Abtak Media Google News

રાજકોટ રનર્સ એસો. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેને. એસો દ્વારા આયોજીત

22થી 24 દરમિયાન જનકલ્યાણ હોલમાં ‘બીબ એકસ્પો’માં દેશભરની નામી ફીટનેશ કંપનીઓ દ્વારા રનર્સને લગતી રમત-ગમત, ફિટનેસ બેડી કેરની વસ્તુઓનું પ્રદર્શન વેચાણ કરાશે

રાજકોટ રનર્સ એસોસીએશન અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ એસોસીએશનના સંયુકત ઉપક્રમે રાજકોટ પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગરુકતા લાવવાના શુભ આશય સાથે આગામી તા.25 માર્ચના રોજ રાત્રે 10 કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતેથી નાઇટ હાફ મેરેથોનનું ઉદ્ઘાટન અને ફ્લેગ ઓફ ગુજરાતના રમતગમત મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવશે.

રાજકોટ રનર્સ એસોસીએશનના સેક્રેટરી ડો. દેવેન્દ્ર રાખોલીયા જણાવે છે કે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોનનું આયોજન સૌરાષ્ટ્રમાં કદાચ પ્રથમવાર થવા જઈ રહ્યું છે. આ મેરેથોનના ઉપલક્ષમાં એક બીબ એકસ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં યોજાતી તમામ મોટી મેરેથોન ઇવેન્ટમાં આ પ્રકારનો એકસ્પો યોજાતો હોય છે, જેનો લાભ આ વખતે રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને પણ મળશે. આ એકસ્પોમાં દેશની જાણીતી ફિટનેસ કંપનીઓ દ્વારા બજારમાં રનર્સને લગતી, રમત-ગમતને લગતી, ફિટનેસને લગતી અને હેલ્થ અવેરનેસને લગતી લેટેસ્ટ અને ટ્રેન્ડીંગ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ હશે.

ઉપરાંત રનર્સ કલબ દ્વારા મેરેથોનના ફાયદાઓ, નિયમો અને રનર્સે કેવી રીતે ફિટનેસ મેઇન્ટેન કરવી વગેરે જેવી બાબતોની માહિતી પણ પ્રદર્શીત કરાશે. આ સાથે રાજકોટની સ્વનિર્ભર શાળાના વિધાર્થીઓ માટે યોજાયેલ પેઇન્ટીંગ કોમ્પીટીશનમાંથી સિલેક્ટ કરેલ શ્રેષ્ઠ કૃતિઓને અહીં પ્રદર્શીત કરાશે. આ એકસ્પોનું ઉદ્ઘાટન ગુરુવાર ને તા.22 ના રોજ બપોરે 12 કલાકે કરાશે. એકસ્પોનો સમય સવારે 10 થી રાત્રે 10 કલાક નો રહેશે. પ્રદર્શનમાં જાહેર જનતા માટે નિ:શુલ્ક પ્રવેશ રહેશે, જેથી સર્વેને આ પ્રદર્શનનો લાભ લેવા આયોજકો દ્વારા ઇજન કરવામાં આવે છે.

આ હાફ મેરેથોનના સહઆયોજક રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી વી મહેતા જણાવે છે કે, હાલમાં ડ્રગ્સ વિરોધી અભિયાન વિષય અંતર્ગત યોજયેલ ચિત્ર સ્પર્ધામાં ‘નો ડ્રગ્સ, ‘સે નો ટુ ડ્રગ્સ’ સ્લોગનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ તેમની મૌલિક કલ્પનાશક્તિથી બનાવેલા ચિત્રોમાં રંગો ભર્યા હતા. આ ડ્રોઈંગ કોમ્પિટીશનનો હેતુ યુવા વર્ગને ડ્રગ્સના સેવનથી રોકવા, સમાજનો ઉધ્ધાર કરવા, તંદુરસ્તીભર્યું જીવન જીવવા અને પોઝીટીવ થીંકીંગ તરફ લઈ જવાનો હતો. આ સ્પર્ધામાં રાજકોટની શાળાઓના 5000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ ચિત્રોને બીબ એકસ્પોમાં પ્રદર્શીત કરાશે.

આ નાઇટ હાફ મેરેથોનનું ઉદ્ઘાટન અને ફલેગ ઓફ સેરેમનીમાં ગુજરાતના રમતગમત મંત્રી અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, રાજયસભા સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટના સાંસદ  મોહનભાઇ કુંડારીયા, રાજકોટના ધારાસભ્યઓ  ઉદયભાઇ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, રમેભાઇ ટીલાળા, શહેર ભાજપા પ્રમુખ કમલેશભાઇ મિરાણી, રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા સહિતના વિવિધ શ્રેત્રના મહાનુભાવો અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી આયોજકો અને પ્રતિયોગીઓનો ઉત્સાહ વધારશે.

આ નાઇટ હાફ મેરેથોનના અયોજનને સફળ બનાવવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા, મહામંત્રી પરિમલભાઈ પરડવા મહામંત્રી પુષ્કરભાઇ રાવલ, પૂર્વ જીલ્લા પ્રમુખ અજયભાઈ પટેલ સહિત સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.