Abtak Media Google News

આવકની તક કે રોજગારીના વિકલ્પ તરીકે નાણા જીતવા માટે ઓનલાઈન ગેમિંગ રજૂ નહીં કરી શકાય

ઓનલાઈન ગેમિંગ, ભ્રામક રમતો વગેરેની જાહેરાતો માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયે સુચનો બહાર પાડ્યા છે. આ માહિતી સુચનો ૧૫ ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે તેમ માહિતી પ્રસારણ તંત્રે જણાવ્યું છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આજે ઓનલાઈન ગેમિંગ, ભ્રામક રમતો વગેરે અંગે સુચનો બહાર પાડ્યા છે. આ માર્ગદર્શિકાનો ૧૫ ડિસેમ્બરથી અમલ થશે. મંત્રાલય દ્વારા પ્રસારણકર્તાઓને સલાહ આપવામાં આવી છે કેતે એડવર્ટાઈઝીંગ સ્ટાન્ડર્ડ કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના મુદ્દાઓનું પાલન કરે.

મંત્રાલયે એ પણ સુચિત કર્યું છે કે, જાહેરાતોમાં કાયદા અથવા કાયદા દ્વારા પ્રતિબંધિત કોઈપણ પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

ગેમિંગની કોઈપણ જાહેરાતમાં ૧૮ વર્ષથી નીચેની વય ધરાવતી વ્યક્તિ કે ૧૮ વર્ષથી ઓછી વય ધરાવતી વ્યક્તિને વાસ્તવિક નાણાં જીતવા માટે ઓનલાઈન ગેમિંગની ગેમ રમતી નહીં દર્શાવી શકાય અથવા આ પ્રકારની વ્યક્તિઓ ગેમ રમી શકે છે એવું સુચવી નહીં શકાય.

આ પ્રકારની દરેક ગેમની જાહેરાતમાં નીચેના અસ્વીકારણ દર્શાવવા પડશે. પ્રિન્ટ/સ્થિર: આ ગેમમાં નાણાકીય સંકળાયેલું છે અને તમને એની લત લાગી શકે છે. કૃપા કરીને જવાબદારી સાથે અમે તમારા પોતાના જોખમે રમો. આ પ્રકારનું અસ્વીકરણ જાહેરાતની ઓછામાં ઓછી ૨૦ ટકા જગ્યા રોકવું જોઈએ. એમાં એસસીઆઈની આચારસંહિતાના અસ્વીકારણની માર્ગદર્શિકા ૪ અસ્વીકારણના ધારાધોરણો પણ પૂર્ણ કરવા જોઈએ.

ઓડિયો/વીડિયો: આ ગેમમાં નાણાકીય જોખમ સંકળાયેલું છે અને તમને એની લત લાગી શકે છે. કૃપા કરીને જવાબદારી સાથે અને તમારા પોતાના જોખમે રમો. આ પ્રકારનું અસ્વીકારણ જાહેરાતના અંતે સામાન્ય બોલવાની ઝડપે વ્યકત થવું જોઈએ. એમાં જાહેરાત જેવી ભાષાનો ઉપયોગ કરવો પડશે. ઓડિયો/વિઝ્યુઅલ માધ્યમો માટે અસ્વીકાર ઓડિયો અને વિઝ્યુઅલ એમ બંને ફોર્મેટમાં આપવાની જરૂર રહેશે.

જાહેરાતોને ‘આવકની તક કે રોજગારીના વિકલ્પ તરીકે વાસ્તવિક નાણાં જીતવા માટેની ઓનલાઈન ગેમિંગ’ તરીકે રજૂ નહીં કરી શકાય. જાહેરાતમાં એવું સુચન ન થવું જોઈએ કે, ગેમિંગ એક્ટિવિટીમાં સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિઓની સરખામણીમાં એક અથવા બીજી રીતે વધારે સફળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.