઈ શુક્લએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ જમીન છેલ્લા 125 વર્ષથી અમારા પરીવારની છે અને મારા મામા કાંતિલાલ પ્રભાશંકરના નામના 7/12 પણ હજુ ચાલુ છે. હું આ જમીનની દેખરેખ રાખું છું. વર્ષ 1954માં જયારે ખંભાળિયા ગ્રામ પંચાયત બની ત્યારે આ જમીન કાંતિલાલ પ્રભાશંકરના નામે ચડી હતી. વર્ષ 2018માં કાંતિલાલ પ્રભાશંકરના ભળતા નામવાળી વ્યક્તિના ખોટા આધારકાર્ડ સહિતના કાગળો તૈયાર કરી જમીનનું બોગસ કુલમુખત્યારનામું બહેરામશા કુપરના નામે કરી નાખવામાં આવ્યું હતું.જે બોગસ કુલમુખ્ત્યારનામાના આધારે કુપરે હુસેન લંઝા અને મધુકાંત શાહના નામે દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો હતો. જો કે, સ્ટેમ્પડ્યુટી નહિ ભરાતા આ દસ્તાવેજ સરેન્ડર થઇ ગયો હતો. જે બાદ ફરીવાર આ જમીનનો અન્ય એક દસ્તાવેજ સદુભા જાડેજાના નામે કરી દેવામાં આવ્યો હતો.

મામલામાં હાલ સુધીમાં આરોપી હુસેન લંઝા, હબીબ કુરેશી, સદુભા જાડેજા, મહેન્દ્રસિંહ જેઠવા નામના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં મામલામાં કોઈ અન્યની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવનારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.