Abtak Media Google News

ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નેપાળ નાસી જાય તે પૂર્વે 6 શખ્સોને દબોચી લીધા: સોના-ચાંદીના ઘરેણા મળી 4.63 લાખના મુદ્ામાલ કબ્જે

સૂત્રધાર સાગ્રીતને વોચમેન-વેઇટરમાં નોકરીએ રખાવી ચોરીના ગુનાઓને અંજામ અપાવી વતન નાસી જતા: ભેદ ઉકેલનારને ઇનામ

રાજકોટના પૂર્વ અધિક કલેકટરના બંગલા સહિત બે મકાનને નિશાન બનાવી રૂા. 4.63 લાખની મતાની ચોરીનો ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નેપાળ નાશી તે પૂર્વે ગેંગના 6 શખ્સોને ઝડપી લઇ સોના-ચાંદીના ઘરેણા મળી રૂા.4.63 લાખનો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજકોટના પૂર્વ એડીશ્નલ કલેકટર (હાલ અમદાવાદ) પરીમલભાઇ પંડયાના એરપોર્ટ રોડ પર આવેલી વસુધરા રેસીડન્સીમાં બંધ બંગલો નં. 93માં ગત તા. 24/10ના રોજ ચોરીનો બનાવ બનેલો જે અંગે તેમના પત્નિ કિરણબેન પંડયાએ  ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગત તા. 23/10 સુરત ગયા હતા. જ્યાથી બીજા દિવસે પરત ઘરે આવ્યા ત્યારે દરવાજાનો નકુચો તૂટેલો હતો અંદર જતાં ઉપરના માળેથી કોઇ વસ્તુ પડવાનો અવાજ આવતા જોવા જતાં એક અજાણ્યો શખ્સ ગેલેરીમાંથી કૂદીને ભાગી ગયો હતો. જેની સાથે બીજા બે શખ્સો પણ હતા. જેથી કિરણબેને તપાસ કરતા રૂમના કબાટમાંથી તસ્કરો સોના – ચાંદીના દાગીના અને 30 હજારની રોકડ મળી કુલ રૂા. 3.10 લાખની ચોરી કરી ગયા હતા.

જ્યારે તસ્કરો અધિક કલેકટરના બંગલાને નિશાન બનાવતા પહેલા વૈશાલીનગરમાં હોમિયોપેથી તબીબના મકાનમાંથી પણ ચોરી કરી હતી. આ અંગે વૈશાલીનગર શેરી નં. 5માં રહેતા અને મુળ થાનગઢના હોમિયોપેથી ડોકટર નીરવભાઇ નીતીનભાઇ લખતરીયા (ઉ.વ. 31)એ ગાંધીગ્રામ પોલીસમાં નોંધાવી છે. આ અધિક કલેક્ટર અને તબીબના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ અને ખાનગી સર્વલેન્સના આધારે આ ચોરીના ગુંનામાં નેપાળી ગેંગ હોવાનું ખૂલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે. ગઢવી સહિતના સ્ટાફ દ્વારા શહેરની હોટેલમાં કામ કરતાં વેઇટરો અને ચોકીદારી કરતા નેપાળી શખ્સોની ઓળખ મેળવવા પીએસઆઇ પી.બી. જેબલીયા સહિતના સ્ટાફ દ્વારા હાથધરવામાં પેટ્રોલીંગ આવ્યો હતો.

આ ચોરીના ગુંનામાં વોચમેન સંજય ઉર્ફે બહાદુર નેપાળી, નમરાજ સરફ નેપાળી, વીકી જયસિંગ નેપાળી, અભિદલ નેપાળી, રોહન સરફ નેપાળી અને મનોજ ખુસમનાને સહિતના શખ્સો આ ચોરીમાં સંડોવાયા હોવાની હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, મૈસૂરભાઇ અને પ્રતાપસિંહ મોયાને મળેલી બાતમીના આધારે 6 શખ્સોને ઉઠાવી લઇ આકરી પૂછપરછ કરતા તપાસમાં ભાંગી પડ્યા હતા અને ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ઝડપાયેલ શખ્સ પાસેથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.4.63 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.

ઝડપાયેલ ગેંગનો સૂત્રધાર સંજય ઉર્ફે બહાદુર પરિયાર નામનો શખ્સ ભારતમાં છેલ્લા 10 વર્ષથી અલગ-અલગ રાજ્યમાં રહી પોતાના સાગરીતોને નેપાળથી બોલાવી રેસ્ટોરન્ટમાં વેઇટર અને વોચમેન તરીકે નોકરીએ રખાવી ચોરીને અંજામ આપી અને વતન નાશી જતા હતા. આ ગુંનાનો ભેદ ઉકેલનાર ક્રાઇમ બ્રાન્ચની ટીમને પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલ દ્વારા રૂા.15,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

નોકરીએ રાખતા પહેલા જરૂરી માહિતી નજીકના પોલીસ મથકને આપવા અપીલ

શહેરની તમામ જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આપના ઘરે તથા ધંધાકીય સ્થળોમાં જ્યારે પણ કોઇ પરપ્રાંતીય કે નેપાળના માણસો કે વ્યક્તિઓને કોઇ પણ કામે રાખવામાં આવે તો તેઓના ફોટા જરૂરી ઓળખ પત્રોની નકલ તથા તેના મોબાઇલ નંબર તથા સંપૂર્ણ રહેઠાણની તથા તેના સગા-સંબંધીઓની માહિતી વિગેરે લઇ તેની એક નકલ પોતાની પાસે રાખી તથા એક નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં વેરીફીકેશન માટે જમા કરાવવા નમ્ર અપીલ છે તેમજ આગામી દિવાળીના તહેવારો નિમિતે રાજકોટ શહેરના નાગરિકો બહારગામ ફરવા જાય ત્યારે સ્થાનિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવે છે. જેથી આવા મિલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાવી શકાય તેવી પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.