Abtak Media Google News

ઐતિહાસિક શહેરની ધરોહરનું યાદગાર સંભારણુ નવા વૈભવ સાથે લોકોની નજરમાં આવશે

આગ્રામાં આવેલ તાજમહેલની ગરજ સારે એવા ઐતિહાસિક નગરી જૂનાગઢ સ્થિત કલાત્મક બાંધકામની અજોડ કલાકૃતિનું નજરાણું એવા મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરાની રીનોવેશનની કામગીરી મહદ અંશે પૂર્ણતાના આરે છે, ત્યારે જુનાગઢના બને મકબરા હવે ટૂંક સમયમાં જ નવું નજરાણું બની જશે અને જૂનાગઢના ભવ્ય ઇતિહાસનું યાદગાર સંભારણું એક નવા વૈભવ સાથે લોકોની નજરે આવશે તે દિવસો હવે દૂર નથી.

ઐતિહાસિક નગરી ગણાતા એવા જુનાગઢ  શહેરમાં આવેલ મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરો જે આગ્રામાં આવેલ તાજમહેલની ગરજ સારી રહ્યા છે. પરંતુ આ મકબરા વર્ષો પૂર્વે બાંધવામાં આવેલ હોય જેના કારણે વાતાવરણ, આબોહવા તથા વીતી ગયેલા અનેક વર્ષોને કારણે જર્જરિત થઈ રહ્યા હતા તથા અમુક આવારા તત્વો અને ચોર ઈસમો દ્વારા આ મકબરામાં નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

આ દરમિયાન જૂનાગઢના પનોતા પુત્ર અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવહરભાઈ ચાવડા ઉપર ભાજપ સરકારે વિશ્વાસ મૂકી પ્રવાસન મંત્રીનો હવાલો સોંપતા જવાહર ભાઈ ચાવડાએ સૌ પ્રથમ જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને ફરી એક વખત જૂનાગઢનું આભૂષણ બની દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના પ્રવાસે આવે એ માટે શુભ ચિંતન કરી, શહેરના મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરા તથા ઉપરકોટની રીનોવેશનની કામગીરી સરકાર દ્વારા હાથ ધરાય તે માટેની કામગીરી પૂર્ણ કરાવી સરકાર લેવલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હતી.

દરમિયાન આ બને મકબરાના રીનોવેશનની કામગીરી રાજ્યના પ્રવાસન મંત્રી જવહરભાઈ ચાવડાની નજર તળે કરોડોના ખર્ચે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને છેલ્લા ઘણા મહિનાઓથી પ્રવાસીઓની મુલાકાત માટે આ બંને મકબરા બંધ કરવામાં આવ્યા હતા, રીનોવેશનનું કામ દિવસ રાત યુદ્ધના ધોરણે પરંતુ પૂરતી સાવચેતી સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જો કે, પ્રાપ્ત માહિતી મુજબ મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરાની રીનોવેશનની કામગીરી અંતિમ સીમાએ પહોંચી ગઈ છે અને બહાઉદ્દીન મકબરાની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ ચૂકી છે.

જૂનાગઢના બને ઐતિહાસિક મકબરાના રીનોવેશનની કામગીરીનો લેબલ કોન્ટ્રાક્ટ હેરિટેજ ક્ધસટ્રકસન અને રિસ્ટોરેસન કંપનીના કિશોરભાઈ હડીયલને આપવામાં આવ્યો હતો. આ બાબતે કિશોરભાઈ હડીયલના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતના સિમેન્ટ, રેતી, કાકરીના વપરાશ વગર કરોડોના ખર્ચે હેરિટેજ બિલ્ડીંગ જે રીતના હતી તેજ રીતે રિસ્ટોરેશન કામ શરૂ કર્યું હતું,અને હાલમાં  મહમદ મકબરાનું કામ અંતિમ સીમાએ પહોંચી ગયું છે અને બહાઉદ્દીન મકબરાની કામગીરી મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે. જૂનાગઢના બને મકબરા હવે ટૂંક સમયમાં જ નવું નજરાણું બની જશે અને જૂનાગઢના ભવ્ય ઇતિહાસનું યાદગાર સંભારણું એક નવા વૈભવ સાથે લોકોની નજરે આવશે તે દિવસો હવે દૂર નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.