Abtak Media Google News

દક્ષિણ ગુજરાતના દરેક તાલુકાને 10-10 પાંજરા અપાશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠકમાં લેવાયા નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની બેઠક મળી હતી. જેમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબાગાળાના સઘન રક્ષાત્મક પગલા લેવાનું વન વિભાગનું આયોજન હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ માટે ટ્રાન્ક્વિલાઈઝર ગન પૂરતા પ્રમાણ ખરીદવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં તાલુકા દીઠ 10 પાંજરાઓ ખરીદવામાં આવશે. ટ્રેપ કેમેરા અને રેડિયો કોલર દ્વારા દીપડાઓનું ટ્રેકિંગ-વર્તણુંકનો અભ્યાસ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફની 23મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના બે વિભાગોના 69668.51 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. તદઅનુસાર, સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી વ્યારાના ખેરવાડા, ટાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જંગલની માહિતી, ફ્લોરા અને ફૌનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માનવ જીવન વિકાસ સાથે વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણના જતન- સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આપેલા મિશન લાઇફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં રાજયના 7 અભયારણ્યમાં અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઈબર કેબલ, મોબાઈલ ટાવર્સ, રોડ-રસ્તા એમ 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ઘુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ-અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને શૂરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે.

વનમંત્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમારે પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા. રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ધર્ષણનાં બનાવો સામે વન વિભાગે લાંબાગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. અગ્ર મુખ્ય વનસંરક્ષક (વન્યપ્રાણી) નિત્યાનંદ વાસ્તવે આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તૃત કર્યુ હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, હિંસક દીપડાઓને ટ્રાન્ક્વિલાઈઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્ક્વિલાઈઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તાર પ્રમાણે વધુ ગીચતા હોઈ, માનવ વસ્તી આસપાસ આવી જતાં દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે. દીપડાઓની વર્તણુંકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કોલર કરવાનું કામ પણ વિભાગે કર્યું છે. પાંચ દીપડાઓને રેડિયો કોલર પણ કરવામાં આવેલા છે. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે તેમજ તાજેતરમાં પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.