Abtak Media Google News

20થી વધુ ભુલકાઓ માટે અદાણીએ થાપણ સ્વરૂપમાં પાંચ કરોડથી વધુ સહાયની કરી જાહેરાત

મોરબીના ઝૂલતા  પુલની કમનશીબ દુર્ઘટનામાં માતાના ગર્ભમાં ઉજરી રહેલા એક બાળક સહિત 20 ભૂલકાઓ કે જેઓએ માતા-પિતા કે કોઇ એકને ગુમાવ્યા છે તેવા બાળકોને છત્રછાયા પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરુપે અદાણી ફાઉન્ડેશન દ્વારા થાપણના સ્વરુપમાં રુ.પાંચ કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

સત્તાવાર રેકોર્ડ અનુસાર સાત બાળકોએ આ દુર્ઘટનામાં તેમના માતા અને પિતા ગુમાવતા અનાથ બન્યા છે અને 12 બાળકો એવા છે કે જેમણે મા-બાપ પૈકી કોઇ એકને ગુમાવ્યા છે. અદાણી ફાઉન્ડેશન મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાથે આ તમામ બાળકો તેમજ પુલની આ દૂર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર એક સગર્ભા મહિલાની કૂખમાં ઉજરી રહેલ બાળક માટે પણ રુ.25 લાખની થાપણ ઉભી કરવા માટે સંકલન કરી રહયું છે.

મોરબીની મચ્છુ નદી ઉપર 1880માં બાંધવામાં આવેલો ઐતિહાસિક ઝૂલતો પુલ ગત તા. 30મી ઓકટોબર,   ધરાશાયી થયો ત્યારે ઓછામાં ઓછા 135 લોકોએ તેમની મહામૂલી જીંદગી ગુમાવી છે અને 180થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા.

અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડો. પ્રીતિ જી અદાણીએ જણાવ્યું હતું કે, “અમે મહામૂલી જીંદગીનો ભોગ લેનાર આ કમનશીબ ઘટનાથી અતિ વ્યથિત છીએ અને પોતાના પ્રિયજનોને ગુમાવનારા લોકોના પ્રચંડ દર્દમાં અમારી સંવેદના વહેંચીએ છીએ.” સૌથી વધુ ગંભીર રીતે અસરગ્રસ્તોમાં નાના બાળકો છે, જેમાંથી ઘણાને હજુ સુધી કહેવામાં આવ્યું નથી કે તેમના માતા અથવા પિતા અથવા બંને માતાપિતા ક્યારેય ઘરે પાછા ફરશે નહીં. આ મહા મુશ્કેલીની ઘડીમાં આ બાળકોના વિકાસ, તેઓને યોગ્ય શિક્ષણ પ્રાપ્ત થાય અને પરિપૂર્ણ જીવન જીવવાનું સાધન ઉપલબ્ધ થાય તે માટે જે કંઈ કરી શકીએ તે આપણે સુનિશ્ચિત કરવાનું છે.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર  વસંતભાઇ ગઢવીએ મોરબીના જિલ્લા કલેક્ટર શ્રી ને મુખ્ય રકમ માટેનો સંકલ્પ પત્ર આજે સુપ્રત કર્યો હતો.

1996 માં સ્થપાયેલ અદાણી ફાઉન્ડેશન એ વિશ્વમાં સૌથી વધુ લોકો સુધી પહોંચતી સામાજિક સહાય કરતી સંસ્થાઓ પૈકીનું એક છે લોકોના સર્વાંગી ઉત્થાન માટેના શ્રેણીબધ્ધ કાર્યક્રમો ધરાવતું અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતના 2,409 ગામડાઓમાં 3.7 મિલિયન લોકોને આવરી લે છે. તે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, કૌશલ્ય વિકાસ, ટકાઉ આજીવિકા વિકાસ અને ગ્રામીણ માળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બાળ પોષણ અને મહિલાઓના સશક્તિકરણ માટેના વિશેષ પ્રોજેક્ટ્સની શ્રેણીને સહયોગ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.