Abtak Media Google News

વધતા જતા શહેરીકરણ સાથે વનીકરણ પણ વધારવા ભૂપતભાઇ બોદર દ્વારા મૂકાયો ભાર

ઈશ્વરીયા પાર્ક ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ” તેમજ મિશન લાઈફની સામૂહિક ગતિશીલતાની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ વૈશ્વિક ચિંતાનું કારણ બન્યું છે ત્યારે વધતા જતા શહેરીકરણની સાથે સાથે વનીકરણ પણ વધારીને સમતોલન સ્થાપવું જરૂરી છે. શહેરમાં બનતા નવા આવાસો સાથે વૃક્ષો વાવવા પણ અનુરોધ કર્યો હતો. આ વર્ષે  “બિટ પ્લાસ્ટિક વેસ્ટ” થીમ પર પર્યાવરણ દિન ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્લાસ્ટિકનો કચરો ક્યારેય જ્યાં ત્યાં ન ફેંકવા પ્રતિજ્ઞા લેવી જોઈએ.

અંબાજી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગ્રીન ગ્રોથ એટલે કે  “પર્યાવરણ પ્રિય વિકાસ” રાજ્ય સરકારની નેમ છે. ગુજરાતમાં 22 સાંસ્કૃતિક વનો તેમજ અનેક જગ્યાએ “નમો વડ વન” તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી એ આજે વાવેલ વૃક્ષોનું સમગ્ર વર્ષ જતન કરવા પ્રતિબદ્ધ થવા અપીલ કરી હતી.

આ તકે કલેકટરએ   કહ્યું હતું કે, પર્યાવરણને લગતા કાયદાઓના અમલીકરણ સાથે આપણી જીવનશૈલીમાં પર્યાવરણલક્ષી ફેરફાર કરીએ તો જ પર્યાવરણનું જતન શક્ય બનશે. સાંસદ મોહનભાઈ કુંડારિયાએ તમામ કાર્યક્રમોમાં હાર કે બુકેને બદલે છોડ કે રોપ આપીને સ્વાગત કરવા અપીલ કરી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા આહવાન કર્યું હતું.

દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત છોડ આપીને કરવામાં આવ્યું હતું. બેડી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલે પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત વન વિભાગ દ્વારા થયેલ વિવિધ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. મહાનુભાવોએ આ અવસરે વૃક્ષારોપણ અંતર્ગત વડ, લીમડા, કરંજ અને અર્જુનસાદડ વૃક્ષના રોપાનું વાવેતર કર્યું હતું. નોંધનીય છે કે ઈશ્વરીયા પાર્ક ખાતે વન મહોત્સવ અંતર્ગત 5000 વૃક્ષોનું વાવેતર થનાર છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક હીંગોળદાન રત્નુ, મદદનીશ વન સંરક્ષક એસ.ટી.કોટડિયા, આર.એફ.ઓ.  વિક્રમ પરમાર સહિત અન્ય અધિકારીઓ તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.