Abtak Media Google News

મેંદરડામાં ૬ ઈંચ, વંથલી, કેશોદમાં ૫ ઈંચ, માળીયા હાટીના, માંગરોળમાં ૪ ઈંચ વરસાદ: જિલ્લામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ: અનેક ગામો સંપર્કવિહોણા

ગીર-સોમનાથના વેરાવળમાં ૩ ઈંચ, કોડીનારમાં અઢી ઈંચ, સુત્રાપાડામાં ૨ ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં સવારથી અનેક સ્થળોએ ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જુનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ૪ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે સ્થિતિ સતત વણસી રહી છે. આજે સવારથી જુનાગઢ જિલ્લામાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવી આકાશી સુનામીએ સમગ્ર જિલ્લાને રગદોડી નાખ્યો છે. માણાવદરમાં ૪ કલાકમાં અનરાધાર ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર જોતરાઈ ગયું છે. આ લખાય રહ્યું છે ત્યારે પણ જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે.

Advertisement

આજે સવારથી જુનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સવારે ૮:૦૦ થી બપોર ૧૨:૦૦ વાગ્યા સુધીમાં ૪ કલાકના સમયગાળામાં જુનાગઢના માણાવદરમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસી જતા ખાનાખરાબી સર્જાઈ જવા પામી હતી. સમગ્ર માણાવદર પંથક પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અનેક ગામો સંપર્કવિહોણા બની ગયા હતા. ચોમેર પાણી જોવા મળતું હતું. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. માણાવદર ઉપરાંત મેંદરડાને પણ મેઘરાજાએ ધમરોળી નાખ્યું છે. મેંદરડામાં ૪ કલાકમાં સવા પાંચ વરસાદ વરસી ગયો છે.

જયારે જામનગરના લાલપુર અને જુનાગઢના વંથલીમાં ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારથી બપોર સુધીમાં રાજયના ૮૬ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આકાશી સુનામી બાદ સ્થિતિની સમીક્ષા કરવા અને ઝડપથી રાહત અને બચાવની કામગીરી શરૂ કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાને જુનાગઢ જવા માટે રવાના કરી દીધા છે.

આજે સવારે ૮ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લામાં ભેંસાણમાં ૨૭ મીમી, જુનાગઢ ગ્રામ્ય તથા શહેરમાં ૫૪ મીમી, કેશોદમાં ૧૧૭ મીમી, માળીયાહાટીનામાં ૯૯ મીમી, માણાવદરમાં ૨૬૯ મીમી, માંગરોળમાં ૧૦૪ મીમી, મેંદરડામાં ૧૪૨ મીમી અને વંથલીમાં ૧૧૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ઓઝત ડેમના ૪ દરવાજા જયારે સાવલી ડેમના ૯ દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે. સોરઠ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. જુનાગઢ ઉપરાંત જામનગર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, મોરબી અને રાજકોટ જિલ્લામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.