યુનિવર્સિટીમાં ૧૮ ફેબ્રુઆરીથી અઢી દિવસ ‘નેક’ની છ સભ્યોની ટીમનું ઈન્સ્પેકશન

નેકની ટીમ જુદા જુદા ભવનો અને વિભાગોમાં શૈક્ષણિક માળખાકીય સહિતની બાબતોની સઘન ચકાસણી કરશે: વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે વાર્તાલાપ કરશે: નવા માપદંડ મુજબ નેકની ટીમ ઈન્સ્પેકશનમાં આવે ત્યારે તેમની રહેવાની સગવડ, સુખ-સુવિધાઓ નિર્ધારીત એજન્સી દ્વારા જ કરવામાં આવશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લગભગ એક વર્ષ કરતા પણ વધુનો સમયગાળો થઈ ગયો હોય. નેકની ટીમ કોરોનાના લીધે ઈન્સ્પેકશન માટે આવી નથી. જો કે, હવે સત્તાવાર રીતે જાહેરાત થઈ છે કે, આગામી ફેબ્રુઆરી માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નેકનું ઈન્સ્પેકશન આવી રહ્યું છે. જેને લઈ યુનિવર્સિટી પણ હવે સજ્જ છે.  આગામી તા.૧૮મી ફેબ્રુઆરીથી અઢી દિવસ નેકની છ સભ્યોની ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈન્સ્પેકશન માટે આવશે.

મળતી માહિતી મુજબ છ સભ્યોની ટીમ અઢી દિવસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પમાં આવેલા જુદા જુદા ભવનો, વિભાગો, શૈક્ષણિક અને શૈક્ષણિક માળખાકીય સવલતો સહિતની બાબતોની સઘન ચકાસણી કરનાર છે. ખાસ તો હવે નવા માપદંડ મુજબ નેક ઈન્સ્પેકશન કરશે જેને લઈ કહી શકાય કે, અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૭૦૦ માર્કસનો ડેટા નેકની મોકલવામાં આવ્યો હતો. હવે ૩૦૦ માર્કસના ઈન્સ્પેકશન માટે નેકના સભ્યોની ટીમ રૂબરૂ યુનિવર્સિટીએ આવનાર છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના શ્રેષ્ઠ પાંચ ભવનો નેકની ટીમને સજેશન કરશે અને ત્યારબાદ નેક તેની ચકાસણી કરશે અને અન્ય પાંચ ભવનો નેકની ટીમ પસંદગી કરી તેની શૈક્ષણિક માળખાકીય સુવિધાની ચકાસણી કરશે. આ ઉપરાંત પરીક્ષા વિભાગ, બાંધકામ વિભાગ, મહેકમ વિભાગ સહિતના તમામ વિભાગોમાં જઈ નેક સઘન ચકાસણી કરશે અને વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે ઈન્ટરેકટ કરશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેન્ટીન, બેંક સર્વિસ તેમજ અન્ય સવલતોની પણ ચકાસણી કરીને અલગ અલગ યુનિવર્સિટીના યુનિયનોની પણ માહિતી મેળવશે. આ વખતે જયારે નેક આવી રહ્યું છે ત્યારે તેની રહેવાની સુવિધા અને આવવા-જવાની સુવિધા પણ નેક દ્વારા જ કરવામાં આવશે. એટલે કે નેક ઈન્સ્પેકશમાં આવે ત્યારે તેમની સુખ-સુવિધાની વ્યવસ્થા, રહેવાની સગવડ સહિતની બાબતો નિર્ધારીત એજન્સી દ્વારા કરવામાં આવશે.

આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક માસ બાદ નેકની ટીમ ઈન્સ્પેકશન માટે આવી રહી છે ત્યારે તમામ ભવનો અને વિભાગો સજ્જ છે. તમામ પ્રકારની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ચૂકી છે. બસ હવે નેકની ટીમની આવવાની જ સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ-પ્લસ ગ્રેડ મળે તે નિશ્ર્ચિત છે.

એ-પ્લસ ગ્રેડ મેળવવા યુનિવર્સિટીએ ૫૭૦ માર્કસ મેળવવા જરૂરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી માસથી અઢી દિવસ નેકનું ઈન્સ્પેકશન ચાલવાનું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૭૦૦ માર્કસનો ડેટા નેકને મોકલી દેવામાં આવ્યો છે. જો કે હવે ૩૦૦ માર્કસનું ઈન્સ્પેકશન કરવા નેકની છ સભ્યોની ટીમ આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૦૦૦ માંથી ૫૭૦ માર્કસ મેળવવા જરૂરી બનશે. કેમ કે, જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ૫૭૦ માર્કસ મળે તો જ એ-પ્લસ ગ્રેડ મળી શકે તેમ છે.

Loading...