Abtak Media Google News

માત્ર કોન્ટ્રાકટરોને નોટીસો આપીને સંતોષ માની લેતી નગરપાલિકા, ત્વરીત કામગીરીની ઉઠતી માંગ

પ્રજા માટે સુવિધાઓ ઊભી કરવાના નામે માંગરોળ ન.પા.માં ભુતકાળમાં લાખોની રકમના જે કામોના ઠરાવ થયા છે. તે પૂર્ણ કરવામાં પાલિકાને જ જાણે રસ ન હોય તેવું જણાઈ રહ્યું છે. ચાર માસની મર્યાદાના કામ ચાર વર્ષેય પુરા થયા નથી. તેમ છતાં ન.પા. કોન્ટ્રાક્ટરોને ફકત નોટીસ આપી સંતોષ માની રહી છે. આ કામો કયા કારણોસર અટકયા છે તે અંગે અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.

શહેરનો એક માત્ર ટાવર ગાર્ડન હાલમાં દયનીય સ્થિતિમાં છે. ભુલકાઓ માટે રમત ગમતના અનેક સાધનો અત્યંત બિસ્માર હાલતમાં છે, ફુવારા બંધ છે. નજીવા ખર્ચને વાંકે ચકડોળ પણ થંભી ગયું છે. તો બીજી તરફ આ જ જગ્યાએ વિકાસના રૂપકડા નામે વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૮ થી ૪૦ લાખના ખચેઁ ઈન્ડોર એક્ટિવિટી હોલ તથા એમ્ફી થિયેટર બનાવવાનું આયોજન ન.પા.ના અંધેર વહિવટના પ્રતાપે આજે ચાર વર્ષેય પુરું થયું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે આ કામ માટે ઠરાવ, વહીવટી અને તાંત્રિક મંજુરી, વર્કઓર્ડર સહિતની તમામ પ્રક્રિયા તથા ઘણું ખરું પેમેન્ટ પણ ચુકવાઈ ગયું હતું.  પરંતુ હોલ માટે પથ્થર મુકી દિવાલ ચણી, સ્લેબ ભરાયો હતો. જયારે એમ્ફી થિયેટર માટે ફકત ખાડો ખોદાયા બાદ કામ આગળ જ વધ્યું ન હતું.  આ હકીકતો અખબારમાં પ્રસિદ્ધ થતાની સાથે તાબડતોબ કામ શરૂ થયા બાદ પાંચ દિવસમાં ફરી ઓચિંતી બ્રેક લાગી ગઈ હતી.

કોન્ટ્રાકટરોની મનમાની સામે ન.પા. તંત્ર ઘુંટણીયે પડી ગયું છે. સમય મર્યાદાનો ઉલાળીયો થયો હોવા છતાં શિક્ષાત્મક કાર્યવાહીને બદલે ન.પા.એ એજન્સીને માત્ર નોટીસો જ આપી છે. આવી જ કાંઈક હાલત વેરાવળ રોડ પર બની રહેલા ગાર્ડનની છે. જયાં બાઉન્ડ્રી બન્યા સિવાય કોઈ કામ જ થયું નથી. હાલ ત્યાં ગુજરીબજાર ભરાય છે. પાલિકાના આંતરીક સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ગાર્ડન અને શાક માકેઁટની અગાઉની બે કરોડથી વધુનો ગ્રાન્ટનો કોઈ હિસાબ જ મળતો નથી. વિરોધપક્ષ પણ તમામ બાબતોથી વાકેફ હોવા છતાં મૌન ધારણ કરી લીધું છે. ત્યારે ન.પા. અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતના લોકોમાંથી ઉઠેલા આક્ષેપો વચ્ચે આ કામ ખરેખર આગળ ધપશે કે પૂર્ણ થઈ ગયા છે તેમ માની લેવાનું રહેશે તેવા સવાલો ઉદભવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.