વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિગતો જાહેર કરી

રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત આ સરકાર ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ છે. તેમ જણાવીને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વિગતો જાહેર કરી હતી કે રાજકોટ જિલ્લાના 3.91 લાખ ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ રૂ. 600 કરોડની સબસીડી અપાઈ છે.

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ તા. 31-12-2022ની સ્થિતિએ રાજકોટ જિલ્લાના ખેતીવાડી વિજ ગ્રાહકોને વીજ બિલમાં સબસિડી આપવામાં આવી છે જેમાં વર્ષ 2021માં કુલ 1,94,171 ગ્રાહકોને અને 2022માં કુલ 1,97,374 ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં રૂ. 272.83 કરોડ અને વર્ષ 2022માં રૂ. 329.88 કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 600.71 કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે.

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.