કલેક્ટરના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ સ્કીલ કમિટિની બેઠક યોજાઇ

રોજગારી માટે તાલીમ આપતી સંસ્થાઓનું એક પ્લેટફોર્મ બનાવી જિલ્લાના સ્કીલ ડેવલમેન્ટ પ્લાનની સમીક્ષા કરાય

 

અબતક, રાજકોટ

યુવાનોમાં રોજગારી માટે કૌશલ્યવર્ધન કરી તેમને સ્થાનિક પ્રદેશ – જિલ્લાની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરિયાત મુજબની રોજગારી મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત યોજનાની અમલવારી કરીને રાજકોટ જિલ્લા માટેના સ્કીલ ડેવલપમેન્ટ અંગે બનાવવામાં આવેલ પ્લાનની કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને સમીક્ષા કરવામાં આવી હતી.

સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત યુવાનોને વિશેષ તાલીમ મળે અને રોજગારીના નવા દ્વાર ખુલે તે માટે રાજકોટ જિલ્લામાં સરકારની માર્ગદર્શિકા ઉપરાંત વિશેષ પ્રયત્નો કરીને જિલ્લા ઉપરાંત તાલુકા કક્ષાનો પણ સ્કીલ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમ રાજકોટ આઈ.ટી.આઈ.ના પ્રિન્સિપાલ અને આ યોજનાના નોડલ ઓફિસર નિપુણ રાવલે  માહિતી આપતાં જણાવ્યું હતું.

કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લામાં રોજગારી માટે તાલીમ આપતી સંસ્થાઓના નોડલ અધિકારીઓને કોરોના કાળમાં જેમની નોકરી છૂટી ગઈ છે, તેમને રોજગારી મળે ઉપરાંત વિચરતી વિમૂક્ત જાતિના લોકોને પણ યોગ્ય તાલીમ આપીને તેમને રોજગારી માટે સ્થાયી કરવા માટે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે અનુબંધમ પોર્ટલ અંગે સૌને માહિતગાર કરી રોજગારી માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંતર્ગત નોંધણી થાય અને નોકરીદાતા અંગેની માહિતી પણ રોજગાર વાંચ્છુઓને મળી રહે તે માટે વિગતો આપવામાં આવી હતી. આ મિટિંગમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એમ એમ.પંડ્યા, નાયબ નિયામક  સી.એન. મિશ્રા, જિલ્લા ખેતીવાડી અધિકારી ટીલવા, જિલ્લા આંકડા અધિકારી તેમજ રોજગાર કચેરીના નાયબ નિયામક ચેતન દવે, તેમજ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટના અધિકારી હિરલ ચંદ્ર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા