Abtak Media Google News

વિંછીયા પંથકમાં સૌની યોજના સહિત વિવિધ વિકાસકામોની વાસંતી લહેર:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.337 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી થવાની કાર્યપધ્ધતિ સાથે ગુજરાત સરકાર કાર્યરત: ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ. 337.06 કરોડના સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9 સહિતના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

વિંછીયાના માર્કેટિંગ યાર્ડ પાસે યોજાયેલા આ કાર્યક્રમમાં જંગી મેદનીને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના લોકોને ધ્યાનમાં રાખીને, તેમના માટે યોજના બનાવીને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ પ્રયત્નશીલ છે. અમૃત કાળમાં દેશને વિકસિત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ માટે મુખ્ય ચાર જાતિઓ – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ – નક્કી કરી છે. ગુજરાતના બજેટમાં પણ આ ચાર જાતિઓના સર્વાંગી વિકાસ માટે અગ્રતા આપવામાં આવી છે.

Untitled 1 18

તેમણે જણાવ્યું હતું કે, આજનો આ અવસર આ ચાર જાતિઓને વિકાસની નવી દિશા આપતો બહુવિધ વિકાસનો અવસર છે. આજે 214 દિવ્યાંગોને રૂ. 28.93 લાખની સાધન સહાય, વિચરતી જાતિના 133 લાભાર્થીને આવાસ માટે પ્લોટની સનદનું વિતરણ એ સરકારની ગરીબ કલ્યાણની પ્રતિબદ્ધતા છે. આ જિલ્લાના યુવાનોને ટેકનિકલ તાલીમ થકી રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે નવ કરોડનું નવું આઈટીઆઈ ભવન યુવા વિકાસની આપણી નેમ છે.

સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ 9નું કામ રૂ.181 કરોડના ખર્ચે હાથ ધરવાની, ખાતમુહૂર્ત વિધિ એ અન્નદાતાને સિંચાઈ સુવિધાથી સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે. જ્યારે રૂ.139 કરોડના ખર્ચે જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના કામો, એ આ વિસ્તારની માતા બહેનોની-નારી શક્તિની પાણીની પીડા ભાંગવાનો પ્રયત્ન છે. વડાપ્રધાનએ વિકસાવેલી કાર્યપદ્ધતિ જે બોલવું એ કરવું તે સિદ્ધાંત પ્રમાણે ગુજરાત સરકાર કાર્ય કરી રહી છે.

તેમણે કહ્યું હતું કે, વિકાસ માટે વિવિધ યોજનાઓ આપવા સાથે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ આ યોજનાના લાભો છેક નીચે સુધી, છેલ્લી વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચે તેના માટે હરહંમેશ પ્રયત્ન કર્યો છે. જેની ગેરંટીના ભાગરૂપે  અને સરકારી યોજનાના લાભો છેવાડાના લોકોને મળવા જ જોઈએ એવી ગુજરાત સરકારની નેમ સાથે તાજેતરમાં રાજ્યના ગામો સુધી વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા યોજવામાં આવી હતી. આમ યોજનાના લાભોને લોકો સુધી પહોંચાડીને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવું છે. તેમણે કહ્યું હતું કે, “એક ભારત, શ્રેષ્ઠ ભારત” ની સંકલ્પનાને સાર્થક કરવા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી થવાની કાર્યપધ્ધતિ સાથે જનતાને કોઈ તકલીફ ન પડે તેવી રીતે કામો કરવામાં આવી રહ્યા છે. તમારા વિસ્તારની તકલીફો અને વિકાસ માટે જરૂરી કામોની વિગતો સરકાર સુધી પહોંચાડવાનું આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, નાગરિકોના પ્રશ્નોના ઉકેલ લાવીને તેને પૂરા કરવાની અમારી નેમ છે.

Img 20240216 Wa0234 3

વિકસિત ભારતના નિર્માણમાં જનતાની જવાબદારી અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણાં વિસ્તારમાં થયેલા વિકાસ કામોની જાળવણી કરવાની જવાબદારી આપણાં સૌની છે. આજે ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે સ્વચ્છતા પણ વિકસિત ભારતનો જ એક ભાગ છે. ગુજરાત વિકસિત ભારતના નિર્માણમાં સૌનો વિશ્વાસ, સૌના વિકાસ અને સૌના પ્રયાસ સાથે નેતૃત્વ લઈને આગળ વધશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ સંબોધનમાં જણાવ્યું હતું કે,  જસદણ-વિંછીયા પંથકને 337 કરોડના વિકાસકામોની ભેટ મળી રહી છે, તે આપણા માટે આનંદની વાત છે. આ પંથકના લોકોને વર્ષોથી પીવાના-સિંચાઈના પાણીની ઝંખના હતી. જેને દૂર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંકલ્પ લઈને સૌની યોજના શરૂ કરાવી હતી. જેના થકી હવે આ વિસ્તારમાં પીવા-સિંચાઈના પાણીની સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસના અનેક નવા સીમાચિહ્નો હાંસલ કર્યા છે. તેમના દ્વારા સૌરાષ્ટ્ર સમૃદ્ધ થાય તેવા અનેક પ્રકલ્પો મળ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ભારતની સમૃદ્ધિ માટે ગુજરાતની સમૃદ્ધિનો માર્ગ કંડારવા મજબૂત પગલાં લેવાઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, સૌની યોજના એ સૌરાષ્ટ્ર માટે નવા ભાગ્યનું અવતરણ છે. આજે લોકાર્પિત તેમજ ખાતમુહૂર્ત થયેલા વિકાસ કામોની વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, સૌની યોજનાની લિન્ક 1થી 4ના વિવિધ કામો થકી સૌરાષ્ટ્રની ધરતી હરિયાળી બની છે તેમજ ખેડૂતો પણ સમૃદ્ધ બનવા લાગ્યા છે. આ યોજના થકી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોને સિંચાઈ તથા પીવાનું પાણી ઉપલબ્ધ થવા લાગ્યું છે.

T1 49

આ તકે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આજે ખાતમુહૂર્ત થયેલા સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોની વિગતો સાથે તેનાથી લોકોને થનારા ફાયદાની વિગતો આપી હતી. આ સાથે ઘેલો નદી પર રૂ.5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં રૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણથી લોકોને મળેલી નવી સુવિધાઓ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. નર્મદા, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના સચિવ કે. એ.પટેલે સ્વાગત સાથે સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. તેમજ લોકર્પિત, ખાતમુહૂર્ત થનારા વિવિધ વિકાસકામોની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, સૌની યોજનાની લિન્ક-4ના તબક્કા-3 અંતર્ગત વિંછીયા તાલુકાના આસલપુર ગામ પાસે ફીડર પમ્પિંગ સ્ટેશન બનાવીને પાણી ધારૈઈ ગામ સુધી પહોંચાડવામાં આવશે. લિન્ક 4ના પેકેજ 9 દ્વારા કુલ 72.856 કિમી લંબાઈના પાઇપલાઇનના નેટવર્ક દ્વારા 12 તળાવોને જોડવામાં આવશે. જેનાથી આસપાસના 23 ગામોના 45 હજારથી વધુ લોકોને ફાયદો થશે અને 5676 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની પૂરતી સુવિધા મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વિચરતી વિમુક્ત જાતિના 133 પરિવારોને રહેણાંકના હેતુ માટે જમીનની સનદ આપવામાં આવી હતી. જ્યારે 214 જેટલા દિવ્યાંગોને રૂ. 28.94 લાખના ખર્ચે 18 પ્રકારના 372 સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રિમોટથી વિવિધ લોકાર્પણ, ખાતમુહૂર્તનાં કામોની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રી, મંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો  આરંભ કરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રીનું મિલેટની ટોપલી, હળ, શાલ, પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી મંચ પર આવતા પહેલાં સૌ પ્રથમ વિચરતી વિમુક્ત જાતિના લોકો તેમજ દિવ્યાંગોને મળવા પહોંચી ગયા હતા અને તેઓના ખબર અંતર પૂછી સરકારી યોજનાના લાભો સરળતાથી મળ્યા છે તે અંગે પૃચ્છા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે વિંછીયામાં કુલ મળીને રૂ. 337.06 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજનાની લિન્ક-4ના પેકેજ-9ના રૂ.181 કરોડના કામો, અને ભાડલા તથા વિંછીયા ગ્રૂપ સુધારણા – જૂથ પાણી પૂરવઠા યોજનાના 139 કરોડના કામોના ખાતમુહૂર્ત સામેલ છે. ઉપરાંત ઘેલો નદી પર રૂ.5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં રૂ. 2.11 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડ, વિંછીયા ખાતે રૂ. 9.01 કરોડના ખર્ચે નિર્મિત નવી આઈ.ટી.આઈ.ના લોકાર્પણનો સમાવેશ થાય છે.

Img 20240216 Wa0360

કે.ડી.પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લેતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આટકોટ સ્થિત કે.ડી. પરવડીયા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોધરા ઉપસ્થિત રહ્યા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.