Abtak Media Google News

જખ્ખ બૌંતેરા ભાતિગળ લોકમેળાનો પ્રારંભ

કચ્છના લોકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવતા ભાતિગળ લોકમેળાઓ: સાંસદ

કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના સાયંરા(યક્ષ) ખાતે સૌથી મોટા અને મીની તરણેતર યક્ષ બૌંતેરા ક્કડભીટના ભાતીગળ મેળાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધિવત શુભારંભ કરાવ્યો હતો.

1282મી વખત યોજાઈ રહેલા આ ભવ્ય મેળાનો પ્રથમવાર મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, યક્ષનો મેળો, માતાનો મઢ, હાજીપીર, કોટેશ્ર્વર, રવેચી, જેસલ-તોરલ સમાધિ, નારાયણ સરોવર અને લખપત ગુરુદ્વારા જેવા ધાર્મિક-ઐતિહાસિક સ્થાનકો કચ્છની આગવી લોક સંસ્કૃતિના ધબકાર છે.

કચ્છના લોકોએ ભૂકંપની વેદનામાંથી ફરી બેઠા થવા સાથે ઉત્સવો, મેળાઓની ઉજવણીથી જનજીવનને ધબકતું કર્યું છે. આ લોકપ્રિય યક્ષ મેળોનો શુભારંભ કરાવવાનો અવસર પ્રાપ્ત થયો તે બદલ મુખ્યમંત્રીએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ નાની ગ્રામ પંચાયતના સહયોગથી યોજાયેલા મોટા યક્ષના ભવ્યમેળાને ગ્રામ પંચાયતોના સશક્તિકરણનું જ્વલંત ઉદાહરણ ગણાવતા ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કચ્છની ગ્રામીણ સંસ્કૃતિને રણોત્સવથી વિકસાવવાનો અવસર સર્જીને કચ્છના સર્વગ્રાહી વિકાસને વાસ્તવિક બનાવ્યો છે. છેવાડાના અંતરિયાળ ગામો, સરહદી વિસ્તારો સુધી વિકાસ પહોંચાડી ગામડાઓનું સશક્તિકરણ કરતા ગ્રામ સ્વરાજનો વિચાર સાકાર કર્યો છે. મુખ્યમંત્રી આ પ્રસંગે મેળાના આયોજનમાં કોઈપણ પ્રકારની પડતી મુશ્કેલીના ઉકેલમાં રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપશે તેમ ધરપત આપી હતી.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, કચ્છ જે માત્ર રણપ્રદેશ તરીકે ઓળખાતું હતું ત્યાં આજે 30 હજાર મેગાવોટના હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે.  કચ્છમાં આજે અનેક મોટા ઉદ્યોગો ધમધમતા થયાં છે. ડેરી ઉદ્યોગ થકી કચ્છમાં પશુપાલનને નવી ઊંચાઈ મળી છે. ઊંટડીના દૂધમાંથી બનતી ડેરી પ્રોડક્ટ દેશભરમાં પહોંચી છે.

કચ્છના લોકોત્સવો, તહેવારો, મેળાઓ માણવા આવતા પ્રવાસીઓ સ્મૃતિવન સ્મારકની મુલાકાતે અવશ્ય જાય તેવું સ્મારક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. જેના થકી કચ્છમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળ્યો છે.મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કચ્છ આજે પરંપરાગત લોક સંસ્કૃતિની વિરાસત અને આધુનિકતાના સંગમ સાથે દેશભરમાં આત્મનિર્ભર બન્યું છે. પારંપારિક ઐતિહાસિક યક્ષનો લોકમેળો પણ વિવિધ કલાકૃતિ, રમકડાં, ખાન-પાન, મનોરંજનના સાધનોના માધ્યમથી સ્થાનિક રોજગારી વૃદ્ધિ અને ગ્રામીણ અર્થતંત્રની આત્મનિર્ભરતાનું પ્રતિક બન્યો છે.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા બારસો વર્ષની પરંપરા અનુસાર યક્ષના મેળાનું આયોજન કરવામાં આવે છે. મુખ્યમંત્રીને કચ્છની ધીંગી ધરા પર સ્વાગત કરીને સાંસદએ ઉમેર્યું હતું કે, આ લોકમેળો કચ્છના લોકોના હૃદ્યમાં એક આગવું સ્થાન ધરાવે છે. પવિત્ર યાત્રાધામના અંતગર્ત આ પાવન ધરાના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું સાંસદશ્રીએ જણાવ્યું હતું.અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આભારવિધિ કરતા આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી યક્ષના મેળાના શુભારંભ માટે પધાર્યા તે કચ્છ માટે અનેરો પ્રસંગ છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના વિઝનમાં કચ્છ પ્રવાસનના હબ તરીકે વિકસી આવ્યું છે. વડાપ્રધાન આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના પ્રવાસન સ્થળોનો વિકાસ કરી રહી છે તેમ જણાવીને ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરુદ્ધભાઈ દવે, ત્રિકમભાઈ છાંગા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, મેળા સમિતિ અધ્યક્ષ ધીરુભાઈ પટેલ, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ ધારાસભ્ય સર્વ રમેશભાઈ મહેશ્વરી,  પંકજભાઈ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય તેમજ જિલ્લા કલેકટર અમિત અરોરા, પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા તેમજ આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

પુંઅરેશ્ર્વર હેલીપેડ ખાતે મુખ્યમંત્રીને આવકારતા મહાનુભાવો

કચ્છના જિલ્લાના નખત્રાણાના સાયરા ખાતે કચ્છ જિલ્લાના સૌથી મોટા અને ઐતિહાસિક મોટા યક્ષના લોકમેળાનો શુભારંભ કરાવવા પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુંઅરેશ્ર્વર હેલિપેડ ઉપર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, આગેવાન દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓએ મુખ્યમંત્રીને કચ્છની ધરા ઉપર આવકારીને સ્વાગત કર્યું હતું.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.