Abtak Media Google News

ભેંસ ચોરીનો આરોપી બુકાનીધારી ગેંગનો સાગરીત નીકળ્યો: એક સાથે ૩૫ લૂંટ અને સામુહિક બળાત્કારના ગુનામાં સંડોવાયેલી ગેંગને ઝડપવામાં સફળ રહેલા પ્રોબેશન ફોજદાર જયદેવને જિલ્લા પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા

 જેતપુરના ફોજદાર રાણા અને ધોરાજીના ફોજદાર જયદેવ વચ્ચે આ લૂંટ-ઘાડ કરતી બુકાનીધારી ગેંગને પકડવાની તંદુરસ્ત હરીફાઈ પુરજોશમાં ચાલતી હતી. બન્ને પોત પોતાના કાર્યક્ષેત્રમાં એડીચોટીનું જોર લગાવીને દિવસ-રાત અન્ય કામ કરવાની સાથે આ ગેંગને પકડવાના પ્રયત્નો પણ કરતા હતા. રાણાની મહેનત અને દોડાદોડી સખત હતી. જયદેવ પણ મહેનત કરતો હતો પરંતુ તે માનતો હતો કે ” slow and steady win the race ‘.

જયદેવ અને સી.પી.આઈ ચૌહાણ વિશ્રામગૃહમાં એક જ ‚મમાં સાથે રહેતા હતા. એક  રાત્રીના સુવા માટે ચૌહાણ ‚મ ઉપર આવ્યા જ નહીં. છેક સવારે છ વાગ્યે રૂમ ઉપર આવી જયદેવને જગાડયો અને કહ્યું કે રાત્રીના નદીબજારમાં પથ્થરમારો થયેલ હતો અને કોમી તંગદિલી હતી. રાત્રે મેં અને સુથારે બંદોબસ્ત રાખ્યો હતો. તમે અત્યારે જઈને બંદોબસ્ત રાખો. અમે દસ અગિયાર વાગ્યે આવીશું. બહાર જીપ અને કોન્સ્ટેબલ લાભુ બારોટ તૈયાર જ છે. જયદેવે તુરત જ તૈયાર થઈ યુનિફોર્મ પહેરીને જીપ લઈને પોલીસ સ્ટેશનેથી કોન્સ્ટેબલ મધા તથા ચંદ્રભાણને સાથે લઈ ધોરાજીના જુદા જુદા વિસ્તારો પીરખાના મતવા શેરી બહારપુરા ખાટકીવાડ થઈ દરબારગઢ ચોકમાં આવ્યો. લાભુ બારોટે ચા-પાણી પીવા માટે જીપ ત્યાં ઉભી રખાવી.

જીપમાંથી ઉતરીને લાભુ બારોટ એકલો જ ખાટકીવાડમાં ગયો અને થોડીવારમાં જ પાછો આવ્યો. જયદેવને કહ્યું કે એક બાતમીદારે હકિકત આપી છે કે ખાટકીવાડમાં એક વાઘરીનો છોકરો શંકાસ્પદ છે. આ સાંભળીને જયદેવનું મગજ એકદમ સતેજ થઈ ગયું. કેમ કે ચાર-પાંચ દિવસ પહેલા જ જામકંડોરણા રોડ પરની વાડીમાંથી એક ગાભણી (બેજીવી) ભેંસની ચોરી થયેલ હતી તેની તપાસ જયદેવ પાસે હતી.

જયદેવને વિચાર આવ્યો કે ખાટકીને તેના ધંધામાં (કટીંગ)માં પાંકડી ભેંસ, ખડીયુ કે ગાભણી  દુજણી ભેંસ કે પાડી કે બળદ તેમાં કોઈ ફેર પડતો નથી. આથી મનમાં એવો તર્ક કર્યો કે એવું ન બને કે આ વાઘરીએ ભેંસ ચોરીને ખાટકીને આપી હોય અને ખાટકીએ આ ગાભણી ભેંસનું પણ શાકબકાલુ કરી નાખ્યું હોય ? વળી ચોરીના માલના પૈસાનું ચુકવણું તો પાછળથી જ થતું હોય છે અને આ નાણા લેવા વાઘરી આવ્યો હોય ?

આથી જયદેવે તુરંત જ લાભુ બારોટને કહ્યું કે તમે પાછા ખાટકીવાસમાં જાવ અને વાઘરીને ચંદ્રભાણ તથા મધા સાથે જીપમાં મોકલો અને લાભુને વધારામાં કહ્યું કે તમે બાતમીદારથી ખાત્રી કરો કે આ વાઘરી કોણ ખાટકી પાસે આવ્યો હતો તેના નામ-ઠામ લઈ તેની પ્રવૃતિ અંગે પણ ખાત્રી કરવા સુચના કરી રવાના કર્યો.

વાઘરી આવે તે પહેલા જયદેવે વિચારી રાખ્યું કે વાઘરી અને ખાટકીની બન્નેની કઈ રીતે પુછપરછ કરવી પ્રશ્ર્નો અને આયોજન અંગે નકકી કરી રાખ્યું. પ્રથમ વિશ્ર્વાસમાં લઈ પુછપરછ કરવી જો સત્ય હકિકત ન જણાવે તો બીજા તબકકામાં માનસિક અને શારીરિક તનાવમાં લાવવો અને જો ભેંસ ચોરીના ગુન્હામાં તીર વાગે એટલે કે ગુન્હો માને કે કબુલે તો ત્રીજા તબકકામાં તાવડી ગરમ હોય ત્યારે જ આ પણ વાઘરી હોય બુકાની ધારી લુંટ અંગે પણ યુકિત પૂર્વક પુછપરછ કરી તાગ મેળવવો એમ નકકી કર્યું.

વાઘરીને લઈને મધો અને ચંદ્રભાણ આવીને જીપમાં બેઠા થોડીવારમાં લાભુ બારોટ આવી ગયો. જયદેવે જીપને ગામની બહાર લેવરાવી વાઘરીને તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ બાબુ સોમત રહે.પાલિતાણાવાળા હોવાનું જણાવ્યું એટલે જયદેવે તેને વિશ્ર્વાસ આપી કહ્યું કે તું તો મારા વતનનો છો વાહ ! અને વિશ્ર્વાસમાં લઈ બે ત્રણ વિકલ્પ આપ્યા તેમાં જે સારા હોય તે તારા તેમ કહ્યું આ છુટ તું મારા વતનનો છો એટલે તેમ કહેતા બાબુ બોલ્યો ભલે સાહેબ અને તે વિચારમાં પડી ગયો ત્યાં લાભુ બારોટે કહ્યું કે સાહેબ આ બિચારો ભુખ્યો લાગે છે તેને જમાડી દઈએ અને જીપને જેતપુર જકાતનાકા ઉપર લાવી બાબુને હોટલમાં જમાડયો.

જમાડયા પછી વાઘરી બાબુ સોમતને ફરીથી પુછપરછ કરતા જે અગાઉ કહેવા માટે તૈયાર થયેલો તેમાંથી તે ફરી ગયો અને નામકકર થઈ કહ્યું હું કાંઈ જાણતો નથી. આથી જયદેવે જીપને પાછી ગામ બહાર લેવડાવી બાબુને પોલીસનો મુળ ચમત્કાર બતાવ્યો અને પોલીસ સ્ટાઈલથી પુછપરછ કરતા તે અડધો માનસિક ભાંગી ગયો અને તેને મનમાં થયું કે હવે ચાલે તેમ નથી. દરમ્યાન જ જયદેવે અન્ય વિકલ્પ મુકીને બાબુને પુરો માનસિક રીતે ભીંસમાં લીધો અને તર્કબઘ્ધ પ્રશ્ર્ન પૂછયો કે ‘રાત્રે કોમી તોફાનમાં તારે પથ્થર મારો કરવા આવવાની શું જ‚રત હતી ? આથી બાબુ ભાંગી પડયો અને કહ્યું, ‘સાહેબ હું બધુ સાચુ કહી દઉ છું પરંતુ રાત્રીના તોફાનના કેસમાં મને ન લેતા મને તેમાંથી બચાવી લો.

આ દરમ્યાન જ ભેંસ ચોરીના ફરીયાદી ખેડુતને બોલાવેલ હતો તે આવી ગયો. અને ખાટકીવાડમાં કપાયેલ ભેંસના વઘેલા અને પડેલ શીંગડા આ ખેડુતને બતાવતા જ તે એકદમ ગળગળો થઈ ગયો અને બોલી ઉઠયો ‘આ મારી ભેંસના જ શીંગડા છે આ નાલાયકોએ મારી ગાભણી સવાર-સાંજ ભેંસને કાપી નાખી કહી રડવા લાગ્યો. વાતાવરણ એકદમ કરૂણ અને દયાપાત્ર બની ગયું. ખાટકી એજ સીધુ કહી દીધું ‘સાહેબ આ વાઘરી બાબુ સોમત જ મને આ ગાભણી ભેંસ ચોરી કરીને આપી ગયો હતો’.

આથી વાઘરી બાબુ ચારેય બાજુથી ઘેરાઈ ગયો અને મુંજાઈ ગયો. જયદેવે જોયું કે તાવડી બરાબર ગરમ છે એટલે તે તકનો લાભ લઈ મુખ્ય પ્રશ્ર્ન જ ઓચિંતો પુછી લીધો તો પછી જાલણસર ફાટક પાસેના ગુન્હાનું શું છે ? આથી પ્રશ્ર્નોની ચારેબાજુથી ઘેરાયેલો અને મુંજાયેલો બાબુ બોલી ઉઠયો કે ‘તેમાં હું એકલો કયાં હતો સાથે કાળુ શેરામ અને જીથર ભુરા પણ હતા. જયદેવે બીજી પુછપરછ એક બાજુ મુકીને આ જાલણસર ફાટકવાળી જ બાબત અંગે પુછપરછ ચાલુ રાખી. જયદેવે બાબુને એક સાથે પ્રશ્ર્નો પુછયા ચોકકસ કઈ જગ્યાએ કેટલા વાગ્યે કોની પાસે શું હથિયાર હતું. મોટર સાયકલ કયુ હતું તેના ઉપર કેટલી વ્યકિત બેઠી હતી લુંટમાં શું શું મળ્યું ? આથી પોપટની જેમ તૈયાર થઈ ગયેલા બાબુ સોમતે આ અંગે સઘળી હકિકત કહી દીધી જે નીચે મુજબ.

‘બાપુ આજથી દસેક દિવસ પહેલા સાંજે છ એક વાગ્યે ઉપર જણાવેલ નામ વાળા અમે ત્રણેય જણા ફરેણી ગામના પાટીયાથી નીકળેલા કાળુ પાસે લાકડી, જીથરા પાસે કડીયાળી ડાંગ તથા પોતા પાસે બડીયો હતો. જાલણસર ફાટક પાસેના રોડ નજીકના કપાસના વણમાં સંતાઈને બેઠા હતા મોઢા ટુવાલ તથા ફાળીયાથી ઢાંકી દીધા હતા. રાત્રીના સાડા આઠેક વાગ્યે જુનાગઢ બીજુથી એક ડબલ સવારી રાજદૂત આવતું હતું. આ મોટરસાયકલને લાકડીઓથી જ આંતરીને ધમકી આપીને જે કાંઈ હોય તે આપી દેવાનું કહેતા આ બન્ને જણ ધ્રુજવા લાગેલા જેથી એક જણ પાસેથી કાંડા ઘડિયાળ અને ‚પિયા પપ૦ પણ મળેલા બીજા પાસેથી ફકત કાંડા ઘડિયાળ મળેલ અને તેણે સારુ પહેરેલ હોય તે પણ કઢાવી લીધેલું.

વાઘરી બાબુ સોમતની આ વાત સાંભળીને જયદેવે છેલ્લી જાલણસર ફાટક પાસે થયેલ લુંટના સમયે ગયેલ મુદામાલની સરખામણી કરતા જ તે અનહદ ખુશ થઈ ગયો જાણે તેને ‘જમ્બો જેક પોટ’ ઈનામ લાગ્યું હોય ! જયદેવ ખુશીથી ઉછળી પડયો. તાત્કાલિક તમામને લઈ પોલીસ સ્ટેશને આવ્યો.

જયદેવે ગાભણી ભેંસથી લઈ ઝાલણસર ફાટકવાળી લુંટની કબુલાતની પુરી વાત પી.એસ.આઈ સુથારને કરી. આ વાત સાંભળી ફોજદાર સુથાર અને સીપીઆઈ ચૌહાણ પણ ખુશ થઈ ગયા. પરંતુ સુથારે શંકા વ્યકત કરી જયદેવને કહ્યું ‘બાપુ આ વાઘરી મારના ભયથી ખોટુ કબુલતો નથી ને ? તમારી પાસે પુછપરછનું મશીન ‘માર દાતા અને ચૌદમુરતન’ ભલભલાને હા જણાવી દે છે પરંતુ ઉત્સાહમાં આવેલા જયદેવને આ બાબુ સોમત સાચુ જ કહેતો હોવાની પાકી ખાતરી હોવા છતાં બીજા સાથી આરોપીઓને પકડી ક્રોસ પુછપરછ કરવા બાબુ સોમતને ફરીથી પુછયું કે આ કાળુ શેરામ અને જીથર ભુરા કયાં છે. તેથી બાબુએ કહ્યું કે આ તમામ લોકો ફરેણીના પાટીયે જ છે. લાભુ બારોટ બાજુના એસ.ટી.બસ સ્ટેન્ડમાંથી એક જુનવાણી ફોર્ડ ટેક્ષી લઈ આવ્યો જેને ત્યાંના લોકો દેડકો કહેતા. તેમાં બાબુ સોમતને હાથકડી બાંધી પાછળની સીટની નીચે સુવાડી દીધો. તેમાં બે રાયફલધારી પોલીસ કોન્સ્ટેબલોને બેસાડી દીધા. જયદેવ અને લાભુ ટેક્ષીમાં આગળના ભાગે તથા વધારાના બે જવાનોને પાછળની સીટમાં બેસાડી દીધા. જીપમાં અન્ય પોલીસને બેસાડી જેતપુર હાઈવે ઉપર ગુંદાળા ગામે આવ્યા જીપનેગુંદાળાથી ફરેણી જતા કાચા રોડ ઉપર ઉભી રાખી. ફકત ટેક્ષીને જ ફરેણી તરફ લઈ જતા રસ્તા ઉપર જેતપુરથી ધોરાજી જતો રેલવે ટ્રેક અને તેનું ફાટક આવ્યું ત્યાં જ ફરેણીનું ફલેગ સ્ટેશન  અને તેજ આ બાબુ સોમતને ફરેણીનું પાટીયું હતું. જે ફાટક પાર કરતા રોડની પૂર્વ બાજુ ગેલ્વેનાઈઝના પતરાનું ત્રણ બાજુ બંધ અને એકબાજુ ખુલ્લુ છાપરુ હતું. આ બધુ નિરીક્ષણ ટેક્ષીમાં બેઠા બેઠા જ કરી લીધું.

બાબુ સોમત અને એક કોન્સ્ટેબલને જીપ માં જ રાખીને જયદેવ લાભુ બારોટ ચંદ્રભાણ વિગેરેએ આ ફલેગ સ્ટેશનના છાપરામાં જોયું તો પાંચેક ખેતમજુરો આરામથી સુતા હતા. જયદેવ નજીક જતા જ એક જણો જાગી ગયો અને તુરત જ બોલ્યો ‘એલા ભાગો પોલીસ આવી ! પણ છાપ‚ ત્રણ બાજુથી બંધ હોય પાંચેય જણાને ત્યાં જ પકડી લીધા અને હાથકડીઓ પહેરાવી દીધી. પોલીસે મધાને ટેક્ષી લઈ આગળ ઉભેલ જીપ લઈ આવવા મોકલ્યો અને થોડીવાર માં જ જીપ લઇ આવ્યો. પાંચેય આરોપીઓને જીપમાં બેસાડી જીપ તથા ટેક્ષી લઇ પોલીસ સ્ટેશન આવ્યા. બાબુ સોમતને તો અલગ જ રાખ્યો હતો. નવા પાંચેયને પુછપરછ કરતાં પોતે નિર્દોષ હોવાનું રટણ ચાલુ કરેલ તેથી પાંચેયને બાબુ સોમતને દૂરથી જ બતાવીને કહ્યું કે આણે ભેંસ ચોરીથી લઇ તમામ વાત કરી છે અને બાબુ સોમતે તે હા પાડતા આ પાંચેય જણાએ કહ્યું કે સાહેબ ભુલ થઇ ગઇ તમામ પોલીસ દળ ખુશીથી નાચી ઉઠયું ખાસ તો દરરોજ ના રાત્રી ઉજાગરા બંધ થયા તેની તમામને ખુશી વધારે હતી.

સી.પી.આઇ. ચૌહાણે ટેલીફોનથી ઉપલી કચેરીઓમાં બુકાનીધારીઓ પકડાઇ ગયાની જાણ કરી દીધી. ધોરાજી શહેરમાં પણ બુકાનીધારી પકડાયાની વાત વાયુ વેગે પ્રસરી જતાં લોકોના ટોળા પોલીસ સ્ટેશન બહાર જોવા માટે ઉમટી પડયા એક કલાકમાં તો જેતપુર, જામકંડોરણા, ઉપલેટા, પાટણવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ દોડી આવ્યા. તમામે રાહતનો દમ લીધો અને પોલીસ દળમાં ખુશીનો માહોલ હતો. બે જ કલાકમાં રાજકોટથી જીલ્લા પોલીસ વડા પણ ધોરાજી આવી પહોચ્યા.

તમામ પોલીસ અધિકારીઓ તથા પ્રજાના પ્રતિનિધિઓ, પત્રકારો જયદેવને અભિનંદન આપવા લાગ્યા. જયદેવની છાપ જનતામાં હીરો જેવી બની ગઇ. બીજા દિવસે તમામ છાપાઓમાં આગલા પાના ઉપર જયદેવ તથા તેની ટીમના ફોટાઓ સાથે સમાચારો છપાયેલા હતા. જયદેવને ખુશીનો પાર ન હતો.

પાંત્રીસ લૂંટ અને ઘાડ ના ગુન્હા તેમાં કેટલાક સામુહીક બળાત્કારના એક જ ઝાટકે શોધી કાઢવા કે જે બે જીલ્લાના છ એક પોલીસ સ્ટેશન વિસ્તારને ધમરોળતી ગેંગને પકડી મુળ મુદ્દામાલ સાથે પકડવા તે બહારવટીયાને પકડવા જેવી મોટી સિઘ્ધી હતી. કેમ કે આ પ્રશ્ર્ન રાજય કક્ષાનો કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન પણ બન્યો હતો. જીલ્લા આખાની પોલીસની પેટ્રોલીંગો બંધ થઇ આમ જનતા ઉપરાંત પોલીસ દળ અને અધિકારીઓને પણ શાંતિ અને સલામતીની સ્થાપના થતા જયદેવ અને ધોરાજી પોલીસની પણ વાહ વાહ થઇ ગઇ, જીલ્લા પોલીસ વડાએ જયદેવને પોતાના લેટર પેડ ઉપર ત્યાં જ આ જીલ્લાનો અને રાજયનો મુશ્કેલ અને વિકટ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ર્ન ઉકેલવા બદલ પ્રશસ્તિ પત્ર આપ્યો Well beginning is half success

પોલીસ વડાએ કહ્યું  કે પ્રોબેશન પીરીયડમાં જ અરધી સફળતા મેળવી લીધી તે બહુ અગત્યની સફળતા કહેવાય, પુત્રના લક્ષણ પારણેથી ફોજદાર માટે પ્રોબેશન પીરીયડ તે પારણુ છે. અને આ સમયમાં  ખ્યાલ આવી જાય કે આ અધિકારી કેવો બનશે !

જયદેવને આનંદ સાથે વધારે નવાઇ તો ત્યારે લાગી કે બેચાર મહિના પછી તેનો મિત્ર જે અમેરિકા સેટલ થયેલો તે ગુજરાતમાં આવ્યો ત્યારે તેણે જયદેવને કહ્યું કે તમારો ફોટો ન્યુર્યોકમાં જોયેલો. આથી જયદેવે પૂછયું કે કેવી રીતે ત્યાં ? જયદેવના મિત્રએ કહ્યું કે ન્યુયોર્કમાં તેમના સંબંધી નિયમીત રીતે એરલાઇન્સ દ્વારા ગુજરાતી છાપું વાંચવા મંગાવે છે તેમાં સમાચાર સાથે તારો ફોટો હતો. જયદેવે કહ્યું એમ ? તો અમેરીકા સુધી નામ પહોંચી ગયું ?

આ  છ એ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખેડુતો આ બુકાનીધારી ગેંગ પકડાઇ ગઇ તેથી હવે રાત્રે પણ નિર્ભય રીતે પોતાના વાડી ખેતરોમાં જવા લાગ્યા. અને રાત્રીના પણ રોડ  રસ્તે માણસો ભય વગર અવર જવર કરવા લાગ્યા.

શાસ્ત્રોમાં કહ્યું છે કે :-

  • ન ગો પ્રદાનં: ન મહિ પ્રદાનં: ન ચાન્નદાનં હિતથા પ્રધાનમ !
  • યથા વદન્તીહ બુધા: પ્રધાનંમ્ સર્વ પ્રદાનેષ્ય ભય પ્રદાનમ !!
  • પંચતંત્ર, મિત્ર ભેદ -૩૧૩

અર્થ:-

ગોદાન, ભુમિદાન, અને અન્નાદાન પણ એટલું મહત્વ પૂર્ણ નથી કે જેટલું અભયદાન છે. વિદ્વાન લોકો અભયદાન ને બધા દાનોથી શ્રેષ્ઠ કહે છે.

જયદેવને થયું કે પોલીસ દળની કાયદેસરની ફરજ બજાવતા પણ કેટલી કિર્તિ અને જનતાનો પ્રેમ મળે છે. વળી પંચતંત્ર મિત્ર ભેદમાં જણાવ્યા મુજબ પોલીસદળ લોકોને ગુનેગારો, દુષ્ટો અને અસામાજીક તત્વોથી ભય ભુકત કરે તો તે બધા દાનોમાં શ્રેષ્ઠ દાન છે. શાસ્ત્રોમાં જે લખ્યું છે તે દિવ્ય અને સાચુ જ હોય તેથી આ જનતા ને ભય મુકત કરવાનો મોટો યજ્ઞ તો પોલીસ અધિકારી જ કરી શકે !

જયદેવની આ સફળતાથી તેનું જીલ્લા આખામાં સફળ અધિકારી તરીકે નામ થયું. જયદેવને તેનો પ્રોબેશન પીરીયડ પુરો થતાં સવોત્તમ નિમણુંક મળવાની હતી. પરંતુ સાથે સાથે તેના અભયદાન યજ્ઞને કારણે તેની બદલીઓની પરંપરા પણ શરુ થવાની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.